દિલધડક સ્ટોરી પ્રસિદ્ધ પ્રેરણાત્મક

પિતાવિહોણી 271 દીકરીઓને પાનેતર ઓઢાડીને આપી વિદાય, હજારો લોકો બન્યા ભવ્ય વિદાયના સાક્ષી

સુરતના પી.પી.સવાણી પરિવાર અને કિરણ જેમ્સના લખાણી પરિવાર દ્વારા આયોજિત પાનેતર નામના સમૂહ લગ્નોત્સવમાં પિતાવિહોણી 271 દીકરીઓના લગ્ન કરાવીને ભીની આંખે સાસરે વળાવવામાં આવી હતી. મંદીના માહોલ વચ્ચે પણ સતત નવમા વર્ષે પી.પી.સવાણી પરિવાર દ્વારા પિતા વિહોણી દીકરીઓનું કરિયાવર કરીને તેના લગ્ન કરાવીને આ દીકરીઓને સાસરે વળાવવાનો સિલસિલો ચાલુ રહ્યો હતો.
આ વર્ષે 21 અને 22 ડિસેમ્બરે આયોજિત આ લગ્નોત્સવમાં કુલ 271 લાડકી દીકરીઓના લગ્ન કરાવવામાં આવ્યા હતા, જેમાં 21 ડિસેમ્બરે 135 દીકરીઓના લગ્ન થયા હતા અને 22 ડિસેમ્બરે બીજી 136 દીકરીઓના લગ્ન પણ એટલી જ ભવ્યતાથી કરાવવામાં આવ્યા હતા. આ દીકરીઓમાં 5 મુસ્લિમ દીકરીઓના નિકાહ પણ કરાવવામાં આવ્યા હતા, સાથે જ મહારાષ્ટ્ર, ઓરિસ્સા, માધ્ય પ્રદેશ, કર્ણાટક, તેલંગાણા, રાજસ્થાન રાજ્યની દીકરીઓ લગ્નબંધનથી જોડાઈ હતી. પાનેતર લગ્નોત્સવ અબ્રામા પી.પી. સવાણી ચેતન્ય વિદ્યાસંકુલમાં યોજાયો હતો.
પિતાની છત્રછાયા ગુમાવી ચુકેલી આ દીકરીઓના લગ્ન બાદની જવાબદારી પણ પાલક પિતા તરીકે સવાણી પરિવાર બખૂબી નિભાવે છે. પી.પી.સવાણી ગ્રૂપના મહેશભાઇ સવાણીએ જણાવ્યું હતું કે લગ્નોત્સવ સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ છે. હું મારી મુસ્લિમ દીકરીઓને અસ્સલામ વાલેકુમ મેસેજ મોકલું છું. તો તેઓ મને જયરામદેવપીર મોકલે છે.મહેશભાઇ સવાણીએ વહુને દીકરી માનીને તેમની આરતી ઉતારવા બદલ બધા વેવાઇઓને અભિનંદન પાઠવતાં ખોટા રીતિ રીવાજોને તિલાંજલિ આપવાની હાકલ કરી હતી. તો સાથે જ દરેક સમાજ આજે ભભકાદાર લગ્ન છોડી સમૂહ લગ્નમાં જોડાયો છે, એ માટે તેમને સૌને અભિનંદન પાઠવ્યા હતા. સવાણી અને લખાણી પરિવારે દરેક વરરાજાને હેલ્મેટ આપીને ટ્રાફિક નિયમોનું પાલન કરી પોતાની અને પરિવારની સુરક્ષાની કાળજી રાખવાનો સંકલ્પ કરાવ્યો હતો. દરેક પરિવારને એક એક તુલસી આપીને એને ઉછેર કરીને પરિવારને પર્યાવરણ સુરક્ષા અંગે પણ જાગૃતિ રાખવાનો સંદેશ પણ આપ્યો હતો.
મહેશ સવાણીએ જણાવ્યું કે, મંદીના માહોલના કારણે અમે આ વર્ષે 100-125 લગ્ન કરવાનું આયોજન હતું. પરંતુ કિરણ જેમ્સનાં વલ્લભભાઈએ મને હિંમત આપીને જણાવ્યું કે, આર્થિક મદદ માટે હું ઊભો છું. લાખાણી પરિવારે આર્થિક સહયોગ કરતાં 271 લગ્નોનું આયોજન થઈ શક્યું છે.