BREAKING NEWS: સુરતમાં ભાજપના મહિલા નેતાનો આપઘાત, પરિવારે વ્યક્ત કરી હત્યાની આશંકા…

ગુજરાતમાંથી ઘણીવાર આપઘાતના સમાચાર સામે આવે છે, ત્યારે હાલમાં જ સુરતથી આપઘાતના એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અલથાણામાં વોર્ડ નંબર 30ના ભાજપ મહિલા મોરચાના પ્રમુખ 34 વર્ષીય દીપિકાબેન પટેલે પોતાના જ ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો પહોંચ્યો હતો અને મૃતદેહ પીએમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. જો કે મૃતકના પરિવારજનોએ હત્યાની આશંકા વ્યક્ત કરી છે, જેને લઇને ફોરેન્સિક પોસ્ટમોર્ટમની માગ કરવામાં આવી છે.

દીપિકાબહેનના આપઘાતનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. પોલીસે નોંધેલ નિવેદન અનુસાર, ભાજપના કોર્પોરેટર ચિરાગ સોલંકીએ જ રૂમનો દરવાજો ખોલી દીપિકાને નીચે ઉતારી અને ત્યારબાદ દુપટ્ટો કબાટમાં મૂકી દીધો. પરિવાર તટસ્થ તપાસની માગ કરી રહ્યો છે. આ સાથે જ દીપિકા આપઘાત કરી લે એટલી નબળી ન હોવાનું પણ જણાવી રહ્યા છે. પરિવારનું કહેવુ છે કે તેને કોઈ દ્વારા બ્લેકમેલિંગ કરવામાં આવી અથવા તો તેને મરવા મજબૂર કરવામાં આવી.

સુરતના ભીમરાળ ગામમાં આવેલ બ્રાહ્મણ ફળિયામાં 34 વર્ષીય દીપિકા નરેશભાઈ પટેલ પરિવાર સાથે રહેતી હતી. પરિવારમાં બે દીકરા અને દીકરી છે. દીપિકા ભાજપમાં સતત સક્રિય રહેતી હતી અને વોર્ડ નંબર 30ના મહિલા મોરચાના પ્રમુખ તરીકે હાલ ભાજપ સાથે જોડાયેલી હતી. આજ વોર્ડ નંબર 30ના કોર્પોરેટર ચિરાગ સોલંકી સાથે દીપિકાના પરિવારના પારિવારિક સંબંધો હતા તેવું દીપિકાના પતિ નરેશ પટેલનું કહેવુ છે. બે વર્ષથી ચિરાગ સોલંકી સંપર્કમાં આવ્યો હતો.

1 ડિસેમ્બર 2024ના રોજ બપોરે બે વાગ્યા આસપાસ દીપિકા અને બાળકો ઘરે હતા ત્યારે દીપિકાએ પોતાને તેની રૂમમાં બંધ કરી લીધી અને તે અંગે બાળકોને જાણ થતા ચિરાગ સોલંકીને જાણ કરવામાં આવી. આ ઉપરાંત પિતા નરેશ પટેલને પણ જાણ કરવામાં આવી. જો કે સૌથી પહેલા ચિરાગ દીપિકાના ઘરે પહોંચ્યો અને અંદરથી લોક રૂમનો દરવાજો તોડી અંદર ગયા પછી તેણે જોયુ તો દીપિકાએ દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઈ લીધો હતો. આ પછી ચિરાગે દીપિકાને નીચે ઉતારી અમે દુપટ્ટો કબાટમાં મૂકી દીધો. દીપિકાને સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવી હતી જોકે તેને મૃત જાહેર કરવામાં આવી હતી. એવું પણ સામે આવ્યુ છે કે દીપિકા ચિરાગને રાખડી બાંધતી હતી.

Shah Jina