લેખકની કલમે

ફરી એકવાર – ઘરેથી ભાગીને લવ મેરેજ કર્યા પછી થતો પસ્તાવો, વાંચો આજે એક લવ મેરેજ કરેલી દીકરીની વ્યથા….દરેક દીકરીએ અને દીકરીના પિતાએ વાંચવા જેવી વાત….!!

પોતાના વાળની ખુલ્લી ઝૂલફોને એક તરફ ઢાળતા ઢાળતા શંભવી શૂન્યમનસ્ક સ્થિતીમાં હીંચકા પર બેઠા બેઠા કશુક વિચારી રહી હતી. આજે એની જીંદગીનો એક દિવસ ઓછો થયો છે. આજે પણ એ યાદ આવી ગયા, ફરી ન ઇચ્છવા છ્તા હું એની સાથે આછા પ્રકાશમાં ખીલેલ એ ચાંદની સાથે વિતાવેલ પળમાં પહોંચી ગઈ, ફરી એ જ ચાંદનીનું નૂર, એ જ સ્પર્શનો અહેસાસ, એ જ એની થોડી હલકી હલકી ખુશબુ ને સાથે એ જ એને આપેલ ઉદાસી, એના દ્વારા આપવામાં આવેલ દગો, બધુ યાદ આવતા જ આજના દિવસની જિંદગી થોડી ઓછી જીવી એવું એને લાગ્યું…પછી અચાનક જ એને શું સૂઝયું કે એકદમ એ સ્વસ્થ થઈ ગઈ ને મનમાં જ બોલી, એની યાદ આવતા આજના દિવસની જિંદગી હું મારી ખુદની સાથે ઓછી જીવી છુ. પણ પાકકું પ્રોમિસ મારી જાત સાથે…આવતીકાલની જિંદગી હું મારે જાત સાથે જ જીવીશ. સેલ્ફ પ્રોમિસ બચ્ચું….ઓલસો આઈ લવ માય સેલ્ફ.
અને પછી ઊભી થઈને હીંચકા પરથી ઊભી થાય છે ને પછી તેની લાઈબ્રેરી રૂમમાં બેસીને મહાદેવી વર્માની એક બૂક વાંચવા બેસી જાય છે. જ્યારે પણ શંભવી અપસેટ થઈ જાય છે ત્યારે ત્યારે એ મહાદેવી વર્માની કોઈ બૂક વાંચી એમના શબ્દોથી, વિચારોથી એ મોટીવેટ થતી.
પણ આજે કેમ શંભવીની ઉદાસી હજી સુધી અકબંધ રહી ? આખી રાત એ વાંચતી જ રહી…જેમ બુકના એક પછી એક પાના ફેરવાતા ગયા તેમ તેમ તેના મનમાં પણ ભૂતકાળની વિતેલી ક્ષણો, વિતેલી જિંદગીના પાનાં ફેરવાતા જ ગયા…વારેઘડી એ ઊભી થઈ કિચનમાં જાય છે….કોફી પર કોફી બનાવી પીધા કરે છે ને વાંચતી જાય ને વિચારતી જાય છે. આજની રાત એ જાણે ભૂતકાળને વાગોળવાની રાત બની હોય એવું જ લાગ્યા કરે છે એને ..એવું તે શું બન્યું હશે તેની સાથે આજે કે એ આજે નથી સૂઈ શકતી, નથી શાંતિથી બેસી શકતી , કે પછી નથી તે શાંતિથી મહાદેવી વર્માને પણ વાંચી શકતી ?
ત્યાં જ રાતના અંધકારમાં આખા દિવસનું ચિત્ર ઉપસી આવે છે. ત્યાં જ તેની આંખોમાં એક ખારું આંસુ બિલકુલ તેના ભૂતકાળ જેવુ જ એકદમ ખારું ખારું , તેની બુંદ આવી જાય છે. ફરી એક પાનું ફેરવાયું ને ફરી એ આંસુ સાથે નવું આંસુ એ પણ ખારું ખારું વહી ગયું !!
શું કામ એ ફરીવાર મારી જિંદગીમાં આવવા માંગે છે ? આજે હું ફરી ઊભી થઈ છુ માંડ માંડ એ પણ મારા પગના સહારે, મારા આત્મવિશ્વાસના સહારે ..! એ ફરી મારી જિંદગીમાં આવીને મારા પગ ખેંચી લેશે તો ? મારો વિશ્વાસ તોડી નાખશે તો ? શા માટે હવે એને મારી જરૂર છે હવે ? શા માટે એ મને મારી જિંદગીમાં ફરી એ વીતેલો ભૂતકાળ યાદ અપાવવા આવી ગયો પાછો ? જો એ મને પ્રેમ જ કરતો હોત, તો મને કેમ છોડી શકે ? હું તો ઈચ્છું તો પણ તેને મારી જિંદગીમાંથી નથી કાઢી શકતી….એ મારી જિંદગીની સારી ને ખરાબ ક્ષણ બંને હતું. હું કેમ એને મારાથી દૂર કરી શકું ? શું આવી રીતે ઘડીકમાં પ્રેમ નફરતમાં બદલાય જાય છે ને જ્યારે એ વ્યક્તિની જરૂર પડે તો એ જ નફરત પ્રેમમાં ફેરવાઇ જાય !!…એટ્લે કે પ્રેમનો પર્યાય જરૂરિયાત જ થતો હશે ??
ને ત્યાં જ ફેરવાયું બીજું પન્નું, પણ એ પન્નાની સાથે જ ઇનો ભૂતકાળ એના પર હાવી થઈ જાય છે. ને એ વિચારોના વમળોની વચ્ચે જઈને એમાં ઘૂંઘળાયા કરે છે.