આ લગ્નોત્સવમાં રાજ્યના મંત્રીઓ ભૂંપેન્દ્રસિંહ ચુડાસમા, ગણપતસિંહ વસાવા, જીતુભાઇ વાઘાણી, ગોરધનભાઈ ઝડફિયા, ભરતસિંહ પરમાર, જિંદા શહીદ તરીકે ઓળખાતા એન્ટી ટેરીરિસ્ટ સ્ક્વોર્ડના અધ્યક્ષ મનિન્દરજીતસિંહ બિટ્ટા, સાંસદ દર્શનાબહેન જરદોશ, ધારાસભ્યો કાંતિભાઈ બલર, કિરણભાઈ ઘોઘારી, વિનુભાઈ મોરડીયા, પૂર્ણેશ મોદી, હર્ષ સંઘવી, ઝંખનાબેન પટેલ, મેયર ડૉ. જગદીશભાઈ પટેલ, સુરત કલેક્ટ ડૉ ધવલ પટેલ, વૃંદાવનથી દીદીમા ઋતુંભરા, બગદાણાના માનજીબાપા, પ્રયોશા પ્રતિષ્ઠાન, ડાંગના પીપી સ્વામી સહિતના અનેક આગેવાન ઉપસ્થિતિ રહ્યા હતા.આ મહાનુભાવોએ લગ્ન પ્રસંગે દીકરીઓને આશીર્વાદ આપીને સવાણી અને લાખાણી પરિવારને આ કાર્ય કરવા બદલ બિરદાવ્યો હતો. લગ્ન સમારોહમાં મહેશ સવાણીના નાના દીકરા મોહિતની સગાઇ પણ રાખવામાં પણ આવી હતી.રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, સામાજિક સમરસતા, એકતાનું આ ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. મહેશભાઈ લગ્ન કરાવીને તમામ દીકરીઓના આજીવન પાલક પિતા બની રહે છે, અને પિતાની હૂંફ પુરી પડે છે એ ધન્યવાદને પાત્ર છે. વૃંદાવનથી ખાસ પધારેલા દીદીમા ઋતુંભરાએ જણાવ્યું હતું કે, સેવા વગરનું જીવન મૃત્યુ સમાન છે. પરમાર્થ માટે જીવવું એ જ જીવન છે. માણસાઈનો ભાવ ઉત્તમ સદગુણ છે. પ્રકૃતિ સાથે સંબંધ એ જ ભારતની સંસ્કૃતિ છે. પાનેતરના પવિત્ર લગ્નોત્સવને એમણે આશીર્વચન આપ્યા હતા.
કિરણ જેમ્સના ચેરમેન વલ્લભભાઈ લખાણીએ પણ જણાવ્યું હતું કે, મહેશભાઈના આ સેવા કાર્યમાં જોડાઈને અમે પણ ધન્યતા અનુભવીએ છીએ. આ એક અનોખું સેવા કાર્ય છે જેના અમે વર્ષોથી સાક્ષી હતા આ વર્ષે એના સહભાગી બન્યાનો આનંદ અમને આખા પરિવારને છે.ત્યારે આવા સમાજને ઉપયોગી એવા ઉમદા કાર્ય કરીને સવાણી પરિવાર અને આ વર્ષે તેમની સાથે જોડાયેલો લાખાણી પરિવાર એક અનોખું સમાજ કલ્યાણનું ઉદાહરણ પૂરું પડે છે.લગ્નના બે દિવસ પહેલા 275 દીકરીઓએ એક સાથે મહેંદી મૂકી હતી. સુરતના અબ્રામાની નજીક ‘રઘુવીર વાડી’માં મહેંદી રસમ યોજાઇ હતી. જેમાં દુલ્હનની સાથે એમની બહેન અને બીજા પરિવારજનો મળી 2500થી વધુ દીકરીઓ મહેંદી મુકાવી હતી.
પાલક પિતા તરીકેની જવાબદારી નિભાવતા મહેશભાઈ છેલ્લાં 8 વર્ષથી પિતા વગરની જરૂરિયાતમંદ દીકરીઓને કરિયાવર આપીને માનભેર સાસરે વળાવે છે. અત્યાર સુધીમાં તેમણે 2700 દીકરીઓને સાસરે વળાવી છે.

મહેશભાઈ અનુસાર, તેઓ દીકરીઓના લગ્ન જ નથી કરાવતા પણ એ પછીની જવાબદારી પણ પુરી રીતે નિભાવે છે. તેઓ દીકરીના લગ્ન પછી પણ દીકરીના સુખ-દુ:ખમાં સહભાગી થાય છે અને અત્યાર સુધીમાં પરણાવેલી દીકરીઓના ઘરે પિતા તરીકે હાજરી આપતા હોય છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.