કૌશલ બારડ દિલધડક સ્ટોરી પ્રસિદ્ધ પ્રેરણાત્મક રસપ્રદ વાતો લેખકની કલમે

મેજર સોમનાથ શર્મા: ફ્રેક્ચરવાળા હાથે મશીનગન ચલાવીને પાકિસ્તાની ફોજમાં લાશોના ઢગલા કરી દેનાર પ્રથમ રણવીરની કહાણી!

[૧૯૪૭માં ભારતને આઝાદી મળી, તે દિવસથી ભારતની સીમાઓનું રક્ષણ કરવાની જવાબદારી સંપૂર્ણ રીતે ભારતીય જવાનોના માથે આવી. એ જવાબદારી તેમણે મસ્તકના બલિદાન આપીને પણ બખૂબી નિભાવી અને આજ સુધી નિભાવતા રહ્યા છે. ભારતીય સૈનિકોએ આપેલા બલિદાનો અસંખ્ય છે, અને એક-એક જાનફેસાની અમૂલ્ય છે.

જે સૈનિકે રણભૂમિમાં સર્વોચ્ચ પરાક્રમ કર્યું હોય, જેની ગાથાઓ ઘડીભર માન્યામાં ના આવે એવી બેજોડ થઈ ગઈ હોય તેમને ભારત સરકાર વતી ‘પરમવીર ચક્ર’નું સર્વોત્કૃષ્ટ સમ્માન આપવામાં આવે છે. અત્યાર સુધીમાં કુલ ૨૧ રણબંકાઓને આ સન્માન (મરણોપરાંત કે જીવતાજીવ) મળ્યું છે. પરમવીર ચક્ર મેળવનારા સૈનિકો એટલે મૃત્યુને ખુલ્લેઆમ આહ્વાન આપનારા અભિમન્યુઓ! અહીં આપણે આ ૨૧ જવાનોની ક્રમવાર પોસ્ટથી વાત કરવાના છે. અહીં પ્રસ્તુત છે સૌપ્રથમ પરમવીર ચક્ર મેળવનાર મેજર સોમનાથ શર્માની વાત, જેને વાંચીને તમે ઘડીભર અભિભૂત રહી જશો એની ગેરેન્ટી…!]

ધીઁગાણાના ધૂપ લીધા છે, ગીતાજીના પાઠ કીધા છે! —
સોમનાથ શર્માનો જન્મ ઇ.સ.૧૯૨૩માં એ વખતના બ્રિટિશ પંજાબ પ્રાંતના અને આજના હિમાચલ પ્રદેશના કાંગડામાં થયેલો. પિતાનું નામ અમરનાથ શર્મા અને માતા સરસ્વતી દેવી. બાળકના ઘડતરમાં માતાનો ફાળો સર્વશ્રેષ્ઠ હોય, અને એ નાતે માતા સરસ્વતી દેવીનો ફાળો બાળક સોમનાથના ઘડતરમાં સર્વશ્રેષ્ઠ જ હતો. બાળપણથી જ તેઓ સોમનાથને રામાયણ, મહાભારત અને ભગવદ્ ગીતાની વાતો સંભળાવતા. પરિણામ એ આવ્યું, કે બાળ સોમનાથની કાચી ઉંમર હતી ને તેને ‘કામ કરતો જા, ફળની આશા રાખીશ નહી…મદદ તૈયાર છે!’ની કૃષ્ણની હાકલ બરાબર સંભળાઈ ગઈ હતી.

અંત સુધી ખિસ્સામાં રહી ગીતા —
ભગવાન શ્રીકૃષ્ણએ કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને સંબોધીને જે માનવજાત માટે અમૃતધારા વર્ષાવી હતી તેનું પાન સોમનાથ શર્માએ જીવનના અંત સુધી કર્યું. માતા તરફથી મળેલી અમૂલ્ય ભેટ રૂપે ગીતાજીની ચોપડીને તેઓ હંમેશા ખમીસના પોકેટમાં રાખતા. કહેવાય છે કે, અંત સમયે તેમનો મૃતદેહ પણ ગીતાજીની ચોપડીના આધારે જ ઓળખી શકાયેલો!

