બેંકકોથી ભારત આવી રહેલી ફ્લાઇટમાં યાત્રિઓ વચ્ચે થઇ લોકલ બસ જેવી મારપીટ, વીડિયો થયો વાયરલ

ચાલુ ફ્લાઈટમાં આ મામલે થઇ માથાકૂટ, પેસેન્જર્સ એકબીજાને થપ્પડો પર થપ્પડો મારી, એર હોસ્ટેસે ઘણી કોશિશ કરી પણ…જુઓ વીડિયો

તમે બસ અને ટ્રેનમાં ઘણીવાર સીટને લઇને યાત્રિઓને ઝઘડતા જોયા હશે, પણ શું તમે ક્યારેય એવું જોયુ અથવા સાંભળ્યુ છે કે હજારો મીટરની ઉંચાઇ એટલે કે ફ્લાઇટમાં આવું થયુ હોય. જી હાં, આવી જ એક ઘટના હાલ સામે આવી છે. જેમાં બેંગકોકથી આવતી ફ્લાઈટમાં ભારતીય પેસેન્જરોએ માત્ર ઉગ્ર બોલાચાલી જ નહિ પરંતુ મારામારી પણ કરી હતી. ત્યાં પ્લેનનો ક્રૂ સ્ટાફ સતત તેમને શાંત કરવાનો પ્રયાસ કરતો રહ્યો. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં બે માણસો એકબીજા સાથે દલીલ કરતા જોઈ શકાય છે જ્યારે પ્લેનના ક્રૂ મેમ્બર્સ પરિસ્થિતિને થાળે પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.

થોડીક જ સેકન્ડોમાં આ ઝઘડો મારામારીમાં ફેરવાઈ જાય છે.થાઈ સ્માઈલ એરવેઝની ફ્લાઈટમાં મુસાફરો વચ્ચે ઝપાઝપીની આ ઘટના 26-27 ડિસેમ્બર 2022ની હોવાનું કહેવામાં આવી રહ્યુ છે. આ સમગ્ર ઘટના કોઇ મુસાફરે પોતાના ફોનમાં શૂટ કરી લીધી હતી અને તે બાદ તેને સોશિયલ મીડિયા પર શેર કરી. જે હાલ વાયરલ થઇ રહી છે. 51 સેકન્ડની આ ક્લિપમાં બે લોકો એકબીજા સાથે દલીલ કરતા જોઈ શકાય છે. આ દરમિયાન એક ફ્લાઇટ એટેન્ડન્ટ પરિસ્થિતિને થાળે પાડવાનો પ્રયાસ કરે છે. જો કે, પ્રથમ વ્યક્તિ તેના ચશ્મા ઉતારે છે અને બીજી વ્યક્તિને થપ્પડ મારવાનું શરૂ કરે છે.

ટૂંક સમયમાં તેના મિત્રો પણ વિવાદમાં ફસાઈ જાય છે. આ દરમિયાન બીજી વ્યક્તિ બચવાનો પ્રયત્ન કરે છે. આ પછી વ્યક્તિની આસપાસ 4-5 લોકો ભેગા થાય છે. તેમાંથી એક વ્યક્તિ તેના વાળ પકડીને થપ્પડ મારે છે. ફ્લાઇટ એટેન્ડન્ટ બંનેને અલગ કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ નિષ્ફળ જાય છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયો પર અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું- માર મારનારા લોકો પોલીસની કસ્ટડીમાં હશે, કારણ કે એરપોર્ટ પર સુરક્ષા ખૂબ જ કડક છે. અન્ય યુઝરે કહ્યું- તેઓ ફ્લાઈટમાં લડી રહ્યા છે, કદાચ સીટની વાત છે.

અન્ય એક યુઝરે કહ્યું કે આવા લોકો ભારતની ઈમેજ ખરાબ કરે છે. હાલ તો થાઈ સ્માઈલ એરવેઝે આ અંગે કોઈ ટિપ્પણી કરી નથી. આવી જ એક ઘટના અગાઉ પણ બની હતી. થોડા દિવસો પહેલા ઈન્ડિગોની ફ્લાઈટમાં એર હોસ્ટેસ અને પેસેન્જર વચ્ચે થયેલી દલીલનો વીડિયો સામે આવ્યો હતો. ક્લિપમાં એર હોસ્ટેસ અને પેસેન્જર બંને એકબીજા પર બૂમો પાડતા જોવા મળ્યા હતા. ફ્લાઈટમાં પીરસવામાં આવતા ફૂડને લઈને આ વિવાદ થયો હતો. જ્યારે પેસેન્જરે એર હોસ્ટેસને નોકર કહ્યા ત્યારે મામલો વધુ વણસી ગયો. તેના પર એર હોસ્ટેસે કહ્યું- હું એક કર્મચારી છું, તમારી નોકર નથી.

Shah Jina