ખબર

કોરોનાની વેક્સીન બનાવી રહેલી સીરમ ઇન્સ્ટિટ્યૂટના પ્લાંટમાં લાગી ભીષણ આગ, કોવીશીલ્ડ વેક્સીન આજ પ્લાન્ટમાં બની છે

પુણેની અંદર આવેલી સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના ટર્મિનલ-1ના ગેટ ઉપર ભીષણ આગ લાગી છે. આ આગમાં કેટલું નુકશાન થયું તેની જાણકારી હજુ સુધી નથી મળી રહી. આ આગમાંથી ત્રણ લોકોને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા છે. 300 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા આ પ્લાન્ટમાં કોરોના વેક્સીન કોવીશીલ્ડનું મોટા પ્રમાણમાં પ્રોડક્શન કરવાની યોજના હતી. ગયા વર્ષે જ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને આ પ્લાન્ટનું ઉદ્દઘાટન કર્યું હતું. પરંતુ હજુ સુધી આ પ્લાન્ટની અંદર વેક્સિનનું ઉત્પાદન શરૂ નથી થઇ શક્યું.

આ આગ કેવી રીતે લાગી તેનું પણ હજુ સુધી કોઈ કારણ સામે નથી આવ્યું. ઘટના સ્થળ ઉપર ફાયર બ્રિગેડની 10 જેટલી ગાડીઓ પહોંચી ગઈ છે અને તે આગ બુઝાવવાનો પ્રયત્ન કરી રહી છે. હજુ પણ સંપૂર્ણ રીતે આગ ઉપર કાબુ નથી મેળવી શકાયો.

આ આગ લાગવાના કારણ સાથે ટર્મિનલની અંદર કેટલા લોકો ફસાયેલા છે તેની પણ કોઈ જાણકારી સામે નથી આવી. દૂરથી જ પ્લાન્ટ ઉપરથી કાળા ધુમાડા ઉડતા દેખાઈ રહ્યા છે. પાંચ માળના પ્લાન્ટની અંદર કોવીશીલ્ડનું પ્રોડક્શન થોડા જ દિવસમાં શરૂ થવાનું હતું.