ગુજરાત જીવનશૈલી દિલધડક સ્ટોરી

ગુજરાતના કયા શહેરોની કઈ વાનગીઓ છે પ્રસિદ્ધ? તમને ખબર છે તો તમે પાક્કા ગુજરાતી છો

ગુજરાતીઓ વિશે એવું કહેવાય છે કે ગુજરાતીઓને ખાવા-પીવાનો અને ફરવાનો ખૂબ જ શોખ હોય છે. વિશ્વના ખૂણે-ખૂણે જઈને ગુજરાતીઓ વસતા છે અને ગુજરાતીઓને બીજી એક ખાસિયત કહો કે અપલક્ષણ – તેમને દુનિયાના કોઈ પણ ખૂણે લઇ જાઓ, બધે જ ગુજરાતી થાળી શોધવા લાગી જાય છે. ભલે કોઈ નવી વાનગી ટ્રાય કરશે પણ અંતે તો તેમને ગુજરાતી થાળી ખાધા પછી જ સંતોષ થાય છે. ત્યારે કોઈ બીજી જગ્યાના વતનીઓ જયારે ગુજરાત આવે ત્યારે તેઓ પણ ગુજરાતી થાળીનો સ્વાદ ચાખ્યા વિના પાછા નથી જતા અને જે-તે શહેરની પ્રખ્યાત વાનગીઓનો લ્હાવો પણ લે છે. ત્યારે ચાલો આજે જાણીએ ગુજરાતના જુદા-જુદા શહેરોની જુદી-જુદી પ્રખ્યાત જગ્યાઓની વાનગીઓ વિશે જણાવીશું –

Image Source

અમદાવાદ

અમદાવાદમાં લાલ દરવાજા નજીક લકી ટી સ્ટોલની ચા અને મસ્કાબન ત્યાંની કબરો સાથે ખાવાનો લ્હાવો પણ લેવો જોઈએ. સાથે જ રાયપુરના ભજીયા લેવા માટે તો રીતસરનું લાઈનમાં જ ઉભું રહેવું પડે છે. સાબરમતી જેલના ભજીયા પણ ચાખવા પડે એવા હોય છે. ગુજરાત કોલેજ પાસે મળતા દાળવડા ચોમાસામાં ખાવા માટે લોકો પડાપડી કરતા હોય છે. વિજય ચાર રસ્તા પાસેના આર કેના વડાપાંવ, અસર્ફીલાલની કુલ્ફી, કર્ણાવતીની દાબેલી પણ એક વાર તો ખાવા જેવી છે. સાથે જ જો ખાવાના ખૂબ જ શોખીન હોવ તો રાતે માણેક ચોક ચાલ્યા જાવ અને ત્યાં ગ્વાલિયર ઢોસા, ચોકલેટ સેન્ડવીચ અને પાવભાજી પણ ખાવી પડે એવી હોય છે.

Image Source

વડોદરા

વડોદરા જાઓ અને જગદીશનો લીલો ચેવડો અને ભાખરવડી ખાવા જ પડે અને ઘરવાળા માટે લઈને પણ જવા પડે. સાથે જ સવારે જય મહાકાળીના સેવ ઉસળ ખાઈને દિવસની શરૂઆત કરો તો દિવસ બની જ જાય. આની સાથે જ કોઠી ચાર રસ્તા પાસે મનમોહનના સમોસા, ડાયાભાઈના મૈસૂર મસાલા ઢોસા તથા મંગળબજારમાં પ્યારેલાલની કચોરી પણ લોકોને ખૂબ પસંદ આવે છે.

Image Source

સુરત

સુરત માટે તો કહેવત છે કે સુરતનું જમણ અને કાશીનું મરણ. સુરતમાં તમને વિવિધ પ્રકારની વાનગીઓ ખાવા મળી જશે જે લોકોમાં પણ ખૂબ જ પ્રિય છે. સુરતમાં ગોપાલનો કે જાની ફરસાણનો લોચો ખાવાનો, એ પછી ગોકુલમનો કોકો પીવાનો, ચોકબજારમાં રસવાળા ખમણ હોય કે પછી જય અંબેનું કોઈ પણ ગરમ-ગરમ ફરસાણ હોય. રામનગરમાં હોવ તો દિવસની શરૂઆત આલુપુરીથી કરવાની એટલે દિવસ સુધરી જાય. સુરતી સરસીયા ખાજા જે ગાંડાકાકાના ફાફડા ખાંડવાળાની શેરીમાં મળે છે. ટેક્સટાઇલ માર્કેટ પાસે પહેલવાનાના છોલે ભટુરે સુરતીલાલાઓમાં ખુબ જ જાણીતા છે. અને મોડી રાતે ચામુંડાની ચા મળી જાય એટલે દરેક સુરતીનો દિવસ બની જાય. નાનપુરા વિસ્તારમાં હોવ ત્યારે શ્રી સાઈનાથના ઢોસા પણ ખાવા પડે. પીપલોદ પર રાતે સ્ટ્રીટ ફૂડ પણ ખાવાની મજા લેવી જોઈએ.

