ભણવાને લઇને ટોકતી હતી બહેન તો ભાઇએ કરી દીધી હત્યા ! ગુસ્સામાં દબાવ્યુ ગળુ અને પછી કર્યુ એવું કે….

Brother Kill Sister : ગુજરાત સહિત દેશભરમાંથી ઘણીવાર હત્યાના મામલા સામે આવે છે, જે ચકચારી જગાવતા હોય છે. જો કે, ઘણીવાર હત્યાના કિસ્સામાં સંબંધો પણ શર્મશાર થાય છે. ત્યારે હાલમાં જ એક હત્યાનો મામલો સામે આવ્યો, જેમાં એક બહેનની તેના જ ભાઇએ ગળુ દબાવીને હત્યા કરી દીધી અને એ પણ એટલા માટે કારણ કે તેની બહેને તેને મોબાઇલ મૂકી ભણવાનું કહ્યુ હતુ. ગત 26 તારીખે ફરીદાબાદના ઓમ એન્ક્લેવ પાર્ટ-2માં એક યુવતીની લાશ મળી આવી હતી.

આરોપ હતો કે ભાઈએ તેની મોટી બહેનનું ગળું દબાવીને હત્યા કરી હતી. ત્યારે ક્રાઈમ બ્રાન્ચ ડીએલએફની ટીમ દ્વારા ઓમ એન્કલેવ પાર્ટ-2માં મોટી બહેનની હત્યાના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મોટી બહેનની હત્યા બાદ આરોપી દહેરાદૂન અને મસૂરી ફરવા ગયો હતો, જેથી કોઈને તેના પર શંકા ન થાય. ત્યાં મોજ-મસ્તી કર્યા બાદ જ્યારે તે ફરીદાબાદ આવ્યો ત્યારે આ હત્યા કેસની તપાસમાં સામેલ ક્રાઈમ બ્રાન્ચ ડીએલએફની ટીમે તેની ધરપકડ કરી.

હરિયાણાના ફરીદાબાદમાં અગવાનપુરના ઓમ એન્ક્લેવમાં રહેતા શ્યામ સુંદર પાંડે પત્ની પ્રેમ પ્રભા પાંડે સાથે લગ્ન માટે યુપીના ગોરખપુર ગયા હતા. જ્યારે તે લગ્ન બાદ પરત ફર્યા ત્યારે પુત્રી અનન્યાની લાશ પડેલી મળી આવી. તેમનો પુત્ર પ્રિયાંશુ પણ ઘરે નહોતો અને યુવતીની હત્યાની માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી. યુવતીના ગળા પર નિશાન જોવા મળ્યા હતા અને તે પરથી ખબર પડી કે અનન્યાની ગળું દબાવીને હત્યા કરવામાં આવી છે.

ઘટના બાદથી પ્રિયાંશુ ફરાર હતો, જેના કારણે પોલીસની શંકા વધુ ઘેરી બની હતી. મામલાની ગંભીરતાને જોતા અનન્યાની હત્યાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ ડીએલએફને સોંપવામાં આવી હતી. પોલીસે આ મામલે 26 મેના રોજ હત્યાનો કેસ નોંધ્યો હતો. તપાસ બાદ પોલીસે હવે આ કેસમાં અનન્યાના ભાઈ પ્રિયાંશુની ફરીદાબાદના ઈસ્માઈલપુરથી ધરપકડ કરી.

પોલીસે શુક્રવારે તેને કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડ પર લીધો અને પોલીસ પૂછપરછમાં તેણે કબૂલાત કરી કે મોબાઈલના કારણે તેણે તેની બહેનની હત્યા કરી હતી. તેણે કહ્યું- માતા-પિતા લગ્નમાં ગયા હતા. હું અને મોટી બહેન અનન્યા ઘરે હતા. હું ભણવાનું છોડીને મોબાઈલ પર જ લાગેલો હતો અને અનન્યા વારંવાર ટોકી રહી હતી. હત્યાના દિવસે પણ અનન્યાએ મોબાઈલના કારણે તેને ઠપકો આપ્યો હતો.

અનન્યાએ મોબાઈલ મૂકીને ભણવાનું કહ્યું અને આનાથી તે ગુસ્સે થયો અને પછી તેણે અનન્યાનું ગળું દબાવી દીધું. પ્રિયાંશુએ પોલીસને વધુમાં જણાવ્યું કે, તેનું બહેનનું મોત થયા બાદ તે ડરી ગયો હતો અને એટલે તેણે પોતાને બચાવવા માટે યોજનાઓ બનાવવાનું શરૂ કર્યું. તેણે વિચાર્યું કે તે અહીંથી ભાગી જશે અને ઘરની બહાર હશે તો કોઇ તેના પર શંકા નહિ કરે. આ કારણે તે પહેલા ઘરેથી ઉત્તરાખંડના દેહરાદૂન અને પછી મસૂરી ગયો. કેટલાક દિવસો સુધી તે ત્યાં છુપાયો અને પછી ઈસ્માઈલપુર આવ્યો.

Shah Jina