કૌશલ બારડ ખબર

નાઝિયા નસીમ : આ સિઝનની પ્રથમ કરોડપતિ મળી ગઈ છે!

સોની ટીવી પર આવતા અમિતાભ બચ્ચનના ‘કૌન બનેગા કરોડપતિ’ની હાલ ૧૨મી સિઝન ચાલી રહી છે. જો કે, આ વખતે આ શો ઘણો વિવાદમાં પણ રહ્યો છે. છતાં તેની લોકપ્રિયતા હજુ અકબંધ હોય તેવું લાગી રહ્યું છે. અહીઁ મહત્ત્વના સમાચાર એ છે, કે કેબીસીને ૧૨મી સિઝનની પ્રથમ કરોડપતિ મળી ગઈ છે!

ઝારખંડની નાઝિયા નસીમ બની કરોડપતિ:
મૂળે ઝારખંડના રાંચીની વતની અને હાલ દિલ્હીમાં રોયલ ઇનફિલ્ડ બુલેટબાઇકની કંપનીમાં મેનેજરનું કામ કરી રહેલ નાઝિયા નસીમે કેબીસીની ૧૨મી સિઝનમાં ૧ કરોડ રૂપિયા મેળવી લીધા છે. ૧૪ પ્રશ્નનો સાચો જવાબ આપીને તે આ સિઝનની પ્રથમ કરોડપતિ બની ગઈ છે.

Image Source

સાત કરોડનો પ્રશ્ન પણ રમી રહી છે!:
ઉલ્લેખનીય છે, કે હજુ નાઝિયા નસીમનો એ એપિસોડ, કે જેમાં તે કરોડપતિ બને છે, તે પ્રસારિત થવાનો બાકી છે. ૧૧ નવેમ્બરના રોજ તે પ્રસારિત થશે. પણ ટીવી પર એપિસોડના પ્રિવ્યૂથી એ વાત તો સ્પષ્ટ થઈ ગઈ છે, નાઝિયાએ ૧ કરોડ તો મેળવી લીધા છે. પ્રિવ્યૂમાં તો નાઝિયાને ૧૬મો પ્રશ્ન, જે સાત કરોડ માટે છે તે પણ રમતી દેખાડવામાં આવી છે. નાઝિયા સાત કરોડ મેળવી શકશે કે કેમ એ તો અઠવાડિયામાં ખબર પડી જશે!

૨૦ વર્ષે તીર નિશાન પર વાગ્યું!:
નાઝિયા નસીમની માતાનાં કહેવા પ્રમાણે, તેનું વાંચન જ એ પ્રકારનું હતું કે જેનાથી એક દિવસ તે કેબીસી જેવા શોમાં આવવાની જ હતી! જો કે, નાઝિયાએ પ્રથમ પ્રયત્ને હોટસીટ મેળવી લીધી છે એવું નથી. છેક ૨૦૦૦ની સાલથી તે કોશિશ કરી રહી હતી. ત્યારે છેક ૨૦ વર્ષે પણ તીર નિશાન પર લાગ્યું ખરું!

Image Source

શું ભણી છે નાઝિયા?:
નાઝિયાનું શરૂઆતી શિક્ષણ તો રાંચીમાં જ થયું. તેમના પિતા હાલ રિટાયર્ડ ઓફિસર છે. નાઝિયાએ ગ્રેજ્યુએશન સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી કર્યું છે. બાદમાં, દિલ્હીની આઇઆઇએમસીમાંથી પબ્લિક રિલેશન્સ અને એટવર્ટાઇઝિંગનો અભ્યાસ કર્યો. તેમના પતિ પણ હાલ એટવર્ટાઇઝિંગનો જ ધંધો કરે છે. એરટેલ અને બેન્ક ઓફ અમેરિકામાં નોકરી કર્યા બાદ નાઝિયાએ રોયલ ઇનફિલ્ડમાં નોકરી લીધી, જેમાં તે કંપનીનું ઇન્ટરનલ કોમ્યુનિકેશન સંભાળે છે.