Firing On Two Sisters in USA : વિદેશોમાં ભારતીયો પર હુમલો થવાની ઘટનાઓ અવાર નવાર સામે આવતી રહે છે, જેમાં ઘણીવાર લૂંટના ઇરાદે કે કોઈ અન્ય મામલાને લઈને હુમલો કરવામાં આવતો હોય છે અને આવી ઘટનાઓમાં ઘણા ભારતીયોના મોત પણ તથા હોય છે, ત્યારે હાલ એવી જ એક ઘટના અમેરિકામાંથી સામે આવી છે, જ્યાં પંજાબની બે બહેનો પર ગોળીબાર કરવામાં આવ્યો, જેમાંથી એક બહેનનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું, જયારે અન્ય બહેનની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે.
આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર અમેરિકાના ન્યુ જર્સીમાં પંજાબના જલંધર જિલ્લાની બે પિતરાઈ બહેનો પર ગોળીબારના સમાચાર આવ્યા છે. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું જ્યારે અન્યની હાલત ગંભીર છે. મૃતકની ઓળખ નૂરમહલની રહેવાસી 29 વર્ષીય જસવીર કૌર તરીકે થઈ છે. પોલીસે આ કેસમાં મુખ્ય આરોપીની ધરપકડ કરી છે, જેની ઓળખ જલંધરના નાકોદરના હુસૈનપુર ગામના રહેવાસી ગૌરવ ગિલ તરીકે થઈ છે.
મળતી માહિતી મુજબ, આરોપી ગૌરવ થોડા વર્ષો પહેલા જલંધરથી IELTS કર્યા બાદ સ્ટડી વિઝા પર અમેરિકા ગયો હતો. હાલમાં જ કોઈ વિવાદને લઈને ગૌરવે જસવીર કૌર અને તેની પિતરાઈ બહેન પર ગોળીબાર કર્યો હતો. જેના કારણે જસવીર કૌરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે તેની પિતરાઈ બહેન ગંભીર રીતે ઘાયલ છે અને તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. મૃતક જસવીર કૌર પરિણીત છે, જ્યારે ગોળીબાર થયો ત્યારે તેનો પતિ શહેરની બહાર ટ્રક લઈને જઈ રહ્યો હતો.
જણાવવામાં આવી રહ્યું છે કે ઘાયલ યુવતી અને ગૌરવ જાલંધરમાં સાથે IELTS કરતા હતા. તેઓ પહેલેથી જ એકબીજાને ઓળખતા હતા, શૂટિંગનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. પોલીસે આરોપીને પ્રથમ વખત મિડલસેક્સ કાઉન્ટી કોર્ટમાં જજ સમક્ષ રજૂ કર્યો હતો. બંને યુવતીઓ ઘટના સ્થળેથી થોડે દૂર રહે છે. સ્થાનિક પોલીસે આરોપી સામે હત્યા, હત્યાનો પ્રયાસ અને ગેરકાયદેસર હથિયાર રાખવાનો કેસ નોંધ્યો છે. આરોપી ગૌરવની ધરપકડના સી.સી.ટી.વી. ફૂટેજ સામે આવ્યા છે, જે દર્શાવે છે કે આરોપી એક ઘરમાં છુપાયેલો છે.