બર્મામાં જાપાનીઓના દાંત ખાટા કર્યા —
નૈનિતાલમાં નિશાળનું ભણતર પૂર્ણ કરીને સોમનાથ શર્મા દહેરાદૂનની ‘ઇન્ડીયન મિલિટરી એકેડેમી’માં સૈન્ય શિક્ષા માટે ગયા. એ વખતે બીજું વિશ્વયુધ્ધ તેમના મધ્યબિંદુએ પહોંચ્યું હતું. ચોતરફ આક્રમણોનો સીલસીલો શરૂ હતો. ભારત એ વખતે અંગ્રેજોના કબજામાં હતું એટલે અંગ્રેજો વતી ભારતીય જવાનોએ પણ યુધ્ધમાં ઝંપલાવવું પડતું. અનેક ભારતીય જવાનોને દૂરદૂરના પ્રદેશોમાં બ્રિટિશ સેના વતી દુશ્મનો સામે લડવા મોકલી દેવાતા.

બર્મા (મ્યાનમાર)માં ૧૯૪૨-૪૩નો ‘આરાકાન વિગ્રહ’ ફાટી નીકળ્યો. જાપાની સેના સામેના અંગ્રેજોના તે યુધ્ધમાં સોમનાથ શર્માને પણ મોકલવામાં આવ્યા. બર્માનું સતત અંધારછાયું જંગલનું વાતાવરણ, કીટકોનો પુષ્કળ ત્રાસ અને જાપાનના સામુરાઇ યોધ્ધાઓની પિશાચી ક્રુરતા વચ્ચે પણ સોમનાથ શર્માએ અદ્વિતીય પરાક્રમ દેખાડ્યું. પોતાના એક સાથીને જાનના જોખમે મૃત્યુના મુખમાં જતો બચાવેલો. આ અને બીજાં કેટલાંક અદ્ભુત પરાક્રમોને લઈને સોમનાથ શર્માનું નામ કાયમ માટે બ્રિટિશ યુધ્ધ તવારીખમાં અમર રહી જવા પામ્યું.

ઉલ્લેખનીય છે કે, બર્મામાં તેઓએ કર્નલના હોદ્દા પર રહેલા કે.એસ.થિમૈયાની અન્ડરમાં રહીને લડાઈઓ લડી. કર્નલ થિમૈયાએ વખત જતા સ્વતંત્ર ભારતમાં ‘જનરલ’નો ઉત્કૃષ્ટ હોદ્દો મળવ્યો હતો.

આખું કુટુંબ વર્દીધારી! —
જાપાન પર અમેરિકાએ બે અણુબોમ્બ નાખીને પિશાચી કૃત્ય કર્યું એ સાથે બીજું વિશ્વયુધ્ધ સમાપ્ત થયું અને સોમનાથ શર્મા ભારત આવ્યા. અહીં એક વાત ખાસ કહેવી જોઈએ, કે સોમનાથ શર્માનો આખો પરિવાર લશ્કરમાં જ હતો! સોમનાથના દાદા કાશ્મીરના મહારાજાના સૈન્યમાં હતા, પિતાએ પણ બ્રિટન વતી યુધ્ધમાં તબીબી સહાય આપી હતી,

મામા યુધ્ધમાં જ વીરગતિ પામ્યા હતા, નાના બે ભાઈઓ પણ લશ્કરમાં જ સંકળાયેલા હતા. જનરલ વિશ્વનાથ શર્મા, કે જેઓ ભારતીય આર્મીના જનરલ બનેલા; તેઓ સોમનાથ શર્માના સગા ભાઈ હતા! ભારતને આઝાદી મળી અને સોમનાથ શર્માને ભારતીય આર્મીમાં ‘મેજર’નો ઉચ્ચ હોદ્દો મળ્યો. કુમાઉં રેજિમેન્ટની ૪થી બટાલિયનમાં તેઓને રાખવામાં આવ્યા.

ભારતને આઝાદી મળી એના એક મહિના બાદ જ અલગ પડેલા પાકિસ્તાનના સર્વેસર્વા અને પોતાની કૂથલીઓથી કુખ્યાત મોહમ્મદ ઝીણાના મનમાં કાશ્મીરને ઝડપી લેવાની મેલી મુરાદ જાગી. અણઘડ પઠાણો ને કબાલીઓને ભારેખમ મશીનગનો આપીને પાકિસ્તાની લશ્કરે ઓક્ટોબર, ૧૯૪૭માં કાશ્મીર પર આક્રમણ કર્યું.

