ખબર

વડોદરાની હ્રદયદ્રાવક ઘટના, અંતિમવિધિ માટે શબવાહિની ન મળતા પરિવારે કરવું પડ્યુ આ કામ

વડોદરા શહેરમા કોરોનાની પરિસ્થિતિ વધુ ગંભીર ન હોવાની તંત્ર દાવો કરી રહ્યુ છે. તેવામાં બુધવારે શહેરમા એક ગંભીર ઘટના બની હતી. જેમા નાગરવાડામા રહેતી વૃદ્ધાનુ મોત નીપજતા તેમના મૃતદેહને હાથ લારી પર નાગરવાડાથી ખાસવાડી સ્મશાન સુધી લઈ જવામાં આવ્યો હતો.

એમ્બ્યુલન્સની કતારોથી હૉસ્પિટલના પાર્કિંગ છલકાઈ રહ્યા છે તેવામાં શહેરમાં એમ્બ્યુલન્સ અને શબવાહિનીઓ ખૂટી પડી હોય તેવી વિકટ સ્થિતિ છે. જો આ સ્થિતિમાં કોઈનું કુદરતી મૃત્યુ થાય તો તેમના માટે મૃતદેહ લઈ જવાની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી. વડોદરામાં એમ્બ્યુલન્સ અને શબવાહિની ન મળવાના કારણે એક 65 વર્ષીય વૃદ્ધાનો મૃતદેહ પરિવારને રેકડીમાં લઈ જવાની ફરજ પડી છે.

વડોદારમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. એવામાં શહેરના નાગરવાડા શાક માર્કેટ પાસે રહેતા 65 વર્ષીય એક વૃદ્ધાનું કુદરતી રીતે અવસાન થયું હતું. જો કે, પરિવારે અંતિમસંસ્કાર કરવા મૃતદેહને સ્મશાન સુધી લઇ જવા માટે એમ્બ્યુલન્સ અને શબવાહિની માટે અનેક સંસ્થાઓના સંપર્ક કર્યા પરંતુ વડોદરામાં કોરોના દર્દીઓમાં વધારો થાતા દર્દીઓને હોસ્પિટલ લઇ જવા એમ્બ્યુલન્સ તેમજ કોરોનાથી જે દર્દીઓના મોત થયા છે તેમના મૃતદેહોને સ્મશાન લઇ જવા માટે શબવાહિનીઓ વ્યસ્ત હતી.

પરિવારજનો દ્વારા સ્વજનના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે લઈ જવા માટે એમ્બ્યુલન્સ કે શબવાહિનીની વ્યવસ્થા ન થતાં આખરે લારીમાં મૃતદેહને મૂકી સ્મશાન યાત્રા કાઢી હતી. નાગરવાડાથી એક થી દોઢ કિલોમીટર દૂર આવેલી ખાસવાડી સ્મશાનમાં લારીમાં લઈ જવાતા મૃતદેહની અંતિમ યાત્રાને જોઈ પસાર થતાં લોકો પણ હવે હચમચી ઉઠયા હતા.

એમ્બ્યુલન્સ ન મળવાના કારણે પરિવારને 65 વર્ષીય વૃધ્ધાનો મૃતદેહ અંતિમ સંસ્કાર માટે લારીમાં લઈ જવાની ફરજ પડતા પરિવારજનો પણ દુઃખી થયા હતા. તો બીજી બાજુ લારીમાં નીકળેલી અંતિમ યાત્રા નાગરવાડાથી લઈ ખાસવાડી સ્મશાન સુધીના વિસ્તારમાં ચર્ચાનો વિષય બની હતી.