જો તમે અમદાવાદ આવ્યા હોવ અને તમારે કોઈ પ્રખ્યાત જ્ગ્યાની વાનગી ખાવી હોય કે પછી તમે અમદાવાદમાં રહેતા હોવ પણ તમને અમદાવાદની દરેક પ્રસિદ્ધ જગ્યાની વાનગીઓ વિશે ખબર ન હોય તો આ લેખ તમારા માટે છે. સાથે જ ખાવાના શોખીનો માટે તો ખાસ જણાવવું પડે છે અમદાવાદમાં એટલી બધી પ્રસિદ્ધ વાનગીઓ મળે છે રોજ દરેક ટાઈમ એક-એક જગ્યાએ ખાવા જાઓ તો પણ એક વર્ષ પણ ઓછું પડી જાય.

તો ચાલો તને જણાવીએ કે અમદાવાદ આખામાં કઈ જગ્યાએ શું-શું વખણાય છે. શરૂઆત કરીએ અમદાવાદની ઓળખ ગણાતી સીદી સૈયદની જાળીના વિસ્તારથી તો તેની બાજુમાં જ આવેલા લકી રેસ્ટોરન્ટની ચા અને મસ્કાબન ખૂબ જ વખણાય છે. એની નજીકમાં જ કાચા પપૈયાની છીણ, ડુંગળી, લીંબુ અને સુપરટેસ્ટી ચાટ મસાલો નાખીને મળતું શશીનું રીમઝીમ ચવાણું, રાયપુર દરવાજા પાસે રાયપુરના ભજીયા, નાગજી ભૂદરની પોળના નાકે આવેલી ગાંઠિયાની દુકાનના અંગૂઠિયા અને ઝીણા ગાંઠિયા તીખી ધમધમતી પપૈયાની ચટણી સાથે અને જાડી ફરસી પૂરી ખાવાની મજા આવી જાય છે.

ઢાલગરવાડમાં આવેલી દુકાનના કસાટા પૌંઆ, બિસ્કિટ ગલીની હુસેની બેકરીની નાનખટાઇ, ક્રીમ રોલ, અલગ-અલગ જાતની કેક અને પફ પણ ખૂબ જ વખણાય છે. રતનપોળના છેડે આવેલી આઝાદ રેસ્ટોરન્ટનો અડદની દાળનો હલવો, મારવાડી પાપડ ભંડારના પાપડ અને બીજા ફરસાણ, કાલુપુર સ્વામીનારાયણ મંદિર જવાના રસ્તા પર આવેલી ફરસાણની દુકાનની મોળી ખાજલી, ફાફડા, હિંમતલાલ ખરખડિયાવાળા (ઓટલાવાળા)ની દુકાનના ખરખરડિયા અને ફરસાણ, માણેકચોક ખાતે જૂના શૅરબજારની બહાર ઓટલા પર મળતું ચવાણું પ્રખ્યાત છે.

ચવાણાવાળાની ગલીમાં ડબ્બાવાળા મહારાજનું ચવાણું અને એની સાથે આપવામાં આવતી કોઠા અને લીલાં મરચાંની ચટણી ખૂબ જ પ્રખ્યાત છે. શૅરબજારની સામે જ આઝાદ સેવવાળાની દુકાનની રતલામી સેવ અને ચણાની દાળ સાથે પડીકીમાં મરચાનો મસાલો અને સેવ-દાળ, અહીં જ એક ખૂણા પર આવેલ જલારામ ફરસાણ કૉર્નરની પાતળી પાપડી અને લીલી ચટણી, લાખા પટેલની પોળના નાકે સૌરાષ્ટ્ર ફરસાણની દુકાનના લસણીયા મમરા ખૂબ જ પ્રખ્યાત છે.

જલારામ ફરસાણ કૉર્નરની સામે જ જનતા આઇસક્રીમ, બાજુમાં પાનાચંદની જૂની દુકાનનો દૂધનો દાણાદાર હલવો, ગિરીશ કોલ્ડડ્રીંકની લસ્સી પ્રખ્યાત છે. ઝવેરવાડની પાણીપૂરી, ઝવેરીવાડના ચોકલેટ પિઝા, આસ્ટોડિયાની લખનૌની અડદની જલેબી, એલઆઈસી બિલ્ડિંગની સામે પથ્થર કૂવાના મરચા અને કેળાની વેફર્સ પ્રખ્યાત છે. ઝવેરીવાડ ફરસાણની ઊંચા ઓટલાવાળી દુકાનના કેળાંના ખરખડિયા, ભાખરવડી અને દાળિયાની ચટણી પણ ખૂબ જ વખણાય છે.