હાથમાં ફ્રેક્ચર છતાં યુધ્ધે ચડવાની જીદ્દ! —
કાશ્મીર પર પાકિસ્તાની આક્રમણના સમાચાર મળતાની સાથે જ તાબડતોબ ભારતીય સેનાને શ્રીનગર તરફ રવાના કરવામાં આવી. મેજર સોમનાથ શર્મા એ શખતે દિલ્હીમાં હતા અને પથારીવશ હતા. કારણ કે, રમત રમતાં કોઈ કારણસર તેમનો હાથ ભાંગી ગયો હતો અને પ્લાસ્ટર ઓફ પેરીસનો પાટો હાથે આવ્યો હતો. સોમનાથ શર્માને ખબર પડી, કે પાકિસ્તાને ભારત પર આક્રમણ કર્યું છે અને આઝાદી બાદમાં સૌપ્રથમ યુધ્ધના ભણકારા હવે વાસ્તવિક બન્યા છે.

તેઓ તરત પોતાના ઉપરી અધિકારી પાસે ગયા અને પોતાની કંપનીની આગેવાનીમાં કાશ્મીર જવાની વિનંતી કરી. ઉપરી અધિકારીએ સોમનાથ શર્માને આવી હાલતમાં યુધ્ધમાં જવાની ઘસીને ના પાડી અને આરામ ફરમાવવા કહ્યું પણ આવો અમૂલ્ય અવસર ચૂકી જાય એ મેજર સોમનાથ ના હોય! એમણે ગમેતેમ દલીલો કરીને પણ આખરે યુધ્ધમાં જવાની પરવાનગી મેળવી લીધી.

કાશ્મીરમાં સ્થિતી ગંભીર હતી. અનેક તરફથી પાકિસ્તાની લશ્કર-કમ-ભાડૂતો છૂપા વેશે શ્રીનગર કબજે કરવા આગળ વધી રહ્યા હતા. તેમને રોકવા જરૂરી હતા. વિમાની માર્ગે ભારતીય સૈન્યને શ્રીનગરના એરપોર્ટ પર ઉતારવામાં આવતું હતું અને પાકિસ્તાની ટોળાંઓ એ એરપોર્ટનો જ ખુરદો બોલાવી દેવા માંગતા હતા, જેથી કરીને બાકીના ભારત સાથે કશ્મીરનો નાતો કપાઈ જાય. પરિણામે શ્રીનગર અને છેવટે આખું કાશ્મીર પાકિસ્તાનના કબજામાં આવે.

છદ્મવેશીઓએ છેતર્યા —
શ્રીનગરથી મેજર શર્માને આદેશ મળ્યો કે પોતાની કંપનીને લઈને શ્રીનગરથી ૨૫ કિલોમીટરના અંતરે આવેલા બડગામ નામક ગામમાં જઈને મોરચો સંભાળવો અને પાકિસ્તાની લશ્કર ત્યાંથી શ્રીનગર તરફ આગળ વધવા આવે તો તેના પર હુમલો કરવો. મેજર શર્મા પોતાની કુમાઉં બટાલિયનના જવાનો સાથે જઈને બડગામ પહોંચ્યા.

ગામમાં ખાસ કશી હલચલ નહોતી. જનજીવન સામાન્ય હતું. લોકો અહીંતહીં આવન-જાવન કરી રહ્યાં હતાં. ગામની બાજુમાં આવેલી સૂકી કેનાલની પાસે ઘણા માણસોનું ટોળું બેઠેલું હતું. પાકિસ્તાની લશ્કરના અહીં તો કશા આચાર નહોતા. પણ મેજર શર્માને ક્યાં ખ્યાલ હતો, કે કેનાલને કાંઠે બેઠેલા જે લોકોને તેઓ ગામવાસીઓ ધારી બેઠા છે તે ખરેખર તો પાકિસ્તાન તરફથી મોકલાયેલા ભાડૂતી કબાલીઓ હતા! જેમણે સાદો વેશ ભલે જ પરિધાન કર્યો હતો પણ અંદર તો મશીનગનો, કારતૂસો ને બારુદ જ દબાવીને બેઠા હતા!

૩ નવેમ્બર, ૧૯૪૭ની સવાર પડી. બીજી કંપનીઓને કોઈ હલચલ ન જણાતા શ્રીનગર પાછી રવાના કરવામાં આવી. હવે મેજર સોમનાથ શર્માની ૪થી કુમાઉં બટાલિયનની ડેલ્ટા કંપનીના ૯૦ જવાનો માત્ર બડગામના પાદરમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. સંખ્યાબળ ઘટ્યું એટલે કેનાલને કાંઠે તાગ જોવા ડોળાં તાણીને બેઠેલા ભાડૂતી પાકિસ્તાનીઓ સક્રિય બન્યા. છૂપાયેલા હથિયારો દ્રશ્યમાન બન્યા અને ધડાકાઓ સાથે ફાયરિંગ શરૂ થયું.