Image Source

રાજકોટ

રાજકોટ જાઓ અને જો ચા પીવી હોય તો જય અંબે, ખેતલા આપા અને મોમાઈની ચા સારા વિકલ્પોમાંથી એક છે. આપણે ત્યાં કોઈ રાજકોટ જતું હોય તો રાજકોટથી ભગતના કે જય સિયારામના પેંડા મંગાવવાનો પણ એક રિવાજ છે. બાકી બીજી વાનગીઓ ખાવી હોય તો મયુરના ભજીયા, જોકર ગાંઠિયાનું ફરસાણ પણ લોકોમાં ઘણું પ્રિય છે જયારે ગુજરાતી થાળી ખાવી હોય તો ગ્રાન્ડ ઠાકર હોટલ જવું જોઈએ. જમ્યા પછી ગોળા, આસ્ક્રીમ કે કુલ્ફી જેવી વસ્તુ ખાવીઓ હોય તો રામ ઔર શ્યામના ગોલા, સોરઠિયાવાડી સર્કલની હંગામા કૂલ્ફી અને સોના-રૂપાનો કે પટેલનો આઇસ્ક્રીમ પણ ખાવાની મજા પડે એવો હોય છે.

Image Source

મહેસાણા

મહેસાણા જાઓ તો જીતુભાઇ સુખડિયાના દાળવડા ખાવા જોઈએ. સાથે જ શર્માજીના છોલે ભટુરે પણ અહીંના લોકોમાં ખૂબ જ પ્રિય છે. સાથે જ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબામાં જમવા જવાની પણ મજા આવશે. મહેસાણા જાઓ તો સ્ટવ ઓવન વાળા પીઝા પણ ખાવાનું ભૂલતા નહિ. માધવીના પેંડા પણ ખૂબ જ વખણાય છે. સાથે જ મહેસાણા હાઈવે પર આવેલી સહયોગ ડેરીના પેંડા વખણાય છે.

Image Source

ગાંધીનગર

ગુજરાતના પાટનગર ગાંધીનગર જવાની તક મળે અને જાઓ તો અહીં તમને ગાંઠીયારથના ગાઠીયા, મહાલક્ષ્મીના ખમણ અને પૂજાના ઢોકળા ખાવા માટે મળી જશે જે લોકોને ખૂબ જ પસંદ આવે છે. સાથે જ સેંધાના ગોટા પણ લોકોમાં ઘણા પ્રિય છે. સાથે જ અક્ષરધામ બાજુ જાઓ તો ત્યાંની ખીચડી ખાવાનું ભૂલતા નહિ અને નાસ્તામાં બીજા લોકપ્રિય વિકલ્પો તરીકે લક્ષ્મી બેકારીના પફ, પેટીસ અને નાનખટાઈ પણ ભાવશે અને હા, જમ્યા પછી તૃપ્તિનો આઈસ્ક્રીમ ખાવાનું ભૂલતા નહિ.

Image Source

જામનગર

જામનગર જાઓ તો રાજા-રજવાડાનો સમય યાદ ચોક્કસથી આવે પણ અહીં આવીને તેમને જો કશું ગળ્યું ખાવાની ઈચ્છા થાય તો અહીંના લોકોમાં એચ જે વ્યાસનો શિખંડ અને વલ્લભભાઈના પેંડા ખૂબ જ પ્રખ્યાત છે જે તમે પણ ટ્રાય કરી શકો. આ સિવાય નાસ્તો કરવો હોય તો જનતા ફાટકના વણેલા ગાંઠિયા, જગદીશનો ફાલુદો, ગિજુભાઈની ભેલપૂરી, ડ્રાયફ્રૂટની કચોરી જામનગર અને તેની આસપાસના વિસ્તારમાં ખૂબ જ પ્રસિદ્ધ છે. સાથે જ જમ્યા પછી આઈસ્ક્રીમ ખાવાની ઇચ્છા થાય તો ગીતાનો આઈસ્ક્રીમ અને પાન ખાવાની ઈચ્છા થાય તો જવ્હારના પાન પણ ખાઈ શકાય.

Image Source

જૂનાગઢ

જૂનાગઢમાં ગિરનાર ચઢીને આવો પછી ખાવાની ઈચ્છા થઇ જ આવે અને પછી જો તમને મોડર્નની લસ્સી મળી જાય કે ચામુંડાની મેંગો લસ્સી મળી જાય તો મજા જ પડી જાય. સાથે જ જો કશું ફરાળી ખાવાની ઈચ્છા થાય તો ચામુંડાની ફરાળી પેટીસ ખાઈને દિલ ખુશ થઇ જશે. અહીં બાપુના ભજીયા, સાગરના બટર પફ અને જનતાની ભેળ પણ લોકોને ખૂબ જ પસંદ આવે છે.

Image Source

અમરેલી

અમરેલીમાં ચક્કાભાઈની અને બસ સ્ટેન્ડની ચા લોકોમાં ખૂબ જ પ્રિય છે. સાથે જ જયહિંદનાં ગોટા પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. બપોરે જમવામાં જો ભગતનું ઊંધિયું મળી જાય અને સાંજે જમવામાં મહારાજના ભાજીપાંવ મળી જાય તો તો તમારો દિવસ સફળ થઇ ગયો ગણાય.

