વડોદરા હિટ એન્ડ રન કેસની અંદર માસુમ બાળકનો જીવ લેનારની ઓળખ થઇ, પિતાએ વ્યક્ત કર્યું પોતાનું દુઃખ

“મારા દીકરાને ન્યાય નહિ મળે તો હું આપઘાત કરીશ”, વડોદરાના હિટ એન્ડ રન કેસમાં 7 વર્ષના માસુમ કવિશના પિતાએ પોતાની વ્યથા ઠાલવી તે સાંભળીને આંખો થઇ જશે ભીની

દેશભરમાંથી હિટ એન્ડ રન કેસના કિસ્સાઓ સામે આવી રહ્યા છે, ત્યારે વડોદરાના માંજલપુર વિસ્તારમાંથી પણ હિટ એન્ડ રનનો કેસ સામે આવ્યો હતો, જેમાં એક માસુમ 7 વર્ષના બાળકને એક જિપ ચાલાક દ્વારા કચડી નાખવામાં આવ્યો હતો અને ઘટના સ્થળે જ માસૂમનું કમકમાટી ભરેલું મોત નીપજ્યું હતું. હવે આ હિટ એન્ડ રન કેસની અંદર કેટલાક મહત્વના ખુલાસાઓ સામે આવી રહ્યા છે.

વડોદરામાં નોંધાયેલા આ હિટ એન્ડ રન કેસની અંદર અકસ્માત સર્જનાર યુવાન દેવુલ ફુલબાજે જે RSPના નેતા ઘનશ્યામ ફુલબાજેનો દિકરો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. જે જીપથી આ અકસ્માત સર્જ્યો હતો તે જીપને પોલીસે અલવાનાકા પાસેથી કબજે કરી હતી. જેમાં દેવુલ ફુલબાજેએ માસુમને કચડીને જીપને અલવાનાકા ખાતે ડિવાઈડર પર ચઢાવી દિધી હતી. અને ત્યાંથી જ  તે ફરાર થઈ ગયો હતો. પોલીસ હવે દેવુલની શોધખોળ કરી રહી છે.

માસુમ કવિશ પટેલ

તો આ અકસ્માતનો ભોગ બનીને પોતાનો જીવ ગુમાવનાર 7 વર્ષીય માસુમ કવિશ પટેલના પિતા રાજેશભાઈ પટેલે પણ પોતાની વ્યથા વ્યક્ત કરી હતી. તેમને જણાવ્યું હતું કે, “માંજલપુર સ્મશાન નજીક એક જીપના ચાલકે અમારા સ્કૂટરને ટક્કર મારતા મારા પુત્ર કવિશનું મોત નીપજ્યું હતું. જીપ ચલાવવા વાળો કોઇ નેતાનો પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. તેની સામે કડક કાર્યવાહી જરૂરી છે. જો આરોપી સામે સખત કાર્યવાહી નહીં થાય તો હું આપઘાત કરી લઇશ.”

દેવુલ ફુલબાજે

આ બાબતે માંજલપુર પોલીસના જણાવ્યા અનુસાર, ધાર્વિ પરેશભાઈ પટેલ(ઉ.વ.18,રહે-ગજાનંદ હાઈટસ,માંજલપુર) પોતાના ભાઈઓ કવિશભાઈ રાજેશભાઈ પટેલ (ઉ.વ.7,રહે-મુળ-વણીયાદ ગામ, ડભોઈ, વડોદરા) અને કિયાન બીપીનભાઈ પટેલ (ઉ.વ.7,રહે-સુબોધનગર, માંજલપુર)ને ટ્યુશનથી લઈને શનિવારે સાંજે સાડા છ વાગે મોપેડ પર માંજલપુર મંગલેશ્વર મંદિર સ્મશાન રોડ પરથી પાછી ઘરે જઈ રહી હતી.

આ દરમિયાન જ સ્મશાન ચોકડી પાસે કાળા કલરની જીપના ચાલકે મોપેડને ટક્કર મારી સનસીટી તરફ ભાગી ગયો હતો. જેમાં મોપેડ પરથી ત્રણેય નીચે પડી ગયા હતાં. જેમાં ધાર્વિ પટેલને જમણા હાથે-પગે અને સાથળ પર ઈજા પહોચી હતી. કિયાન પટેલને મોઢા અને કપાળના ભાગે તેમજ પગે ઈજા પહોચી હતી. જ્યારે કવિશ પટેલનું ગંભીર ઈજા થવાના કારણે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

માંજલપુર પોલીસ સ્ટેશનના પીઆઈ કે.એમ.છાસીયાએ વધુમાં જણાવ્યું હતું કે, નજરે જોનારા વ્યક્તિએ જીપ ચાલકને ઓળખી બતાવ્યો છે. તેના જણાવ્યા અનુસાર આ જીપનો ચાલક દેવુલ ઘનશ્યામ ફુલબાજે હોવાનું બહાર આવ્યું છે. જ્યારે આ ગાડી દેવુલ ફુલબાજેની જ છે કે, પછી અન્યની તે અંગે પોલીસ આરટીઓમાં જઈ તપાસ હાથ ધરશે.

બીજી તરફ પોલીસને આ જીપ અલવાનાકા ખાતે ડિવાઈડર પર ચઢેલી હાલતમાં મળી હતી. પરંતું આસપાસ પૂછપરછ કરતા અલવાનાકા પાસે દેવુલ ફુલબાજેએ અન્ય કોઈને અકસ્માત કર્યો હોય તેવી કોઈ માહિતી મળી નથી. દેવુલ ફુલબાજે આ અકસ્માત કર્યાં બાદ ફરાર થઈ ગયો છે.

આ બાબતે મીડિયા દ્વારા મળેલી જાણકારી પ્રમાણે એપ્રિલ મહિનામાં દેવુલ ફુલબાજે નંબર વગરની કાળા કલરની જીપ લઈને રાત્રી કર્ફ્યૂ દરમિયાન મિત્ર સાથે બહાર નિકળતા વારસીયા પોલીસે ગધેડા માર્કેટ પાસેથી તેની અટકાયત કરી હતી અને દેવુલ અને તેના મિત્ર વિરૂદ્ધ કર્ફ્યૂ ભંગનો ગુનો પણ દાખલ કરીને જીપને ડિટેઈન કરી હતી.

Niraj Patel