કેરળના અલાપ્પુઝામાં એક ભયાનક અકસ્માતમાં મેડિકલનો અભ્યાસ કરી રહેલા પાંચ વિદ્યાર્થીઓના મોત થયા છે. જે કારમાં વિદ્યાર્થીઓ મુસાફરી કરી રહ્યા હતા તે રોડવેઝની બસ સાથે સામસામે અથડાયા હતી. આ અકસ્માતમાં કારને ભારે નુકસાન થયું હતું. કારની હાલતનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે કારની અંદર રહેલા લોકોને બહાર કાઢવા માટે તેને કાપવી પડી હતી.
મળતી માહિતી મુજબ, આ દુર્ઘટના સોમવારે રાત્રે લગભગ 10 વાગ્યે બની હતી. જ્યારે આ અકસ્માત થયો ત્યારે એક કલાક સુધી ભારે વરસાદ પડી રહ્યો હતો. અકસ્માતમાં કારને સંપૂર્ણ રીતે નુકશાન થયું હતું. મૃતક અલાપ્પુઝાની ટીડી મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ હતા અને MBBSના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરી રહ્યા હતા. આ અકસ્માતમાં બસમાં સવાર કેટલાક મુસાફરોને સામાન્ય ઈજાઓ થઈ હતી અને તેઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
અધિકારીઓએ જણાવ્યું કે મૃતકોની ઓળખ દેવનંદન, મુહમ્મદ ઈબ્રાહિમ, આયુષ શાજી, શ્રીદીપ વલસન અને મુહમ્મદ જબ્બાર તરીકે થઈ છે. જેમાંથી દેવનંદન અને ઈબ્રાહીમ લક્ષદ્વીપના રહેવાસી હતા જ્યારે આયુષ, શ્રીદીપ અને જબ્બાર કેરળના રહેવાસી હતા. તેમના પરિવારજનોને અકસ્માતની જાણ કરવામાં આવી છે અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.