અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કચ્છના અંજાર સ્થિત મોમાયનગર ખાતે રહેતા જગદીશભાઇ રાજગોરે 24 વર્ષીય દીકરી જીનલના અંગોનું દાન કર્યુ. જીનલને બ્રેઇન સ્ટ્રોક થતા 19 ઓગસ્ટના રોજ સઘન સારવાર અર્થે કચ્છથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવી હતી પણ સારવાર દરમિયાન 21 ઓગસ્ટે ડોક્ટરોએ તેને બ્રેઈનડેડ જાહેર કરી. જીનલ અને તેના પરીવાર કચ્છના હોવાથી અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના દિલીપ દેશમુખ (દાદા) કે જેઓની કર્મભુમી કચ્છ રહી છે તેમને કોઇક રીતે આ અંગે જાણ થતા સિવિલ હોસ્પિટલ આવી જીનલના પિતા સાથે વાત કરી અને તેમને અંગદાન વિશે સમજાવ્યા.
જે બાદ પોતાની દીકરી જેવી બીજી કોઇ દીકરી કે અન્ય જરુરીયાતમંદનું જીવન બચાવવા અંગદાન કરવાનો નિર્ણય લીધો. અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રિટેન્ડન્ટ ડૉ.રાકેશ જોષી અનુસાર, જીનલના અંગદાનથી બે કિડની અને એક લીવર મળ્યુ જેને સિવિલ મેડીસીટી કેમ્પસની જ કીડની હોસ્પિટલના જરુરીયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવશે. જ્યારે આંખોને સિવિલ મેડીસીટી કેમ્પસની એમ એન્ડ જે આંખની હોસ્પિટલમાં આઇ બેંકમાં સ્વીકારવામાં આવી.
આ ઉપરાંત મળેલ સ્કીનને સિવિલ હોસ્પિટલની સ્કીન બેંકમાં રાખી દાઝેલા કે અન્ય જરુરીયાતમંદ દર્દીમાં ગ્રાફ્ટ કરવામાં આવશે. ત્યારે જીનલના અંગોથી કુલ ત્રણથી ચાર લોકોની જીંદગી બચાવી શકાશે અને બે લોકોને આંખોની રોશની અપાશે. સિવિલ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં કુલ 161 અંગદાતાઓ થકી કુલ 520 અંગો અને પાંચ સ્કીનનું દાન મળેલ છે. જેના થકી 504 વ્યકિતઓને જીવનદાન મળ્યુ છે.