એ છાના છાનાં મળવું, કોલેજની કેન્ટીનમાં કોફી પીતા પીતા એકબીજાના હાથમાં હાથ પરોવી ગપ્પાં મારવા. એના બાઈક પર તેની પાછળ વેલની જેમ તેને વીંટળાઇ દૂર દૂર સુધી ચાલુ વરસાદે લોંગ ડ્રાઈવ પર જવું. ને એ ઇનો પહેલો સ્પર્શ..હું કેમ ભૂલી શકું ?

જ્યારે પહેલીવાર અમે એકબીજાના સ્પર્શને, એકબીજાના અહેસાસને ખૂબ ઊંડે સુધી માણ્યો. પછી એ સ્પર્શને એકદમ નજીકથી માણવા માટે કેવો એકાંત ગોત્યા કરતાં હતા ? એ મસ્તી. એ એકાંતની શોધ ને એ એ તારા નહી કરેલા અમુક સ્પર્શની કલ્પનાઓમા આખી રાત જાગ્યા કરતી..માત્ર ને માત્ર તારા જ વિચારે.
પછી મારા ઘરે તને કોલેજના પ્રોજેક્ટના બહાને મે હિમ્મત કરી આખરે બોલાવી જ લીધો હતો…ને રૂમનો એકાંત..એ એકાંતમાં જ આપણે પ્રોજેકટને બાજુમાં મૂકીને એકબીજાની બાહોમાં સમાઈ ગયેલા..ને ત્યારે હું એક સંપૂર્ણ છોકરી બની હોવાનું મે અનુભવ્યું હતૂ, એ ક્ષણનો આનંદ હું જીવનભર નહી ભૂલી શકું.. મારા બેડની એક ચાદરને ઓઢીને આપણે બંનેએ એકબીજાનો સહવાસ માણ્યો હતો એ પણ હું કેમ ભૂલી શકું ? મને તારો પ્રેમ, તારો સ્પર્શ ખૂબ ગમતો હતો..તારી તો મને ખબર ન હતી કે તારા મનમાં શું ચાલી રહ્યું છે પરંતુ હું તો મનથી જ તને મારૂ સર્વસ્વ માની બેઠી હતી એટ્લે જ તો તને મારુ કોમાર્ય ભંગ કરવા દીધું.

