અમેરિકાના ટેક્સાસમાં પાડોશીના ઘરમાં ઘૂસીને ગોળીબાર કર્યો, 8 વર્ષના બાળક સહિત પાંચના મોત – જાણો સમગ્ર મામલો
Texas shooting five people dead: અમેરિકા (america) માં એક પછી એક સતત ગોળીબારી (firing) ની ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં ઘણીવાર સ્કૂલમાં કોઈ આડેધડ ફાયરિંગ કરે છે, તો કોઈ જાહેર રસ્તા પર કે કોઈના ઘરમાં ફાયરિંગ કરીને લોકોને મોતને ઘાટ ઉતારી દેતા હોય છે. ત્યારે હાલ એક એવો જ મામલો અમેરિકાના ટેક્સાસ (usa texas) માંથી સામે આવ્યો છે. જેમાં એક બંદૂકધારીએ ઘરમાં ઘૂસીને ગોળીબાર કરી 5 લોકોની હત્યા કરી નાખી હતી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર મૃતકોમાં એક આઠ વર્ષનો બાળક પણ સામેલ છે. આ ઘટના ટેક્સાસના ક્લીવલેન્ડમાં બની હતી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે બંદૂકધારી તેના યાર્ડમાં ગોળીબાર કરી રહ્યો હતો. પાડોશીએ તેને આવું કરવાની મનાઈ કરી હતી કારણ કે ઊંઘવામાં તકલીફ થઈ રહી હતી. આનાથી ગુસ્સે ભરાયેલા બંદૂકધારીએ આઠ વર્ષના બાળક સહિત પાંચ લોકોને ગોળી મારી દીધી હતી.

સાન જેકિન્ટો કાઉન્ટીના શેરિફ ગ્રેગ કેપર્સે જણાવ્યું હતું કે બંદૂકધારી તેના યાર્ડમાં રાઈફલ વડે ગોળીબાર કરી રહ્યો હતો. પાડોશીઓએ તેને ગોળીબાર બંધ કરવા કહ્યું કારણ કે બાળક સૂવાનો પ્રયાસ કરી રહ્યો હતો. કેપર્સે કહ્યું કે બંદૂકધારીએ પછી પાડોશીઓ પર ગોળીબાર કર્યો. તેણે કહ્યું કે ઘટના સમયે બંદૂકધારી નશામાં હતો. અધિકારીએ કહ્યું કે શંકાસ્પદ પીડિતના ઘરના સીસીટીવી કેમેરામાં તેની રાઈફલ સાથે આવતા કેદ થયો હતો.

અમેરિકામાં ગોળીબારની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. ગન વાયોલન્સ આર્કાઈવ અનુસાર, દેશમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 174 સામૂહિક ગોળીબારની ઘટનાઓ બની છે. શુક્રવારે રાત્રે 11 વાગ્યાની આસપાસ પોલીસને ઘટના વિશેની જાણકારી મળી હતી. ઘટના સમયે ઘરમાં 10 જેટલા લોકો હાજર હતા. આરોપીએ દારૂ પીધો હતો.