વેકેશનની મજા બની મોતની સજા, માંડવીના દરિયામાં ડૂબી જવાથી પિતા-પુત્રનું મોત

હાલ વેકેશનનો માહોલ ચાલી રહ્યો છે તેની વચ્ચે લોકો ફરવા જતા હોય છે. ત્યારે, એક પરિવાર માટે વેકેશનની મજા મોતની સજા બની છે અને પરિવારનો માળો વિખેરાયો છે. કચ્છના માંડવીના દરિયામાં ડૂબી જવાથી પિતા-પુત્રનું મોત થયું છે. દરિયામાં સ્નાન કરી રહ્યાં હતા તે સમયે મોજા ઉછડયા અને તેમાં ખેંચાઈ જવાથી મોત થયું છે.

કચ્છના માંડવીનો દરિયાકિનારો એક પરિવાર માટે નવા વર્ષે જીવલેણ સાબિત થયો છે. નવા વર્ષની ઉજવણી માટે માંડવી બીચ પર ફરવા આવેલા પિતા પુત્રનું દરિયામાં ડૂબી જતાં મૃત્યુ થયું છે. અંજારના કિશોર ગાંગજી મહેશ્વરી અને તેમનો પુત્ર દરિયામાં ડૂબી જતાં મોત થયું છે. સ્થાનિક તરવૈયાઓની મદદથી પિતા પુત્રના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે.અને મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે,પીએમ થયા બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે.

પુત્રને બચાવવા જતા પિતાનું મોત

માંડવી પોલીસ સ્ટેશનમાંથી મળતી પ્રાથમિક માહિતી મુજબ મૃતક 37 વર્ષીય કિશન ગાંગજીભાઈ મહેશ્વરી તેમના 13 વર્ષના પુત્ર ડેનિસ અને અન્ય ત્રણ પરિવારજનો સાથે માંડવી બીચ પર રવિવારે ફરવા આવ્યાં હતાં. ત્યારે બપોરે 4 વાગ્યે સૌ વિન્ડફાર્મ નજીક સ્વામિનારાયણ હોલી બીચ સામે સમુદ્રમાં નહાતાં હતાં તે સમયે એકાએક ડેનિસ ડૂબવા લાગ્યો હતો પુત્રને ડૂબતો જોઈને પિતા કિશનભાઈ તેને બચાવવા ગયાં હતાં અને બંને પિતા-પુત્રનું ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યું હતું.

દરિયાની વચ્ચે જઈને સ્નાન ન કરવા લોકોને અપીલ

ઘણા લોકો દરિયાની વચ્ચે જઈ સ્નાન કરતા હોય છે ત્યારે જીવલેણ ઘટના બનતી હોય છે,માંડવીનો દરિયો ભારે દરિયો કહેવાય છે અને અનેક લોકોના જીવ ગયેલા છે ત્યારે જીવના જોખમે દરિયામાં સ્નાન કરવું જોઈએ નહી,લોકો મસ્તીમાં આવીને દરિયામાં ભાન ભૂલીને સ્નાન કરતા હોય છે ત્યારે આવી ઘટનાઓ બનતી હોય છે.

Twinkle