પછી તો એ કોલેજના છેલ્લા વર્ષમાં અનેક વાર અભ્યાસના બહાને એકબીજાના ઘરે મળતા ને એકબીજાની પરમ સમીપે પહોંચી જઈ એક ક્ષિતિજ સુધી પહોંચ્યાનો આનંદ હું ને તું માણતા…

આખરે એક દિવસ નક્કી જ કર્યું કે લગ્ન કરી લેવા જોઈએ….તે કોલેજ પત્યા પછી જોબ કરવાનું શરૂ કર્યું. મે ઘરે આપણાં મેરેજની વાત કરી, તારી સાથે લગ્ન કરવા ઘરમાં ઘણા ધમ પછાડા કર્યા..પરંતુ ઘરના કોઈ વડીળ મારો હાથ ર=તારા હાથમાં આપવા રાજી ન હતા. ને તારા ઘરે પણ મને અપનાવવા કોઈ રાજી ન થયું એનું કારણ કાસ્ટ પ્રોબ્લમ. હું રાજપૂત કુળની ને તું હતો પટેલ. પછી અંતે ઘરેથી ભાગીને કરેલા લગ્ન,
શરૂઆતમાં તો ખૂબ જ સારું લાગતું હતું. નવી જિંદગીમાં મને દુનિયાનું સ્વર્ગ લાગતું હતું. ને અંતે આખરે એક જ મહિનામાં એ દુનિયાનું સ્વર્ગ લાગતી જિંદગી નર્ક બની બેઠી..જ્યારે મને તારી ડ્રિંક્સ કરવાની અને છોકરીઓની આદતની ખબર પડી….તું જાણતો હતો કે હવે મને મારા ઘરે કોઈ અપનાવશે નહી ને હવે મારો સહારો માત્ર તું અને તું જ છે. તે મારી મજબૂરીનો, મારા પ્રેમનો, મારા ભોળપણનો ફાયદો ઉઠાવ્યો….અંતે મને થયું કે તે મને ફસાવી છે.
આવું લાગવાનુ કારણ પણ તારું વર્તન અને વ્યવહાર જ જવાબદાર હતો. રાતના બાર બાર વાગે દારૂ પીને ઘરે આવવું. ઘરમાં કોઈ વડીલ તો હતા નહી એટ્લે તારા પર કોઈનો અઙ્કૂશ ન રહ્યો…ક્યારેક તો આખી રાત તું ઘરની બહાર જ રહેતો…ન મને કોલ કરવાની તું તસ્દી લેતો કે ન મારી કોઈ પરવાહ કરતો..નવું શહેર, નવા લોકો ને તારી નવી નવી નોકરી ની વચ્ચે હવે મને તું પણ નવો જ લાગવા લાગ્યો.

જ્યારે હું આ બધુ જોઇને અકાળાયેલ ને મારી લાઇફમાં પહેલીવાર તારા પર ગુસ્સે થઈ હતી. એ પણ એક પત્નીનો હક સમજીને. ત્યારે તારા દ્વારા કહેવામા આવેલ શબ્દો જ મારી તાકાત બન્યા, મારી અંદર રહેલ સ્ત્રી શક્તિને જાગૃત કરવા માટે તારો આભાર…હજી મને યાદ છે એ ક્ષણ…!!
જીત, કેમ લેટ થયા ? કેમ તમે આવા બદલાઈ ગયા છો ? ને રોજ તમને કોલ કરે છે એ છોકરી કોણ છે ? શા માટે તમે કોઈ પારકી છોકરીને આટલી બધી છૂટ આપી છે ? ક્યાં ગયો એ મારા પ્રત્યેનો તમારો પ્રેમ ? શું તમારી કોઈ ફરજ નથી મારા પ્રત્યે ? ઘરમાં વસ્તુ બધી ખલાસ થઈ ગઈ છે, તમને 10 દિવસથી હું લિસ્ટ આપ્યા કરું છુ. એ લાવવાની જગ્યાએ તમે રોજ મૂવી જોવા જાવ પેલી સાથે , રોજ મોંઘા મ્ંઘા રેસ્ટોરામા જમવા જાવ ? ત્યારે તમને સમય મળે છે ને હું જ્યારે મારી કે ઘરની વાત કરું ત્યારે તમને સાંભળવાનો પણ સમય નથી મળતો ? તો શા માટે મારી સાથે લગ્ન કર્યા ? શા માટે મને તમારી આ મોહજાળમાં ફસાવી ?

