સુરતમાં હજુ 7 લોકોની આપઘાતની ચિતા ઠંડી નહોતી પડી ત્યાં વધુ એક આપઘાત, દીકરીના લગ્નના 15 દિવસ પહેલા જ પિતાએ જીવન ટૂંકાવ્યું

ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો:સુરતમાં પુત્રીના લગ્નના 15 દિવસ પહેલા પિતાએ ઝેરી દવા પી જિંદગી ટૂંકાવી, એકની એક દીકરીના લગ્ન માટે રૂપિયાની વ્યવસ્થા ન થતા હતાશ હતા

Father Suicide Before Daughters Wedding : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આપઘાતના મામલાઓ સતત સામે આવી રહ્યા છે. જેમાં ઘણા લોકો આર્થિક તંગીના કારણે તો ઘણા લોકો કોઈ પારિવારિક ઝઘડાના કારણે પણ આપઘાત જેવા પગલાં ભરી લેતા હોય છે. સુરતમાં થોડા દિવસ પહેલા જ એક જ પરિવારના સાત લોકોના આપઘાતને લઈને શહેરમાં હડકંપ મચી ગયો હતો. ત્યારે હવે સુરતથી એક વધુ ખબર સામે આવી છે, જેમાં એક પિતાએ દીકરીના લગ્નના 15 દિવસ પહેલા જ આપઘાત કરીને જીવન ટૂંકાવી લીધું.

દીકરીના લગ્ન પહેલા જ પિતાનો આપઘાત :

એક પિતા પિતાના દીકરાના લગ્નને લઈને દીકરીના જન્મ બાદથી જ તૈયારીઓ શરૂ કરી દેતા હોય છે. તેના લગ્ન માટે તે દિવસ રાત મહેનત કરે છે અને એક એક રૂપિયો પણ ભેગો કરતો હોય છે અને પછી ધામધૂમથી દીકરીના લગ્ન કરાવતો હોય છે. પરંતુ સુરતમાંથી એવી ઘટના સામે આવી જેને સૌના કાળજા કંપાવી દીધા. દીકરીના લગ્નને હવે ફક્ત 15 દિવસ બાકી હતા, ઘરે તોરણ સજાઈ ગયા હતા, કંકોત્રી છપાઈ ચુકી હતી અને મહેમાનો સુધી પણ પહોંચી ગઈ હતી. ત્યારે જ પિતાએ આપઘાત કરી લેતા ખુશીઓનો માહોલ શોકમાં પરિણમ્યો.

રસોઈ કરીને ગુજરાન ચલાવતા :

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ મહારાષ્ટ્રના અને હાલ સુરતના ઉમરવાડા વિસ્તારમાં આવેલા ગાંધીનગર ખાતે રહેતા 35 વર્ષીય અનીશ શેખ તેની પત્ની અને બે દીકરા તેમજ એક દીકરી સાથે રહેતા હતા. તે કટરર્સમાં રસોઈ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ત્યારે તેમની દીકરીના 15 દિવસ બાદ જ લગ્ન હોવાના કારણે તૈયારીઓ ચાલી રહી હતી. પોતાની એકની એક દીકરીના લગ્ન હોવાના કારણે અનીશભાઈ પણ ખુબ જ ખુશ હતા. આ દરમિયાન અનીશે પરિવાર પાસે  રૂપિયા માંગીને દીકરીના લગ્નની તૈયારી કરી હતી, જો કે તેને પરિવાર પાસે વધુ રૂપિયા માંગ્યા અને પરિવારે  આપવાની ના પાડતા તે નિરાશ થઇ ગયો.

પૈસાની તંગીના કારણે કર્યો આપઘાત :

દીકરીના લગ્નના સમયે જ પિતા પાસે રૂપિયા ના હોવાના કારણે તે હતાશ થઇ ગયો અને તૂટી ગયો. ત્યારે અનીશને ચિંતા સતાવતી હતી કે રૂપિયા ક્યાંથી લાવે, જેના કારણે તેને રાત્રે જ ઝેર પી અને આપઘાત કરી લીધો, પરિવારજનોને જાણ થતા જ તેને લઇ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબ દ્વારા અનીશને મૃત જાહેર કરતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. એક તરફ દીકરીના લગ્ન અને બીજી તરફ પિતાનું મોત થતા પરિવાર માથે પણ દુઃખોનું આભ તૂટી પડ્યું. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

Niraj Patel