કંદોઈ ઓળમાં કંદોઈ ભોગીલાલ મૂળચંદની સૌથી પહેલી અને જૂની દુકાનનો લચકો મોહનથાળ, દાણાદાર કેસર મોહનથાળ, મૅન્ગો કલાકંદ પણ ખૂબ જ વખણાય છે. રાણીના હજીરાની બાજુની ગલીમાં મામા મુખવાસવાળાની દુકાનના 100થી વધુ પ્રકારના મુખવાસ, રતનપોળની બહાર ભાવનગરી ફરસાણવાળાનું સહેજ મીઠું અને આખા તળેલા લવિંગના સામાન્ય ટેસ્ટવાળું સ્પેશ્યલ ચવાણું અને મકાઈનો ચેવડો પણ ખૂબ લોકપ્રિય છે.

સાથે જ અહીંની ભાખરવડી, તીખી-મીઠી ચટણી જોડે ગરમાગરમ કેળાવડાં પણ ખૂબ જ પ્રખ્યાત છે. આ સિવાય આખા અમદાવાદમાં બીજી ઘણી જગ્યાની ઘણી વાનગીઓ વખણાય છે, જેમાં ઋતુરાજના મસ્કાબન-ચા, શંભૂની કોફી, મેમનગર ફાયર સ્ટેશન પાસેની ચોકલેટ-ચીઝ સેન્ડવીચ, સેટેલાઈટમાં શક્તિના પાવભાજી, ગીતાની સમોસા-કચોરી ઉપરાંત વિજય ચાર રસ્તા પાસેના આરકેના અને જયભાવનીના વડાપાંવ, સાબરમતી જેલના ભજિયા, કર્ણાવતીની દાબેલી પણ લોકોમાં ખૂબ જ પ્રિય છે.

એના સિવાય જશુબેનના પિઝા, વીએસ હોસ્પિટલ પાસે નાગરની ચોળાફળી, સી.જી. રોડ પર આર.કે.ની પાવભાજી, સીમા હોલ પાસે ઇન્દોરની ચાટ પણ લોકોને ખૂબ જ ભાવે છે. ઉપરાંત દાસના ખમણ-સેવખમણી, ઑનેસ્ટના પાવભાજી અને પુલાવ, ચારભૂજાની સેન્ડવીચ, જેઠાણી-દેરાણીનો આઇસ્ક્રીમ, વસ્ત્રાપુર હનુમાન દાદા પાસેના પરોઠા, ગુજરાતના દાળવડા, પાલડીની નરસિંહ ભગત હોસ્ટેલ પાસેની પાપડી ખૂબ જ પ્રખ્યાત છે.

વૈષ્ણોદૈવી પાસેના દાલફ્રાઈ અને રાઈસ, સરદાર પટેલ સ્ટેડિયમની ક્રિષ્ના લસ્સી, શંકરનો આઇસ્ક્રીમ, સૌરાષ્ટ્રના ફાફડા, જનતાનો કોકો, ચંદ્ર વિલાસના ફાફડા જલેબી, વિદ્યાપીઠ પાસેના થેપલા અને યુનિવર્સટીના ઢોસા, મોતી બેકરીની નાનખટાઇ, પણ ખૂબ જ પ્રખ્યાત છે. અમદાવાદના મણિનગરમાં માસીની પાણીપૂરી પ્રખ્યાત છે. ખોખરાના ઇડલી ચાર રસ્તાની ઇડલી, રાજસ્થાન આઇસ્ક્રીમ અને અસારવાનો સંચાનો આઇસ્ક્રીમ પણ વખણાય છે.

મણિનગરના ટામેટાના ભજિયા, એ સિવાય અમદાવાદમાં ફરકીના ફાલૂદા, લક્ષ્મીના ગાંઠિયા, બાપુનગરના ગોંડલના ગાઠિયા, કાંકરિયાની કાળી ટોપી લંબી મૂછની ખારેક, હાટકેશ્વરમાં કે.સી.ની પાવભાજી અને ચા પણ વખણાય છે. વધુમાં જણાવીએ તો વાડજના સોહરાબજી કમ્પાઉન્ડના દાલ-પકવાન, પાંચ કૂવાની ફૂલવડી, ઇન્દુબેન ખાખરાવાડાના ચણાજોર, ખાખરા અને ઢોસાના ખાખરા, દિનેશના ભજિયા, લક્ષ્મી બેકરીની પેટિસ, શ્રી રામના ખમણ, ઇન્કમ ટેક્સ પર પંડિતની સેન્ડવીચ, રેવડી બજારનો રબડી આઇસ્ક્રીમ, અંકુરના આણંદ દાલવડા પણ લોકોને ખૂબ જ ભાવે છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.