“નેહા કક્કરનું ‘મૈંને પાયલ હે છનકાઈ” સાંભળીને મને ઉલ્ટી જ આવવાની બાકી હતી”, રીમેક ઉપર ભડકી ફાલ્ગુની પાઠક, જુઓ શું કહ્યું ?

બોલિવૂડમાં ફિલ્મો હોય કે ગીતો, મોટાભાગની જૂની રચનાઓ છેલ્લા કેટલાક સમયથી નવા તડકા સાથે પીરસવામાં આવી રહી છે. ખાસ કરીને ગીતોમાં આ ‘તડકા કલ્ચર’ સામાન્ય બની રહ્યું છે. આ અંગે અનેક ચર્ચાઓ થઈ છે અને ફરી એકવાર આવી ચર્ચાએ જોર પકડ્યું છે. નેહા કક્કરનો તાજેતરમાં જ રિલીઝ થયેલો મ્યુઝિક વીડિયો આ ચર્ચાનો એક ભાગ છે. વીડિયોમાં નેહાએ ફાલ્ગુની પાઠકના ગીત ‘મૈંને પાયલ હૈ છનકાઈ…’ને નવી રીતે રજૂ કર્યું છે.

નેહા કક્કર દ્વારા રિલીઝ કરવામાં આવેલ આ ગીતનું નામ ‘ઓ સજના’ છે, જે યુટ્યુબ પર રિલીઝ થયું છે. જો કે, નેહા કક્કરના 90ના દાયકાના આ સુંદર ગીત સાથે છેડછાડ કરવાનું લોકોને પસંદ ના આવ્યું અને એટલું જ નહીં, ખુદ ફાલ્ગુનીએ પણ નેહા કક્કરને ખરી ખોટી સંભળાવી છે. આ ઉપરાંત હવે ફાલ્ગુની પાઠકે આ ગીત પર લોકોની પ્રતિક્રિયાઓ ફરીથી શેર કરી છે.

મીડિયા સાથે વાત કરતા ફાલ્ગુની પાઠકે નેહા કક્કડના ગીત ‘મૈંને પાયલ હૈ છનકાઈ’ના રિમિક્સ વર્ઝન પર ચોંકાવનારી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે ‘મૈંને પાયલ હૈ છનકાઈ’ના રિમિક્સ વર્ઝનથી ગીતની મૌલિકતા તો બદલાઈ ગઈ છે અને સાથે જ ગીતની નિર્દોષતા, લાગણીઓ અને સત્વનો પણ નાશ થયો છે.

દિલ્હી ટાઈમ્સ સાથેની વાતચીતમાં ફાલ્ગુની પાઠકે નેહા કક્કરના રિમિક્સ વર્ઝન પર કહ્યું “મને રિમિક્સ વર્ઝન વિશે ત્રણ-ચાર દિવસ પહેલા ખબર પડી. એ ગીત સાંભળ્યા પછી મારી પહેલી પ્રતિક્રિયા સારી નહોતી. બસ મને ઉલ્ટી આવવાની બાકી હતી. એવું થઇ ગયું હતું !” ફાલ્ગુની પાઠકે વધુમાં કહ્યું કે “વીડિયો અને પિક્ચરાઇઝેશનમાં જે નિર્દોષતા હતી તે આ ગીતમાં સંપૂર્ણપણે નાશ પામી છે. રીમિક્સ કરવામાં આવી રહ્યા છે, પરંતુ તે યોગ્ય રીતે કરો. જો તમારે યુવા પેઢી સુધી પહોંચવું હોય તો ગીતની લય બદલો, પણ તેને સસ્તું ન બનાવો. ગીતની મૌલિકતા, લાગણીઓ, સાર… નિર્દોષતા જાળવી રાખો, ગીતની મૌલિકતાને નષ્ટ કરશો નહીં.”

નેહા કક્કરે પણ મૌન તોડ્યું હતું અને ફાલ્ગુની પાઠક અને હેટર્સને જવાબ આપ્યો હતો. નેહાએ એક પોસ્ટ શેર કરી અને લખ્યું- મેં જીવનમાં જે મેળવ્યું છે, દુનિયામાં બહુ ઓછા લોકોને નસીબ હોય છે. તે પણ ખૂબ નાની ઉંમરે…ખ્યાતિ, અસંખ્ય સુપરહિટ ગીતો, સુપરડુપર હિટ ટીવી શો, વર્લ્ડ ટૂર, બાળકોથી લઈને 80-90 વર્ષના ફેન્સ અને શું શું નહીં. શું તમે જાણો છો કે મને આ બધું કેવી રીતે મળ્યું? મેં આ બધું પ્રતિભા, જુસ્સા, સખત મહેનત અને સકારાત્મકતાના બળ પર મેળવ્યું છે. આજે મારી પાસે જે છે તેના માટે હું ભગવાનનો આભાર માનું છું. હું ભગવાનનો વિશેષ બાળક છું અને આ માટે આપ સૌનો આભાર માનું છું.

Niraj Patel