સોમનાથ શર્માના સૈનિકોએ પણ તરત મોરચો સંભાળ્યો. તેમને પોતાની ભૂલ સમજાઈ, પણ હવે શું થાય? બંને તરફથી ધાણીફૂટ ગોળીબારી થવા માંડી. મોર્ટારો અગનગોળાઓ વરસાવવા માંડી, મશીનગનોની ધણેણાટી બોલવા માંડી અને હાથગોળાના કાન ફાડી નાખતા અવાજોએ હમણા સુધી શાંત બડગામના મનોરમ્ય વાતાવરણને ઘડીના છઠ્ઠા ભાગમાં લોહી નીતરતું બનાવી દીધું. મેજર શર્માની ટુકડી પૂરા સો જણની પણ નહોતી અને સામે તો ટોળું વધતું જ જતું હતું. ભાડૂતીઓ આવવામાં જ હતા. આ ભાડૂતીઓ પાસે ખાવા ભલે ફૂટી કોડી ન હોય પણ હથિયારો પૂરેપૂરાં હતાં!

મેજર સોમનાથ શર્માનું હીર આ ખરાખરીના વખતે બરોબર ઝળક્યું. પોતાના જવાનોને તેઓ સતત પ્રોત્સાહિત કરી રહ્યા. એમિનેશન્સનો પૂરવઠો જેને જોઈએ તેને મોતના જોખમે પણ પહોંચાડતા રહ્યા અને સતત ફાયરિંગ શરૂ રખાવ્યું. મેજર શર્માની આગેવાનીનાં ભારતીય જવાનોએ અદ્ભુત ટક્કર ઝીલી. સામે લાશોના ઢેર દેખાવા માંડ્યા. પણ ભાડૂતી લશ્કર તો આવવામાં જ હતું.

છ કલાક સુધી સતત ફાયરિંગ ચાલ્યું. મેજર સોમનાથ શર્માના રણબંકાઓએ પાકિસ્તાની સૈન્યના ત્રણસોથી વધારે સૈનિકો-ભાડૂતોની લાશો ઢાળી દીધી. આ બેજોડ પરાક્રમ હતું. સામે દુશ્મનનો દરિયો હોય અને પોતાના પક્ષે માત્ર આંગળીના વેઢે ગણાય તેટલી ફોજ હોય ત્યારે જેવાતેવા લોકો જોઈને જ હાર્ટ-એટેકના શિકાર થઈ જાય! આ પરિસ્થિતીમાં અતૂટ મનોબળ જોઈએ. સોમનાથ શર્મામાં તે હતું અને પરિણામે તેમના જવાનોમાં પણ આવ્યું. ‘કામ કરતો જા, ફળની આશા રાખ મા….!’ આ પ્રસંગે જાણે ભગવાન વાસુદેવનો સંદેશો જ સોમનાથ શર્માને સંભળાતો હતો.

પણ આખરે કારતૂસોનો પૂરવઠો પણ ખતમ થવા આવ્યો હતો. મેજર સોમનાથ શર્માએ શ્રીનગર ખાતે રહેલા બ્રિગેડિયરનો રેડિયો સંપર્ક સાધ્યો અને પોતાની સ્થિતી વિશે માહિતી આપી. બ્રિગેડિયરે જણાવ્યું, કે તમે ધીરેધીરે પાછા હઠવા માંડો. થોડીવારમાં મદદ મોકલું છું.

ભાગુ તો મારી ભોમકા લાજે! —
એ વખતે મેજર સોમનાથ શર્માએ જે જવાબ આપ્યો તે આજે પણ ભારતની લશ્કરી તવારીખમાં સુવર્ણાક્ષરે લખાયેલો છે અને ગમેતેવા સંજોગોમાં ભારતીય જવાનો માટે પ્રેરણાનો ધોધ બનીને વહ્યો છે :

“મારા દેહમાં જ્યાં સુધી પ્રાણ છે ત્યાં સુધી એક ઇંચ પણ પીછેહઠ નહી કરું! બંદૂકની છેલ્લી ગોળી સુધી અને લશ્કરના છેલ્લા જવાન સુધી શત્રુઓને જોરદાર લડત આપવામાં આવશે…!”

