ગુજરાતમાંથી ઘણીવાર હત્યા અને આત્મહત્યાની ઘટના સામે આવતી હોય છે, ત્યારે હાલમાં બોટાદના ઢાકણીયા રોડ પરથી એક ચકચારી કિસ્સો સામે આવ્યો. પાંચ દિવસ પહેલા પ્રેમ સંબંધમાં બે શખ્સોએ એક યુવાનને જાહેરમાં છરીના ઘા ઝીંકી તેની હત્યા કરી દીધી હતી. જો કે તે યુવકની પ્રેમિકાએ ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, બોટાદના ઢાકણીયા રોડ પર આવેલ તુલસી નગરમાં રહેતા બિજલ ઉર્ફે હિતેશ મહેરીયાને ઢાકણીયા રોડ પર રહેતી આરતી કાવેઠીયા સાથે પ્રેમ સંબંધ હતો, જો કે યુવતીનું વેવિશાળ મોટા ભડલા ગામના રોહિત ભોજૈયા સાથે સગપણ થયું હતું. રોહિતને મંગેતરના પ્રેમ સંબંધની જાણ થતા તેણે 22 નવેમ્બરે રોહિત અને શ્યામ ભોજૈયાએ બિજલ ઉર્ફે હિતેશ ઢાંકણીયા રોડ પર આવતા બંનેએ બિજલ ઉર્ફે હિતેશને ઉપરાઉપરી છરીના સાતેક ઘા ઝીંકી દીધા. જો કે તાત્કાલિક ગંભીર હાલતમાં તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પણ ટૂંકી સારવાર બાદ તેનું મોત નિપજ્યું.
બોટાદ પોલીસે અલગ અલગ ટીમો બનાવી અને ગણતરીના કલાકોમાં જ બંને આરોપીની ધરપકડ કરી હતી અને હત્યાનો ભેદ ઉકેલ્યો હતો. જો કે હિતેશ મહેરીયાની હત્યાના પાંચ દિવસ બાદ ઢાકણીયા રોડ પર રહેતી આરતી કાવેઠીયાએ ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. અપઘાત બાદ મૃતકના મૃતદેહને સોનાવાલા હોસ્પિટલમાં પીએમ માટે ખસેડાયો હતો અને તે બાદ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.