ખબર

ભરૂચની કોવિડ હોસ્પિટલમાં અડધી રાત્રે ભભૂકી ઉઠી આગ, હોસ્પિટલના સ્ટાફ સહીત આટલા દર્દીઓ ભૂંજાયા આગમાં, જુઓ દર્દનાક વીડિયો

કોરોનાના વધતા કહેરના કારણે હોસ્પિટલો છલકાઈ રહી છે, ત્યારે આ દરમિયાન ઘણી હોસ્પિટલોમાં આગ લાગવાની ઘટનાઓ પણ સામે આવે છે. ગઈકાલે ભરૂચના બાયપાસ રોડ પર આવેલ પટેલ વેલ્ફેર હોસ્પિટલના કોવિડ વોર્ડમાં મોડી રાત્રે ભયંકર આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી.

ICU સહિત હોસ્પિટલના અનેક ભાગમાં આગ પ્રસરતા અફરાતફરીની માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં 12 દર્દી અને 2 સ્ટાફ કર્મી સહિત 16 લોકોના મૃત્યુ થયા હોવાના એહવાલ સાંપડ્યા છે. રેસ્ક્યુ ઓપરેશન પુર જોશમાં હાથ ધરવામાં આવ્યું છે ત્યારે મૃત્યુઆંક વધવાની પુરી સંભાવના વર્તાઈ રહી છે.

પ્રાપ્ત માહીતી અનુસાર ભરૂચ જંબુસર બાયપાસ રોડ પર આવેલી વેલ્ફેર હોસ્પિટલને ડેઝિગનેટેડ કોવિડ હોસ્પિટલમાં જાહેર કરવામાં આવી હતી. જેથી ભરૂચના અનેક કોરોના પોઝિટીવ દર્દીઓને આ હોસ્પિટલમાં છેલ્લા એક વર્ષથી નિઃશુલ્ક સારવાર આપવામાં આવી રહી હતી

હોસ્પિટલમાં આગ લાગવાના કારણે 2 સ્ટાફ કર્મીઓ સાથે 14 દર્દીઓ મળીને કુલ 16 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. હોસ્પિટલમાં દાખલ અન્ય દર્દીઓને રેસ્ક્યૂ કરી અન્ય હોસ્પિટલમાં શીફ્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું સામે આવી રહ્યું છે.

હોસ્પિટલમાં આગ લાગી હોવાની વાત વાયુ વેગની જેમ ફેલાતા ભરૂચના પશ્ચિમ વિસ્તારના 5થી 6 હજાર લોકો હોસ્પિટલ બહાર દોડી આવ્યાં હતા. બીજી તરફ હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સ્વજનો તેમને બચાવવા માટે ધમપછાડા કરી રહ્યાં હતા.

હોસ્પિટલમાં આગ લાગી ત્યારે ICU વોર્ડમાં 27 દર્દીઓ સારવાર લઇ રહ્યા હતા. જેમાંથી અનેક દર્દીઓ બેડ પર જ જીવતા ભડતું થઈ ગયા હોવાના એહવાલ સાંપડ્યા છે. બનાવ એટલો બધો ગંભીર અને દર્દનાક હતો કે મદદ માટે લોકોએ રડતા અવાજમાં સોશિયલ મીડિયામાં ઓડિયો મેસેજ વહેતા કર્યા હતા તો બીજી તરફ આગના પગલે વીજપુરવઠો ખોરવાતા બચાવ કમગીરીમાં ભારે મુશ્કેલી પડી હતી.

તો આ ઘટના બાબતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આગની આ દુઃખદ ઘટનામાં મૃતકો પ્રત્યે સંવેદના પ્રગટ કરીને તેમના પરિવારજનોને સંત્વના પાઠવી છે અને મૃતકોના પરિવારજનોને 4-4 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટ કરીને ઘટના અંગે  દુઃખ વ્યક્ત કર્યું છે.