સુરતમાં એક પિતાએ જ સળગાવ્યું દીકરીનું ઘર ! જમાઇએ 50 લાખ અને ઘર આપવાની ના પાડતા સસરાએ ઘર જ સળગાવી નાખ્યુ

પ્રેમલગ્ન કરી યુવક પછતાયો, સસરાએ જમાઈ પાસે પુત્રીના છૂટાછેડા માટે રૂ.50 લાખ, ફ્લેટ માગ્યો, જુઓ શું અંજામ આવ્યો

Father in law Sets Fire To House : સુરતમાંથી હાલમાં એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે, જેમાં દેલાડવા ગામમાં રહેતા એક યુવાન પાસે રૂ.45 લાખની માગણી કરી છૂટાછેડા આપવા તૈયાર થયેલા સસરાએ બીજા દિવસે 50 લાખ અને ફ્લેટની માગણી કરી અને તેણે ના પાડતા સસરાએ જમાઇના ઘરે આગ ચાંપી દીધી. સુરતના આ કિસ્સાની ચારે બાજુ ભારે ચર્ચા થઈ રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, 30 વર્ષીય ગુણવંત ઉર્ફે ગણપત સુરત દેલાડવા ગામ દીપદર્શન સ્કૂલની પાછળ વૃંદાવન રેસિડન્સીમાં માતા-પિતા અને ભાઈ-ભાભી સાથે રહે છે, જે મૂળ ભાવનગરના મહુવાના બાંભણિયા ગામનો વતની છે. તે બિલ્ડિંગ બ્યુટિફિકેશનનું કામ કરે છે. તેણે ચાર વર્ષ પહેલા સોશિયલ મીડિયા મારફતે તેના સમાજની નિધિ છોટાળાના સંપર્કમાં આવ્યા બાદ અને બંને વચ્ચે મિત્રતા બાદ પ્રેમ થયા પછી 19 મે 2021ના રોજ વડીલોની મંજૂરીથી લગ્ન કર્યાં હતાં.

પણ થોડો સમય સારી રીતે રહ્યા બાદ નિધિએ પરિવારજનો સાથે ઝઘડો કરવાનું અને ગેરવર્તન કરવાનું શરૂ કર્યુ. નિધિ આત્મહત્યા કરી પરિવારને ફસાવી દેવાની ધમકી પણ આપતી. તે ગત દિવાળીના સમયે રેલવે ફાટક તરફ સુસાઇડ કરવા પણ નીકળી ગઇ હતી. જો કે, પોલીસે તેને અટકાવી ગુણવંતને જાણ કરી હતી. ગુણવંતે આ બાબતે તેના સાસુ-સસરાને જાણ કરી અને પછી તેઓ તેને થોડા દિવસ પોતાના ઘરે લઈ ગયા.

જો કે, ત્યારબાદ પાછી ફરેલી નિધિએ ફરી ધમકી આપી છૂટાછેડા લઈ યુ.કે.જવું છે કહી ખર્ચ માગતા ગુણવંત 30 લાખ આપવા તૈયાર થયો. પણ નિધિ 50 લાખની માગણી કરતી હતી. ત્યારે આ આ મામલે નિધિના માં-બાપે ગુણવંતના ઘરે આવી ગાળાગાળી કરી અને ઝપાઝપી કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. ઉલ્લેખનીય છે કે, પોલિસ સ્ટેશનમાં મામલો પહોંચ્યા બાદ નિધિને છૂટાછેડા આપવા ગુણવંત સંમત થયો અને 45 લાખ આપવા કહ્યુ.

પણ બીજા દિવસે ગુણવંતના સસરા રમેશભાઈએ તેને ફોન કરી છૂટાછેડા માટે 50 લાખ અને વેસુમાં 2-BHK ફ્લેટની માગણી કરી તો ગુણવંતે ના પાડી. જે બાદ સસરાએ ધમકી આપી કે તમે તમારા પરિવારને બચાવી શકો તો બચાવી લો હું આવું છું. જે પછી ગુણવંતને જાણ થઈ કે તેના સસરાએ તેના ઘરને આગ ચાંપી છે. જો કે, ગુણવંત ઘરે પહોંચ્યો ત્યાં સુધીમાં તો ધુમાડાના ગોટેગોટા નીકળી રહ્યા હતા અને લગભગ ઘર ખાખ થઇ ગયુ હતુ.

આ બાબતે ગુણવંતે ફાયરબ્રિગેડ અને પોલીસને જાણ કરી હતી અને પોલીસે ત્યાં પહોંચી આરોપી સસરા રમેશભાઈને ઝડપી લીધા હતા. જો કે, નિધિ પોલીસને જોઈ કોઈકની સાથે બાઈક પર જતી રહી હતી. ગુણવંતના ઘરને લગાવેલી આગમાં પાકિંગમાં મૂકેલી બે સાઇકલ, બુલેટ, એક્ટિવા, ઈન્વર્ટર અને એસીના બે કોમ્પ્રેશર સહિત ફર્નિચર બળીને ખાખ થઇ ગયુ છે. ત્યારે આ મામલે ગુણવંતે તેની પત્ની, સસરા અને સાસુ વિરુદ્ધ ડિંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

Shah Jina