રાજકોટમાં યુવકે ટ્રાફિક જવાનને લાકડીથી ફટકાર્યો તો પોલીસકર્મી મોટો પથ્થર લઈને પાછળ દોડ્યો, જુઓ વીડિયો

Traffic Police And Youth Fight In Rajkot : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી મારામારીની ઘણી બધી ઘટનાઓ સામે આવી રહી છે. ઘણા લોકો તો એવા બેફામ રીતે ઝઘડતા હોય છે કે જાહેરમાં જ મારામારી કરવા પણ લાગી જાય છે અને રસ્તે જતા લોકો પણ તેમના વીડિયો બનાવવા લાગે છે અને પછી સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા તે વાયરલ પણ થઇ જાય છે. હાલ એવી જ એક ઘટના રાજકોટમાંથી સામે આવી છે. જ્યાં એક યુવક અને ટ્રાફિક જવાન મારામારી કરતા જોવા મળે છે.

ટ્રાફિક પોલીસ અને યુવકની છુટ્ટાહાથે મારામારી:

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટમાં ગોંડલ રોડ પર આવેલા રાજકમલ ફાટક નજીક ટ્રાફિક શાખાના હેડ કોન્સ્ટેબલ લખન ભરવાડ નામના જવાનને એક યુવક સામે કોઈ વાતને લઈને માથાકૂટ થઇ ગઈ હતી. આ માથાકૂટ એટલી બધી વણસી ગઈ કે બંને જણા જોતજોતામાં જ છુટ્ટાહાથે મારામારી પણ કરવા લાગી ગયા. આ ઘટના કોઈએ મોબાઈલ કેમેરામાં કેદ કરી અને હાલ તેનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

યુવકે લાકડી લીધી તો જવાન પથ્થર લઈને દોડ્યો:

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે યુવક ટ્રાફિક કોન્સ્ટેબલ સાથે કોઈ વાતે માથાકૂટ કરે છે અને પછી ગાળો બોલવા લાગે છે. જેના બાદ બંને મારામારી કરવા લાગે છે અને યુવક લાકડીથી જવાનને મારતો જોવા મળે છે. એક અન્ય વીડિયોમાં ટ્રાફિક પોલીસકર્મી પણ ગુસ્સે ભરાય છે અને યુવક પાછળ મોટો પથ્થર લઈને દોડતો જોવા મળી રહ્યો છે. આ બંને વચ્ચે ઘણા લાંબા સમય સુધી મારામારી ચાલતી હોવાના દૃશ્યો પણ સર્જાય છે.

બંને યુવકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ:

આ મામલે પોલીસે બંને યુવકો વિરુદ્ધ બીજા દિવસે ફરિયાદ પણ નોંધી હતી. યુવકે ટ્રાફિક જવાન પર પૈસાની માંગણી કરવાનો અને રૂપિયા ના આપતા ઉશ્કેરાઈ જઈને ગાળો બોલી બેફામ માર મારવાનો આરોપ લગાવ્યો છે. ત્યારે આ મામલે હવે રાજકોટ શહેર ટ્રાફિક એસપી ગઢવી દ્વારા વાયરલ વીડિયો અંગે તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે.

જવાનનો યુવક પર સિગ્નલ તોડવાનો આરોપ:

આ ઘટનાને લઈને હેડ કોન્સ્ટેબલ લખન ભરવાડે જણાવ્યું હતું કે હું ફરજ પર હતો તે દરમિયાન યુવક ડબલ સવારી બાઈક લઈને નીકળ્યા અને સિગ્નલ બંધ હોવા છતાં સિગ્નલ તોડીને આગળ જતા રહ્યા હતા. જેના કારણે તેમની અટકાવીને તેમની પાસે જરૂરી ડોક્યુમેન્ટની માંગણી કરી હતી. યુવાન પાસે લાયસન્સ ના હોવાના કારણે મેં દંડ ભરવા ગયું અને તે ઉશ્કેરાઈ જતા મને ગાળો આપી અને નજીકમાં પડેલા લાકડાના ધોકા વળે મને માર્યો તેમજ ફોન પણ ઝુંટવીને ફેંકી દીધો.

Niraj Patel