પોલીસે કબૂતર વિરુદ્ધ દાખલ કરી FIR, જાણો એવો તો શું ગુન્હો કર્યો હતો કબૂતરે ?

માણસ કોઈ ઝગડા કે કોઈ એવા કામ કરે ત્યારે તેના વિરુદ્ધ પોલીસ કેસ કરવામાં આવે છે, પરંતુ શું તમે સાંભળ્યું છે કે ક્યારેય કોઈ પ્રાણી કે પક્ષી વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી હોય ? પરંતુ આવું બન્યું છે. પંજાબ પોલિસ દ્વારા એક કબૂતર વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.

પંજાબ પોલીસ દ્વારા એક સંદિગ્ધ કબૂતર પકડી લેવામાં આવ્યું છે અને તેના વિરુદ્ધ પોલીસે એફઆઈઆર પણ દાખલ કરી લીધી છે. પંજાબની અંદર ઇન્ટરનેશનલ બોર્ડરની પાસે એ સમયે કબૂતર પકડાઈ ગયું જયારે તે ઉડતું ઉડતું બીઓપી રોરનવાલા પાસે ફરજ બજાવી રહેલા એક કોન્સ્ટેબલ પાસે આવ્યું. કબુતરના પગની અંદર એક કાગળનો ટુકડો બાંધવામાં આવ્યો હતો.

(પ્રતીકાત્મક તસ્વીર)

ઇન્ડિયા ટુડેના રિપોર્ટ પ્રમાણે કાળા અને સફેદ રંગના આ કબૂતરને 17 એપ્રિલની સાંજે પકડવામાં આવ્યું હતું.  જયારે તે ઉડતું ઉડતું આવ્યું અને ચોકી ઉપર કેમ્પ ગાર્ડની ડ્યુટી ઉપર ફરજ બજાવી રહેલા કોન્સ્ટેબલ નીરજ કુમારના ખભા ઉપર બેસી ગયું.તમને જણાવી દઈએ કે આ ચોકી પાકિસ્તાન બોર્ડરથી 500 મીટર દૂર આવેલી છે.

(પ્રતીકાત્મક તસ્વીર)

એફઆઈઆરની કોપી પ્રમાણે, કોન્સ્ટેબલે તરત જ કબૂતરને પકડી લીધું અને પોસ્ટ કમાન્ડર ઓમપાલ સિંહને તેની સૂચના આપી દીધી ત્યારબાદ આ કબુતરની તપાસ કરવામાં આવી. કબુતરના પગ ઉપર ટેપના સહારે એક સંદિગ્ધ કાગળ ચોંટાડેલો હતો. જેના ઉપર એક નંબર લખવામાં આવ્યો હતો. જોકે એ નંબર શું હતો તેની જાણકારી નથી આપવામાં આવી. કબૂતર વિરુદ્ધ અમૃતસરના કહાગઢ પોલીસ સ્ટેશનમાં પ્રાથમિકી દાખલ કરવામાં આવી છે.

(પ્રતીકાત્મક તસ્વીર)

પ્રાથમિકીમાં કબુતરની ઓળખ એ રીતે કરવામાં આવી છે કે તેનું માથું કાળું છે અને આખું શરીર સફેદ છે. તેની પાસેથી મળી આવેલી વસ્તુઓમાં કાગળનો ટુકડો જણાવવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે આવો જ એક મામલો 2020માં જમ્મુ કાશ્મીરના કઠુઆમાંથી સામે આવ્યો હતો. જ્યાં પાકિસ્તાનની જાસૂસી કરવાના આરોપમાં એક સંદિગ્ધ કબૂતરને ઇન્ટરનેશનલ બોર્ડર ઉપરથી પકડી લેવામાં આવ્યું હતું.

Niraj Patel