Image Source

ભુજ

ક્યારેય ભુજ ગયા હોવ તો ખબર હોય કે અહીંની પ્રખ્યાત વાનગીઓમાં પકવાન અને ગુલાબ પાકનો સમાવેશ થાય છે. અહીંની મુલાકાત લેતી દરેક વ્યક્તિ આ વાનગીઓનો સ્વાદ તો ચાખે જ છે. અહીં બાસુંદી ગોલા, રજવાડી ગોલા, સ્થાનિકો અને પ્રવાસીઓમાં ખૂબ જ પ્રિય છે.

Image Source

પાલનપુર

ઉત્તર ગુજરાતમાં આવેલા શહેર પાલનપુરમાં ચૂલા ઢોસા ખૂબ જ મજાની વાનગી છે, જેમાં ચોખાનો ઉપયોગ જરા પણ કરવામાં નથી આવતો, માત્ર રવામાંથી જ બને છે. અમી રેસ્ટોરન્ટની દાળબાટી, ભુદેવ નાસ્તા સેન્ટરના કાઢી પાલક પકોડા પણ ખૂબ જ પ્રખ્યાત છે. સાથે જ પાલનપુરમાં માધવીના પેંડા અને બદામ શેક ખૂબજ જાણીતા છે. નાસ્તામાં ઢાળવાસની કચોરી, શક્તિનું ખમણ અને પાતરા અને ભોગીલાલના સમોસા પણ અહીંના લોકોમાં અતિપ્રિય છે.

Image Source

સુરેન્દ્રનગર

ગુજરાતના એક નાના શહેર સુરેન્દ્રનગરમાં પણ તમને અહીંની પ્રસિદ્ધ વાનગીઓ તો ખાવા મળી જ જશે. અહીં 80 ફૂટ રોડ પર ભાભીના ભજીયા ખૂબ જ જાણીતા છે. અને શહેરની વચ્ચે આવેલા રાજેશના સમોસા ખાવા માટે પણ લોકો લાઈન લગાવીને ઉભા રહે છે. અને સિકંદરની સીંગ તો આપણે આજે પણ સુરેન્દ્રનગર કોઈ જતું હોય તો એમની પાસેથી જ મંગાવીએ છીએ. અને રાજેશ્વરીના સેવ-મમરાનું પણ એવું જ છે કે વિદેશમાં જઈને વસેલા લોકો પણ અહીંથી જ મંગાવે છે.

Image Source

બારડોલી

સુરત જિલ્લામાં આવેલા બારડોલી પાસેથી પસાર થાઓ તો અહીં થોડીવાર ઉભા રહીને જલારામના પાતરા ખાવાની મજા પણ અલગ જ છે. અને જો જમવાની ઈચ્છા થાય તો જલારામની ખીચડી પણ ખાઈ શકાય અને જલારામના ખમણ પણ અહીંના લોકોમાં ખૂબ જ પ્રિય છે. જમ્યા પછી ભારકાદેવીનો આસ્ક્રીમ પણ ખાવાની મજા આવે છે. અને જો ખીચડી ન ખાવી તો જેઠાની પાવભાજી પણ અહીં ખૂબ જ પ્રસિદ્ધ છે.

Image Source

ભાવનગર

ભગવનગર એમ તો રજવાડા વખતનું શહેર છે પણ અહીંનું ખાવાનું પણ ખૂબ જ ટેસ્ટી હોય છે. અહીંના ભગવતીનું સેવ ઉસળ લોકોને ખૂબ જ ભાવે છે. અને આજે પણ આખા ગુજરાતમાં શેઠ બ્રધર્સનો છાશનો મસાલો ખૂબ જ વખણાય છે. પણ જયારે ભાવનગરની વાત થતી હોય ત્યારે ભાવનગરી ગાંઠિયાને ભૂલી તો ન જ શકાય, અહીં દાસ અને જીવનભાઇના ગાંઠિયા લોકોને ખૂબ જ ભાવે છે.

Image Source

આણંદ

આણંદ એમ તો વિદ્યાર્થીઓમાં ખૂબ જ જાણીતું શહેર છે કારણ કે અહીં ઘણી કોલેજો આવેલી છે, પણ અહીં રહેતા કોલેજિયનોમાં રેલવે સ્ટેશનની દાબેલી, પાંડુના દાળવડા, અને યોગેશના ખમણ ખૂબ જ પ્રિય છે. પણ જો ક્યારેક ઘર જેવો હાંડવો ખાવાની ઈચ્છા થઇ આવે તો અહીં પરણેલા અને કુંવારા દરેક લોકો માટે સાસુજીનો હાંડવો હોય છે કે જે લોકોને ખૂબ જ ભાવે છે. સાથે જ જનતા ચોકડી મસ્તાનાની દાબેલી પણ અહીંના લોકોમાં ખૂબ જ પ્રિય છે.