કોરોનાનો ખતરો ભારતમાં ઓછો નથી થયો. જાણકારી અનુસાર, ભારતમાં 2021 ફેબ્રુઆરી સુધીમાં અડધી વસ્તી કોરોનાથી સંક્રમિત હોવાની આશંકા છે. જેનો મતલબ 65 કરોડ લોકો કોરોનાથી સંક્રમિત હશે. આ અનુમાન ભારત સરકાર દ્વારા બનાવવામાં આવેલી વિશેષજ્ઞ પેનલ દ્વારા લગાવવામાં આવ્યું છે.

ભારતમાં 75.5 લાખ કોરોના કેસની પુષ્ટિ થઈ છે. આ મામલામાં ભારત ફક્ત અમેરિકાથી પાછળ છે. જોકે સપ્ટેમ્બરના મધ્યમાં દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 1 મહિનાથી દરરોજ સરેરાશ, 61,390 કેસ નોંધાય છે.

સમિતિનો અંદાજ છે કે સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા સીરો સર્વેમાં ઇન્ફેક્શનનું જેટલું અનુમાન લગાવવામાં આવ્યું છે તેના કરતા ઘણું વધારે હોઈ શકે છે. સીરો સર્વે અનુસાર સપ્ટેમ્બર સુધીમાં ભારતની લગભગ 14 ટકા વસ્તી કોરોનાથી સંક્રમિત થઇ ચુકી છે. પરંતુ સમિતિના જણાવ્યા મુજબ આ આંકડો આશરે 30 ટકા જેટલો છે.