તાંત્રિકના સંપર્કમાં આવેલા પરિવારે અંધશ્રદ્ધામાં જીવ ગુમાવ્યા, ફાંસીના ફંદા પર લટકેલી મળી પિતાની લાશ તો બેડ પર બે બાળકો….. રૂંવાડા ઉભા કરી દેનારી ઘટના

આજે જમાનો ઘણો આગળ વધી ગયો છે, આજે મોટાભાગના લોકો અંધશ્રદ્ધામાં વિશ્વાસ નથી કરતા, પરંતુ ઘણા લોકો એવા પણ હોય છે જે આજના આધુનિક સમયમાં પણ આ બધામાં વિશ્વાસ કરે છે, ઘણીવાર આવી અંધશ્રદ્ધાના કારણે કેટલાય લોકોના જીવ પણ ચાલ્યા જતા હોય છે, હાલ એવી જ એક ઘટના સામે આવી છે, જેમાં અંધશ્રદ્ધાએ જ એક બાપ અને તેના બે સંતાનોનો જીવ લઇ લીધો.

આ રૂંવાડા ઉભા કરી દેનારી ઘટના સામે આવી છે ઉત્તર પ્રદેશના પીલીભીતમાંથી. જ્યાં પિતા અને તેમના દીકરા દીકરીની લાશ ઘરમાંથી મળી આવી છે. આ ઘટનાની જાણકારી બુધવારના રોજ સવારે લોકોને મળી હતી. ઘરમાં જયારે લોકોએ જોયું ત્યારે 11 વર્ષના દીકરા અને 15 વર્ષની દીકરીની લાશ બેડ પર પડેલી મળી હતી. જયારે તેના પિતાનું શબ બીજા એક રૂમમાં ફાંસીના ફંદા પર લટકેલી હાલતમાં જોવા મળ્યું. આ ઘટનાની જાણ બીજા રૂમમાં સુઈ રહેલા એક 14 વર્ષના દીકરાએ પરિવારના બીજા લોકોને આપી હતી.

ઘટનાની જાણ થતા જ પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બધા મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં આ મામલો અંધવિશ્વાસનો લાગી રહ્યો છે. જેમાં યુવકે પહેલા પોતાના બાળકોની હત્યા કરી અને પછી પોતે ફાંસીના ફંદે લટકી ગયો. તેમના દીકરાનું કહેવું છે કે પિતા અને બહેન પર કોઈનો પડછાયો હતો. છેલ્લા એક વર્ષથી પરિવાર કોઈ તાંત્રિકના સંપર્કમાં હતો.

મૃતક બાલકરામના 14 વર્ષના દીકરા પ્રભાતે જણાવ્યું કે મંગળવારે અમે બધાએ રાત્રે જમવાનું જમ્યા અને પછી સુવા માટે ચાલ્યા ગયા. બહેન શાલીની અને ભાઈ નિહાલ તેના પપ્પા સાથે એક રૂમમાં સુઈ રહ્યા હતા અને હું બીજા રૂમમાં સુવા માટે ચાલ્યો ગયો. સવારે જાગીને જોયું તો બહેન અને ભાઈનું શબ બેડ પર પડ્યું હતું. બીજા રૂમમાં પપ્પા ફાંસીના ફંદે લટકતા હતા. મેં આ વાતની જાણકારી તરત કાકાને આપી. પોલીસનું માનવું છે કે આ હત્યા અંધશ્રદ્ધાના કારણે થઇ છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ વધુ માહિતી સામે આવી શકે છે.

Niraj Patel