રસોઈ

ફરાળી દહીં વડા અને સાબુદાણાની ખીર – ઉપવાસમાં બનાવો આ ટેસ્ટી અને ફટાફટ બની જતી વાનગીઓ.

ફરાળી દહીં વડા અને સાબુદાણા ની ખીર

તમે જાણો જ છો કે અત્યારે પવિત્ર શ્રાવણ માસ શરૂ છે. ભગવાન શિવ ને પ્રસન્ન કરવા માટે લોકો વિવિધ વ્રત, એકટાણા, તહેવાર વગેરે કરતાં હોય છે. આ સમયે આખો માસ કઈક નવીન વાનગી બનાવી આપણે ફરાળ કરીએ છીએ. તો આજે અમે તમને એક સાથે બે વાનગી શીખવાડીશું. એક તીખી તો બીજી સ્વીટ વાનગી છે. ચાલો તો ફટાફટ નોંધી લો આ બંને વાનગી ની રીત.

ફરાળી દહીં વડા બનાવવા માટે ની સામગ્રી

 • બટેટા – 400 ગ્રામ (4 થી 5 બટેટા)
 • શિંગોડા નો લોટ – 50 ગ્રામ (1/4 કપ)
 • મીઠું – અડધી ચમચી (સ્વાદ અનુસાર)
 • મરી – ½ નાની ચમચી
 • મોટી એલચી – 2 (ફોલી ને તેને પીસી લો)
 • ખાંડેલુ જીરું – 1 નાની ચમચી
 • કોથમીર – 1 નાની ચમચી
 • દહીં – 400 ગ્રામ (2 કપ)
 • ઘી અથવા તેલ – વડા તળવા માટે

ફરાળી દહીં વડા બનાવવા માટે ની રીત

 • સૌપ્રથમ બટેટા લઈ તેને ધોઈ નાખો પછી તેને બાફી લો, બફાય જાય પછી તેને ઠંડા થવા દો અને પછી તેની છાલ કાઢી લો.
 • બટેટા ને હવે ખૂબ જ ઝીણા સમારી લો અથવા તેને પીસી નાખો. પછી તેમાં શિંગોડા નો લોટ, સ્વાદ અનુસાર મીઠું, મરી, એલચી અને કોથમીર નાખી, તેને ખૂબ સારી રીતે મિક્સ કરી લો, આમ આ મિશ્રણ ને મસળી મસળી ને લોટ ની જેમ બાંધી લો.
 • હવે દહીં ને જેરી લો. ત્યાર બાદ જેરેલા દહીં ની અંદર સ્વાદ અનુસાર થોડું મીઠું નાખી સારી રીતે મિક્સ કરી લો.
 • હવે એક જાડુ વાસણ લઈ તેમાં ઘી અથવા તેલ ગરમ કરવા માટે મૂકી દો.
 • હવે મિશ્રણ માથી થોડું મિશ્રણ લઈ તેને ગોળ-ગોળ ચપટો આકાર આપી મોટા બનાવી તૈયાર કરી લો. જો મિશ્રણ વધારે પડતું ઢીલું છે અને હાથ માં ચોંટી જાય છે તો એક પલાળેલો સાફ રૂમાલ લઈ તેને એક વાટકા ની ઉપર રાખી દો. હવે રૂમાલ ને પાછળ થી પકડી રાખો. બટેટા ના છૂંદા માથી થોડું મિશ્રણ લઈ તેને ગોળ બનાવો. પલાળેલા રૂમાલ પર રાખી પાણી ની મદદ થી દાળ ના વડા જેમ બનાવવા માં આવે છે તેમ ચપટા આકાર ના વડા બનાવી લો.

 

 • હવે તેલ પણ ગરમ થઈ ગયું હશે તો તેમાં આ વડા ને નાખો. એક વખત માં 4 થી 5 વડા બનાવી ને તળી શકાય છે. આમ વડા ને બધી બાજુ ફેરવી ફેરવી ને બ્રાઉન રંગ ના થાય ત્યાં સુધી તળો.
 • આમ તળાય ગયા પછી આ વડા ને તેલ માથી કાઢી દહીં માં ડુબાડી દો. આમ તમારા ફરાળી દહીં વડા તૈયાર છે. હવે ફરાળી દહીં વડા ને એક પ્લેટ માં કાઢી લો, પછી તેના પર કોથમીર અને પીસેલા જીરા નો પાઉડર નાખી તેને સજાવી લો. આમ સ્વાદિષ્ટ ફરાળી દહીં વડા પોતાના વ્રત સમયે જમતી વખતે પીરસો અને ખાવો.
 • આમ વડા તમે દહીં નાખ્યા વગર પણ ખાઈ શકો છો. તે પણ સ્વાદિષ્ટ લાગે છે. આથી જેટલા દહીં વડા દહીં માં ખાવા હોય એટલા જ  દહીં માં પલાળો. બાકી ના વડા ને એમ જ રહેવા દો.

સલાહ – સાબુદાણા ના દહીં વડા ની અંદર તમે ઈચ્છો તો તેમાં લીલા મરચાં, આદું, કિશમિશ, કાજુ, બદામ, દાડમ વગેરે પણ નાખી તેનો સ્વાદ વધારી શકો છો.

સાબુદાણા ની ખીર બનાવવા માટે ની સામગ્રી

 • સાબુદાણા – 1 કપ
 • દૂધ – 2 કપ
 • ખાંડ – 1 કપ
 • એલચી નો પાઉડર – 1 ચમચી
 • કિશમિશ – 10
 • બદામ – 10
 • કાજુ – 10
 • કેસર –  1 ચપટી

સાબુદાણા ની ખીર બનાવવા માટે ની રીત

 • મોટા સાબુદાણા ને ઓછા માં ઓછી છ કલાક પહેલા પલાળી દો અને તેને 6 ક્લાક માટે પાણી માં પલાળી રાખો.
 • હવે જ્યારે ખીર બનાવવી હોય ત્યારે એક વાસણ માં દૂધ કાઢી તેને ઉકળવા માટે ગેસ પર મૂકી દો. ગેસ નો તાપ ફાસ્ટ રાખવો.
 • જ્યારે દૂધ ઉકળવા લાગે ત્યારે ગેસ ને ધીમો કરી દો અને દૂધ ને જાડું થવા દો.
 • હવે તેમાં ખાંડ ભેળવી 10 મિનિટ સુધી ઉકળવા દો, ખાંડ ઓગળી જાય પછી તેના સાબુદાણા નાખી મિક્સ કરી દો.

 • સાબુદાણા નાખ્યા બાદ દૂધ ને ધીમા તાપે થોડી વાર માટે ચડવા દો, પછી તેમાં કેસર નાખો થોડી વાર ઉકળવા દો, પછી તેમાં બદામ, એલચી નો પાઉડર, કાજુ, કિશમિશ અને પિસ્તા નાખી બધા ને સારી રીતે મિક્સ કરી દો.

આમ તૈયાર છે તમારી એક તીખી અને ચટપટી વાનગી અને બીજી સ્વીટ ફરાળી વાનગી, જેને તમે એકસાથે બનાવી બંને નો સ્વાદ માણી શકો છો. માધવી આશરા ‘ખત્રી’
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.