આ અમર વાક્ય છે. વધુમાં, ભારત માતાના ઝૂઝારું રણબંકાના જીવનના પણ એ છેલ્લા શબ્દો છે. સોમનાથ શર્માએ વાયરલેસ ફોન પર આ વાક્ય કહ્યું એ સાથે જ કોઈ ગોઝારી પળે દુશ્મનોએ ફેંકેલો ગોળો ભારતીય સેનાના દારૂગોળાના પૂરવઠા પર પડ્યો અને ગંજાવર ધડાકો થયો. સોમનાથ શર્માનો દેહ પણ એ ખતરનાક વિસ્ફોટમાં પડ્યો. એ માણસના અંતિમ શબ્દોમાં પણ અણનમ રહેવાની વૃત્તિ હતી, દેશનું મસ્તક ઊંચું રાખવાની ભાવના હતી.

દુશ્મનોને સતત આપેલી આ લડતને પરિણામે શ્રીનગર બચી ગયું. શત્રુઓ આગળ ના વધી શક્યા. એ પછી તો ભારતની અનેક ટૂકડીઓ કાશ્મીરમાં ઉતરી. ધીરેધીરે બધેથી દુશ્મનોને ખદેડી મૂકવામાં આવ્યા ( કેટલાંક વિસ્તારને છોડીને). પરિણામે બદદાનતી ઝીણા અને પાકિસ્તાનનો ઇરાદો બર ના આવ્યો. ભારતે ૧૯૪૭ના આ યુધ્ધમાં વિજય હાંસલ કર્યો. આ વિજયના પાયામાં સોમનાથ શર્મા જેવા વીરનું ભવ્ય બલિદાન હતું એ કહેવાની જરૂર ખરી?

૧૯૫૦માં ભારતે પોતાનો પ્રથમ પરમવીર ચક્ર જાહેર કર્યો, જે સોમનાથ શર્માના નામનો હતો. ભારતે પોતાના આ વીરની યાદગીરી રૂપે એક પેટ્રોલિયમ માલવાહક જહાજને પણ સોમનાથ શર્માનું નામ આપેલું. બધા જવાનો વિશે ખબર ના હોય તો કાંઈ નહી, પણ આ ૨૧ પરમવીર ચક્રધારીઓ વિશે તો જાણકારી હોવી જોઈએ ને! કેમ કે, આપણા માટે એ મારવેલના એવેન્જર્સથી ક્યાંય વધીને છે! વંદે માતરમ્ !

ગીતાની ટેકને ખાતર ન લાગી જાન પણ પ્યારી; ધન્ય એ વીર સોમૈયો, ધન્ય છે સરસ્વતી માઈ!

[નોંધ: અહીઁ આપેલ આર્ટીકલ માટે દુરદર્શન પર પ્રસારીત થયેલી ચેતન આનંદની ‘પરમવીર ચક્ર’ ટી.વી. સિરીઝ અને અમૂક પુસ્તક સહિત ઇન્ટરનેટ પરના વિવિધ લેખોનો ઉપયોગ કરેલો છે. પણ વાસ્તવિકતાને એકદમ સારી રીતે સમજી શકાઈ હોય તો એ હર્ષલ પુષ્કર્ણા સાહેબની બુક ‘પરમવીર ચક્ર’ના સંદર્ભથી જ.

જો આપને આ આર્ટીકલ ગમ્યો હોય અને વધારે જાણવાની ઇચ્છા હોય તો આપણી ગુજરાતી ભાષામાં જ એકાદ વર્ષ પહેલાં પ્રગટ થયેલું ‘પરમવીર ચક્ર’ પુસ્તક જરૂર વાંચજો. એમાં બધી જ માહિતી એકદમ રોચક, એટલી જ સરળ અને માહિતીપ્રદ શૈલીમાં આપવામાં આવી છે. ગુજરાતી ભાષામાં ભારતીય સેના ઉપર હજુ સુધી આનાથી સારું પુસ્તક કદાચ કોઈ લખાયું નથી! દરેક ઘરમાં વસાવવા જેવું પુસ્તક છે. આર્ટીકલ ગમ્યો હોય તો શેર પણ કરજો.]

જેના ધડ ધિંગાણે રહ્યાં ને માથા મસાણે પડ્યાં એવા ૨૧ ભારતીય ‘પરમવીર’ શૂરવીરોની ગુજ્જુરોક્સની વેબસાઇટ પર રજૂ થશે અદ્ભુત કથાઓ! હવે તમારી જવાબદારી – વાંચો અને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, બસ!