ગુજરાતમાં એક વ્યક્તિએ નકલી ટ્રિબ્યુનલ બનાવી અને પોતાને જજ ગણાવી ચુકાદાઓ આપ્યા, ગાંધીનગરમાં તેણે તેની ઓફિસમાં વાસ્તવિક કોર્ટ જેવું વાતાવરણ ઊભું કર્યું. આરોપીનું નામ મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચયન છે. આર્બિટ્રેટર (મધ્યસ્થ) તરીકે નકલી જજ મોરીસે તેના નામે અબજો રૂપિયાની લગભગ 100 એકર સરકારી જમીન હસ્તગત કરીને આદેશો પસાર કર્યા. આશ્ચર્યની વાત એ છે કે આ નકલી કોર્ટ છેલ્લા પાંચ વર્ષથી ચાલી રહી હતી.
અમદાવાદ પોલીસે નકલી જજ બની લોકોને છેતરવા બદલ મોરીસની ધરપકડ કરી છે. મોરીસ એવા લોકોને ફસાવતો હતો જેના જમીન વિવાદના કેસ સિટી સિવિલ કોર્ટમાં પેન્ડિંગ હતા. તે તેના ગ્રાહકો પાસેથી કેસોના ઉકેલ માટે ફી તરીકે કેટલાક પૈસા લેતો હતો. મોરીસે પોતાને કોર્ટ દ્વારા નિયુક્ત અધિકૃત લવાદ તરીકે વર્ણવ્યો હતો.
ત્યારે નકલી જજ અને કોર્ટ ઊભી કરી અબજો રૂપિયાની કિંમતની સરકારી જમીનો ખાનગી વ્યક્તિઓને આપી દેવાના કૌભાંડમાં મોરીસ સેમ્યુઅલની ધરપકડ કરાઇ છે. હાલમાં તેનો વધુ એક કાંડ સામે આવ્યો છે. આ નકલી જજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની નારોલ અને શાહવાડીની પાંચ જમીનમાં લવાદ તરીકે ઓર્ડર કર્યા હતા. હજારો કરોડની જમીનના ખોટા ઓર્ડર કરી નાંખતા AMC હવે સફાળું જાગ્યું છે.
આ ઓર્ડરમાં નકલી જજ મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયનનું નામ અને સહી પણ દેખાય છે.અમદાવાદના નારોલ-શાહવાડી વિસ્તારમાં આવેલ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની પાંચ જમીન જે કરોડો રૂપિયાની કિંમતની છે તેના બારોબાર આરોપી મોરીસે ઓર્ડર કરી દીધા. AMCની પાંચ જમીનના લાભાર્થી વિનસેન્ટ ઓલીવર કાર્પેન્ટરની તરફેણમાં વર્ષ 2018માં ઓર્ડર કરી દેવાયા હતા.
મીડિયા સાથેની વાતચીતમાં AMCના લીગલ કમિટીના ચેરમેન પ્રકાશ ગુર્જરે જણાવ્યું કે, નારોલ અને શાહવાડી વિસ્તારમાં સર્વે નંબર 102, 107, 117, 118 અને 138ની જમીનના નકલી લવાદ તરીકે મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયને ઓર્ડર કરી દીધા હતા. આ પૈકી સર્વે નંબર 102ની જમીનનું કુલ ક્ષેત્રફળ 2.47 લાખ ચોરસ મીટર છે અને 117નું 7183 ચોરસ મીટર છે. જો કે ચોંકાવનારી વાત તો એ છે કે મ્યુનિસિપલ કોર્પોરેશનના લીગલ વિભાગમાં કોઈએ આ ઓર્ડર સાચા છે કે નકલી તે ચકાસવાની કોશિશ નહોતી કરી.