આ ગુજરાતી ફિલ્મે બોક્સ ઓફિસ ઉપર મચાવી દીધી છે ધમાલ, “લાલ સિંહ ચઢ્ઢા”, રક્ષાબંધન” અને “દોબારા”ને પણ હંફાવી દીધા

બોલિવુડની ફિલ્મો હાલ બોયકોટનો સામનો કરી રહી છે, જેના કારણે હાલમાં જ આવેલી આમિર ખાનની ફિલ્મ “લાલ સિંહ ચઢ્ઢા” અને અક્ષય કુમારની ફિલ્મ “રક્ષાબંધન” સુપર ફ્લોપ જાહેર થઇ ગઈ છે. આ ફિલ્મો બોક્સ ઓફિસ ઉપર સારી કમાણી કરી શકી નથી, ત્યારે હાલમાં જ તાપસી પન્નુની “દોબારા” ફિલ્મ પણ રિલીઝ થઇ છે, પરંતુ ગુજરાતની અંદર એક એવી ગુજરાતી ફિલ્મ આવી છે જે આ બધા ઉપર ભારે પડી ગઈ છે.

અમે વાત કરી રહ્યા છે ફિલ્મ “ફક્ત મહિલાઓ માટે”ની. જે હાલ બોક્સ ઓફિસ ઉપર ધમાલ મચાવી રહી છે, ફિલ્મ રિલીઝ થયાના બે દિવસમાં જ થિયેટર દર્શકોથી છલકાઈ ઉઠ્યા છે અને આ ફિલ્મ જોવાનો લ્હાવો પણ માણી રહ્યા છે. વળી આ ફિલ્મની અંદર બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચને પણ ગેસ્ટ એપીરીયન્સ આપ્યો હોવાના કારણે પણ આ ફિલ્મ દર્શકોમાં ખુબ જ રોચક બની ગઈ છે.

“ફક્ત મહિલાઓ માટે” ફિલ્મમાં મુખ્ય અભિનેતા તરીકે યશ સોની અને અભિનેત્રીમાં દીક્ષા જોશી જોવા મળી રહી છે. આ ઉપરાંત ફિલ્મમાં ભાવિની જાની, તર્જની ભાડલા, પ્રશાંત બારોટ અને કલ્પના ગાગડેકર પણ જોવા મળી રહ્યા છે. આ ફિલ્મની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ત્યારે હવે ફિલ્મ રિલીઝ થતા જ દર્શકો પણ મોટી સંખ્યામાં થિયેટરમાં આ ફિલ્મ નિહાળી રહ્યા છે.

મીડિયા રિપોર્ટ અનુસાર “ફક્ત મહિલાઓ માટે” ફિલ્મે તેના રિલીઝ થયાના પહેલા જ દિવસે 1 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. જે અત્યાર સુધીની ગુજરાતી ફિલ્મોનો સૌથી વધુ બિઝનેસ માનવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત આ ફિલ્મે ઘણી બધી ફિલ્મોને પણ પછાડી દીધી છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયા બાદ જ દર્શકો આ ફિલ્મને લઈને ખુબ જ ઉત્સાહિત હતા.

“ફક્ત મહિલાઓ માટે” ફિલ્મનું ગ્રાન્ડ પ્રીમિયર પણ અમદાવાદમાં થલતેજ પીવીઆરમાં યોજાયું હતું, જેમાં આ ફિલ્મની સ્ટારકાસ્ટ સાથે ગુજરાતી ઇન્ડસ્ટ્રીના ઘણા બધા કલાકારો પણ હાજર રહ્યા હતા. જય બોડાસ દ્વારા દિગ્દર્શિત, આનંદ પંડિત અને વૈશાલ શાહ દ્વારા સંયુક્ત રીતે નિર્મિત આ ફિલ્મ એક સંપૂર્ણ ફેમલી ડ્રામા કોમેડી ફિલ્મ છે.

આનંદ પંડિતે ફિલ્મના પ્રીમિયર પહેલા યોજાયેલી પ્રેસ કોન્ફ્રન્સમાં પણ ફિલ્મ વિશેની ઘણી બધી વાતો જણાવી હતી, સાથે જ તેમણે આ ફિલ્મમાં અમિતાભ બચ્ચનના ગેસ્ટ એપીરીયન્સ અને ફિલ્મના તેમના અવાજમાં બેકગ્રાઉન્ડ ડાયલોગ વિશે પણ ખુલીને વાત કરી હતી, આ સાથે જ અમિતાભ બચ્ચન સાથેના શૂટિંગનો અનુભવ પણ વર્ણવ્યો હતો. ફિલ્મ ક્રિટીક્સ પણ આ ફિલ્મ આગામી દિવસોમાં બોક્સ ઓફિસ ઉપર જોરદાર ધમાલ મચાવે તેવી શક્યતા વ્યક્ત કરી રહ્યા છે.

Niraj Patel