ને ત્યારે એના કાન સત્ય સાંભળી ન શક્યા ને મને બે લાફા છોડી દીધેલાં..એ હજી યાદ છે જ્યારે મે પહેલીવાર મારી જિંદગીમાં કોઈ પૂરુષના હાથનો માર ખાધેલ,

ને પછી ગુસ્સામાંએ જે પણ બોલેલ એ હજી મને યાદ છે, “ હું જેમ રાખું એમ તું પડી રહે તો સારું છે, તારી ઔકાત શું છે ? તારો બાપ તો તારું મોઢું જોવાય નથી માંગતો, મારાથી જ તારું રૂપ જોઈને ઉતાવળ તાહિ ગઈ લગ્ન કરવામાં, બાકી તારામાં રૂપ સિવાય બીજી આવડત પણ શું છે ? હવે ફરીવાર મને કોઈ પ્રશ્ન કર્યો છે તો તારો ચોટલો પકડી તને આ ઘરની બહાર કાઢીશ, સમજી..એના કરતાં ચૂપચાપ બધુ જોયા કર!! એમાં જ તારી ભલાઈ છે. આવી મોટી મને શિખામણ આપવાવાળી….જો હું તારો હાથ છોડીશ તો તું ભિખારી બની જઈશ સમજી…..!! “ આટલું બોલી મને દીવાલ બાજૂ જોરથી ધક્કો મારી એ તો રૂમની બહાર નીકળી ગયેલ.

એ સમયે હું માત્ર 19 વર્ષની. જીંદગીનો આ પડાવ જોઈને પહેલા તો ગભરાઈ ગઈ, મૂંઝાઇ ગઈ ને ફરી જીતના બોલેલા શબ્દો યાદ આવ્યા ને મારી અંદર રહેલ સ્ત્રી શક્તિ જાગૃત થઈ. ને હંમેશા માટે મારા સ્વાભિમાનની રક્ષા માટે હું એ ઘર છોડીને મારા પાપાના ઘરે પહોંચી ગઈ.

“તૂટેલ વાસણ તો ઘરે જ હોય ને “ એ કહેવત બોલી પાપા એ મને માફ કરી..હું પાછી મારા અભ્યાસમાં ધ્યાન આપ્યું ને એક જ શબ્દ તું ભિખારી બનીશ..એ યાદ કરી કરીને હું ખૂબ મહેનત કરતી ને પછી એક પછી એક ડિગ્રી મેળવી એક દિવસ કોલેજની અંદર જ પ્રોફેસર બની ગઈ.
ક્યારેય મે બીજા મૅરેજ કરવાનું નહોતું વિચાર્યું… કેમકે જ્યારે પણ કોઈ મને મેરેજ કરવા માટે સલાહ આપે ત્યારે એક જ શબ્દ મનમાં આવે….ફરી એક વાર !!!

ના ના હવે એવું ફરી એક વાર મારા જીવનમાં ક્યારેય નહી બનવા દવ !

ને આજે અચાનક એ જ વ્યક્તિનો પ્રેમ પાછો જાગૃત થયો ? શા માટે એ મારી જિંદગીમાં ફરી એક વાર પાછો આવવા માબ્ગે છે ?

હું જે શબ્દ ફરી એકવાર થી દૂર ભગતી હતી..એ જ આજે મારી સામે આવે છે..

શા માટે ?
લવ મેરેજ કરીને મે એકવાર ભૂલ કરેલી, મારા માંબાપ ન માનીને મે એકવાર ભૂલ કરેલી…આજે હું જે કાઇ છુ તે મારા પિતાના કારણે જ છુ જેને એક સમયે હું મારા શત્રુ સમજી બેઠી હતી. માટે ક્યારેય લવ મેરેજ કરતાં પહેલા માતા પિતાની અવગણના ન કરાય… ને આટલું મનમાં વિચારી શંભવી તેના સ્વર્ગ લોક સીધાવેલ પિતાના ફોટાને પોતાની પાસે લઈને એને જોતાં જોતાં સૂઈ જાય છે, એને એવો આહેસાસ થાય છે કે તેના પિતા આજે પણ તેની આસપાસ જ છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો. દરરોજ આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.