દીકરાના વિરહમાં પિતાએ પણ દેહ ત્યાગ કર્યો, 12 દિવસમાં જ પરિવારના 2 સભ્યના નિધન
Father death due to loss of son : રાજકોટ શહેરમાં આવેલા TRP ગેમઝોનમાં થયેલી હોનારત યાદ કરતા જ કાળજું કંપી ઉઠે. આ અગ્નિકાંડમાં 27 લોકો જીવતા હોમાઈ ગયા હતા અને તેમના પરિવાર માથે તો જાણે આભ તૂટી પડ્યું હતું. આ મૃતકોમાં એક 24 વર્ષીય યુવક વિશ્વરાજ સિંહ જાડેજા પણ સામેલ હતો. જેનો ગેમ ઝોનમાં નોકરી મળ્યાનો પહેલો દિવસ જ હતો. પરિવાર દીકરાને નોકરી મળવાથી ખુશ હતો પરંતુ ગેમ ઝોનમાં લાગેલી આગમાં વિશ્વરાજસિંહ પણ બળીને ભડથું થઇ ગયો.
દીકરાના આમ અકાળે નિધન થવાથી પરિવાર માથે પણ આભ તૂટ્યા જેવવી સ્થિતિ હતી, દીકરાના મોતથી સૌથી વધુ આહત તેના પિતા જશુભા હેમુભા જાડેજા થયા હતા અને દીકરાના નિધન બાદ સતત દીકરાના નામનું જ રટણ કર્યા કરતા હતા. આવી સ્થિતિના કારણે તમેની તબિયત પણ લથડવા લાગી. જેના બાદ તેમને સારવાર માટે હોસ્પિટલમાં પણ લઇ જવામાં આવ્યા, જ્યાં સારવાર દરમિયાન જ પિતાનું પણ મોત થતા પરિવારમાં આક્રંદ છવાયો.
વિશ્વરાજસિંહનો પરિવાર રાજકોટમાં જૂની કલેક્ટર કચેરી પાછળ આવેલા નરસંગપરામાં રહેતો હતો. તેના પિતા 65 વર્ષીય જસુભા હેમુભા જાડેજા પોતાના ઘરે હતા ત્યારે બેભાન હાલતમાં ઢળી પડયા હતા. વૃદ્ધને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમને દીકરાની યાદમાં દમ તોડી દીધો. આ ઘટના અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે પ્ર.નગર પોલીસને જાણ કરતા સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.
પરિવારે ફક્ત 12 જ દિવસના અંતરાલમાં પિતા અને દીકરાના મોતથી બે લોકોને ગુમાવ્યા. પરિવાર માથે હાલ આભ તૂટી પડ્યું હોય એવી સ્થિતિ સર્જાઈ છે. રાજકોટમાં સર્જાયેલ ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટના મામલે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ સમગ્ર મામલે પોલીસે પૂછપરછનો ધમધમાટ શરૂ કર્યો છે.