ગુજરાત ફિલ્મ સ્ટાર ધર્મેશ પરમારનું કેવી રીતે થયુ નિધન ? માતાએ જણાવી હકિકત

બોલિવુડ અભિનેતા રણવીર સિંહ સ્ટારર ફિલ્મ ‘ગલી બોય’ ફેમના રેપર ધર્મેશ પરમાર ઉર્ફે એમસી તોડફોડનું માત્ર 24 વર્ષની ઉંમરે જ નિધન થયુ હતુ. ધર્મેશનું હાર્ટ એટેકથી નિધન થયું હતું. ધર્મેશની માતાએ જણાવ્યું કે, ધર્મેશને છેલ્લા ચાર મહિનામાં બે વખત હાર્ટ એટેકના જોખમનો સામનો કરવો પડ્યો હતો. દૈનિક ભાસ્કર સાથેની વાતચીત દરમિયાન ધર્મેશની માતાએ દીકરાને યાદ કરતા કહ્યું કે, “મારા ઘરનો દીવો હંમેશા માટે બુઝાઈ ગયો.” મારો પુત્ર નાશિકમાં હોળી કાર્યક્રમમાં ગયો હતો. બીજા દિવસે એટલે કે 20 માર્ચના રોજ તેના મિત્રનો ફોન આવ્યો અને તેણે કહ્યું કે ધર્મેશનું નિધન થઈ ગયું છે. અમે પહેલા તો માન્યા જ નહીં. પણ પછી ખબર પડી કે આ સાચું છે.

તેમણે આગળ જણાવ્યુ કે, તે દિવસે ફૂટબોલ રમતા રમતા મારા પુત્રને ચક્કર આવ્યા હતા અને તે જમીન પર જ પડી ગયો હતો. મિત્રોએ તરત જ તેની છાતી દબાવી, પરંતુ તે ભાનમાં ન આવ્યો. ત્રણ લોકો તેને હોસ્પિટલ લઈ જતા હતા. પરંતુ નજીકમાં કોઈ હોસ્પિટલ ન હતી. ધર્મેશના પિતા 21 માર્ચના રોજ પાર્થિવ દેહને નાસિકથી મુંબઈ લાવ્યા હતા અને 22 માર્ચના રોજ તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ધર્મેશ હોળીના કાર્યક્રમ માટે ખૂબ જ ઉત્સાહિત હતો. જ્યારે તે નાસિક પહોંચ્યો ત્યારે અમે તેનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેનું મોબાઈલ નેટવર્ક કામ કરતું ન હતું.

તેમણે વધુમાં જણાવ્યુ કે, ધર્મેશના ફોનમાં નેટવર્કની સમસ્યા હોય તેવું આ પહેલીવાર નહોતું. આ વખતે પણ અમને લાગ્યું કે તે સુરક્ષિત રહેશે.અગાઉ ધર્મેશને બે વખત હાર્ટ એટેક આવ્યો હતો. લગભગ 4 મહિના પહેલા તે તેના મિત્રો સાથે લદ્દાખ ગયો હતો. ત્યાં તેને પ્રથમ હાર્ટ એટેક આવ્યો. જોકે તેણે આ વાત અમારાથી છુપાવી હતી. અમને લદ્દાખ વિશે થોડા મહિના પહેલા ખબર પડી જ્યારે ઘરે ફરીથી તેને હાર્ટ એટેક આવ્યો. તેની હાર્ટ સર્જરી પણ થઇ હતી. પરંતુ, તે જરાય આરામ કરતો ન હતો, તે ફક્ત રેપ પ્રત્યે ઉત્સાહી હતો. તેને જીવન કરતાં સંગીત વધુ પસંદ હતું.

તેમણે તૂટેલા હ્રદયથી કહ્યુ કે, આ વખતે મારું બાળક મારા હાથમાંથી છટકી ગયું અને હું કંઈ કરી શકી નહીં. કદાચ તેને ખ્યાલ હતો કે તે પાછો નહીં આવે એટલે તે હોળીના એક દિવસ પહેલા તેની બહેનો સાથે રક્ષાબંધન ઉજવવા ગયો. ધર્મેશને બે નાની બહેનો છે. ખબર નહીં નાસિક જતા પહેલા તેના મનમાં શું વિચાર આવ્યો કે તેણે તેની બહેનો સાથે રાખડી બંધાવી. રક્ષાબંધન ફક્ત તેણે તેની બહેનો સાથે જ નહીં પરંતુ કાકીની પુત્રીઓ સાથે પણ ઉજવી. રણવીર સિંહની ફિલ્મ ગલી બોયમાં ગીત ગાયા પછી, તે વધુ મહત્વાકાંક્ષી બન્યો.

તેમણે છેલ્લે કહ્યુ કે, તેને આશા હતી કે જે રીતે તેને આ ફિલ્મમાં ગાવાનો મોકો મળ્યો છે તે જ રીતે તે અન્ય ફિલ્મો માટે પણ ગાશે. તે બોલીવુડમાં પોતાનું નામ બનાવવા માંગતો હતો. પરંતુ, તેની ઈચ્છા અધૂરી રહી. તે ગયા પછી મારું ઘર અંધારું થઈ ગયું, મારા ઘરનો દીવો કાયમ માટે બુઝાઈ ગયો. હું શું કરું. તેના સાથીઓ ખૂબ રડતા હતા; હું તેના રેપ ક્યાંથી મેળવી શકું ? અંતિમ સંસ્કાર પહેલા ઘણી છોકરીઓએ તેના કાંડા પર રાખડીઓ બાંધી હતી. એમસી તોડફોડે ‘ગલી બોય’ માટે ‘ઈન્ડિયા 91’ ટ્રેક માટે રેપ કર્યું હતું.

ફિલ્મના કલાકારો રણવીર સિંહ અને સિદ્ધાંત ચતુર્વેદીએ સ્વર્ગસ્થ રેપરને શ્રદ્ધાંજલિ આપી હતી. રણવીર સિંહે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર રેપરનો એક ફોટો શેર કર્યો છે અને તેણે તેની સાથે તૂટેલા હૃદયનું ઈમોજી પણ શેર કર્યું હતુ. સિદ્ધાંત ચતુર્વેદીએ ધર્મેશ સાથેની વાતચીતનો સ્ક્રીનશોટ શેર કર્યો છે. તેણે તૂટેલા હૃદયના ઇમોજી સાથે લખ્યું, “RIP bro.” ‘ગલી બોય’ના દિગ્દર્શક ઝોયા અખ્તરે તેમને શ્રદ્ધાંજલિ આપતા લખ્યું, “તમે બહુ જલ્દી ચાલ્યા ગયા, RIP.#mctodfod.”

સૌજન્ય : દૈનિક ભાસ્કર

Shah Jina