વ્યાજખોરોના ત્રાસથી જસદણના પિતા-પુત્રએ સાથે કર્યો આપઘાત, ભત્રીજાને ફોન કરી કહ્યુ- છેલ્લા રામ રામ !

વાણંદ સમાજને લાગ્યો ઉંડો શોક… ‘આપડા છેલ્લા રામ-રામ છે, અમે દવા પી લીધી છે’, પિતા-પુત્રએ કરી આત્મહત્યા

ગુજરાતમાંથી છેલ્લા ઘણા સમયથી આપઘાતના કિસ્સાઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. કોઇ પ્રેમમાં નાસીપાસ થઇ જવાને કારણે તો કોઇ માનસિક ત્રાસને કારણે આપઘાત જેવું પગલુ ભરતા હોય છે. કોઇવાર વિદ્યાર્થીઓ માતા-પિતાની કોઇ વાત મનમાં લાગી આવતા આવું આત્મઘાતી પગલુ ભરતા હોય છે ત્યારે ઘણીવાર વ્યાજખોરોના ત્રાસને કારણે આપઘાત કરવાની ઘટના પ્રકાશમાં આવતી હોય છે. હાલ આવો જ એક કિસ્સો જસદણમાંથી સામે આવ્યો છે, જેમા વ્યાજખોરોના ત્રાસથી પિતા-પુત્રએ આપઘાત કરી લીધો. બંનેએ ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લેતા પરિવારમાં ચકચાર મચી ગઇ હતી.

ઘટના જોઇએ તો, જસદણના શ્રીનાથજી ચોકમાં રહેતા રમેશભાઇ અને તેમનો દીકરો સતીષ બપોરના ત્રણેક વાગ્યા આસપાસ બાઇક લઇને ઘરેથી નીકળ્યા અને તે બાદ બંનેએ કોઠી ગામ નજીક એક નાળા નીચે ઝેરી દવા ગટગટાવી લીધી, તે બાદ તેમણે તેમના ભત્રીજા નીરવને ફોન કરી કહ્યુ કે, આપડા છેલ્લા રામ-રામ છે, અમે દવા પી લીધી છે. તે બાદ તરત જ નીરવ અને તેનો મોટોભાઇ તાત્કાલિક દોડી ગયા હતા અને બંનેને 108ની મદદથી હોસ્પિટલ સારવાર ખાતે ખસેડ્યા હતા. 

જો કે, સારવાર દરમિયાન રમેશભાઈનું મોત નીપજ્યું હતું અને સતીષની હાલત વધુ ગંભીર હોવાથી તેને રાજકોટની સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું પણ મોત નીપજ્યુ હતુ. જે બાદ પરિવારમાં હાહાકાર મચી ગયો હતો. ઘટનાની જાણ જસદણ પોલિસને થતા પોલિસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકના ભત્રીજા નીરવનું નિવેદન લઈ તપાસ હાથ ધરી હતી. જોકે આ આપઘાતના કારણ પાછળ વ્યાજખોરો કારણભૂત હોવાનો પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.

Shah Jina