ખબર

આ દિવાળી ઉપર થોડા સાવચેત રહેજો, ફટાકડા ફોડવાને લઈને ધરપકડ પણ થઇ શકે છે, જોઈ લો ગુજરાત સરકારનું જાહેરનામું

દિવાળીના તહેવારને હવે ગણતરીના જ દિવસો બાકી છે. દર વર્ષની જેમ આ વર્ષે દિવાળીની એટલી રોનક નહીં જોવા મળે, કારણ કે કોરોનાનો કહેર હજુ દુનિયાભરમાં યથાવત છે, ત્યારે ઘણા બધા રાજ્યોમાં દિવાળી નિમિત્તે ફટાકડા ના ફોડવાનો પણ આદેશ આપી દેવામાં આવ્યો છે, ત્યારે ગુજરાતમાં પણ દિવાળીના ફટાકડાને લઈને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

Image Source

અમદાવાદ પોલીસ કમિશ્નરે બહાર પાડેલા જાહેરનામા અંતર્ગત અમદાવાદીઓ રાત્રે 8થી 10 વાગ્યા દરમિયાન જ ફટાકડા ફોડી શકશે, તેમજ મોટા અવાજ કરતા ફટાકડાઓ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

Image Source

આ ઉપરાંત ઓનલાઇન ફટાકડાના વેચાણ ઉપર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેમજ હોસ્પિટલ, નર્સીંગ હોમ, આરોગ્ય કેન્દ્રો, શૈક્ષણિક સંસ્થાઓ,ન્યાયાલયો અને ધાર્મિક સ્થળોના 100 મીટર ત્રિજ્યાના વિસ્તારને સાઇલેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે. ત્યાં પણ કોઈપણ પ્રકારના ફટાકડા ફોડી શકાશે નહીં.

Image Source

અમદાવાદમાં કલમ 144નો અમલ ચાલુ હોવાના કારણે 4 કરતાં વધારે માણસ ભેગાં થઇને ફટાકડા ફોડી શકશે નહીં. વધુ અવાજ કે કચરો કરતા ફટાકડા તેમજ લૂમ ફોડી શકાશે નહીં.

ફટાકડાના વેચાણ માટે પણ લાયસન્સની જરૂર પડશે, લાયસન્સ વગરના દુકાનદાર ફટાકડા વેચી શકશે નહીં, જો આમ કરતા માલુમ પડશે તો તેમની ધરપકડ કરવામાં આવશે.

અમદાવાદમાં શહેરના બજારો, જાહેર રસ્તાઓ, ગલીઓ, એલપીજી ગેસ પ્લાન્ટ કે પેટ્રોલપંપ આસપાસ પણ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જાહેરનામાનો ભંગ કરનાર સામે ગુનો નોંધવામાં આવશે. વિદેશી આયાત કરેલા ફટાકડા ઉપર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.