કેદી નંબર 2231ને કોની સાથે બેરેકમાં રખાશે? થયો ખુલાસો

આખું ગુજરાત જે ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસમાં ચુકાદાની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા તે ચકચારી ભરેલા કેસનો ચુકાદો આખરે ગઈકાલે આવી જ ગયો. માસુમ ગ્રીષ્માનું ગળું કાપીને હત્યા કરી દેનારા ફેનિલ ગોયાણીને કોર્ટે ફાંસીની સજા સંભળાવી. કોર્ટમાં પહોંચેલા ફેનિલના ચહેરા પર સહેજ પણ ડર દેખાયો ન હતો.

કોર્ટમાં બંને પક્ષના વકીલ સાથે ગ્રીષ્માના પરિવારજનો હાજર રહ્યા હતા. દરમિયાન કોર્ટે આ કેસને રેરેસ્ટ ઓફ રેર માન્યો હતો. મનુસ્મૃતિના શ્લોકથી ચુકાદાની શરૂઆત કરવામાં આવી હતી. જજે કહ્યું, દંડ દેવો સરળ નથી, પણ આ રેરેસ્ટ ઓફ રેર કેસ છે. ત્યાર બાદ હત્યારા ફેનિલ ગોયાણીને ફાંસીની સજા ફટકારવામાં આવી છે.

ફાંસીની સજા બાદ હત્યારા ફેનિલ ગોયાણીને કેદી નંબર 2231 મળ્યો છે. હાલ ફેનિલ ગોયાણી તબીબી નિરીક્ષણ હેઠળ છે અને આજે તેની પાકા કામના કેદી તરીકેની પ્રક્રિયા પૂર્ણ થશે. જેના બાદ હત્યારા ફેનિલ ગોયાણીને ફાંસીની સજાવાળા આરોપીઓના બેરેકમાં જ રાખવામાં આવશે.

ગ્રીષ્મા હત્યા કેસ સુરતની સેસન્સ જજ શ્રી વિમલ કે. વ્યાસ સાહેબની કોર્ટમાં ચાલતો હતો, ગ્રીષ્મા તરફથી તેને ઝડપી ન્યાય મળે તે માટે થઈને તેનો કેસ જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલા લડી રહ્યા હતા. જયારે બચાવ પક્ષમાં આરોપી ફેનિલ ગોયાણીનો કેસ વકીલ ઝમીર શેખ લડી રહ્યા હતા.

હત્યારા ફેનિલ ગોયાણીના વકીલ ઝમીર શેખ કોર્ટના આ ચુકાદાથી ખુશ જોવા મળ્યા નહોતા અને તેમને જણાવ્યું હતું કે તેમને કોર્ટનો આ ચુકાદો મંજુર નથી. હવે તેમની પાસે 30 દિવસનો સમય છે અને તે આ ચુકાદાને ઉપરની કોર્ટમાં પણ પડકારશે. તો બીજી તરફ કોર્ટના આ ચુકાદાને લઈને ગ્રીષ્માનો પરિવાર સંતુષ્ટ જોવા મળ્યો હતો.

Niraj Patel