ખબર

રાજકોટમાં 10મું ધોરણ ભણેલો વ્યક્તિ બની બેઠો હતો ડોક્ટર, ભાઈને બનાવ્યો કમ્પાઉન્ડર, આ રીતે થયો ઝોલઝાલ ડોક્ટરનો પર્દાફાશ

ઘણા લોકો ડોક્ટરની ડિગ્રી લીધા વગર જ સીધા ડોક્ટર બની બેસે છે, અને આવા ઝોલઝાલ ડોકટરો ખાસ કરીને ગામડામાં પોતાના દવાખાના શરૂ કરતા હોય છે, જ્યાં કોઈપણ વ્યક્તિ તેમને સરળતાથી ઓળખી  પણ નથી શકતા.

રાજકોટમાં છેલ્લા કેટલાય દિવસથી ઝોલઝાલ ડોકટરોને પકડવાનું કામ ચાલી રહ્યું છે ત્યારે રાજકોટ શહેરના ચાંચડિયા ગામે “સોમનાથ ક્લિનિક”ના નામથી દવાખાનું ચલાવી રહેલો 10 પાસ ડોક્ટર ધનજી માવજીભાઈ સોરાણી પણ ઝડપાયો છે.

ધનજી પાસે કોઈપણ જાતની તબીબી ડિગ્રી નથી. તે માત્ર 10મુ ધોરણ પાસ છે અને ત્યારબાદ નર્સિંગના અભ્યાસમાં જોડાઈને આ અભ્યાસ અધૂરો જ છોડી ચાંચડીયા ગામે સોમનાથ ક્લિનિક ચલાવી રહ્યો હતો. આ ક્લિનિકમાં તેને પોતાના ભાઈને જ કમ્પાઉન્ડર તરીકે પણ રાખી લીધો હતો.

ધનજી છેલ્લા દોઢ વર્ષથી આ ગામની અંદર પોતાનું દવાખાનું ચલાવી રહ્યો હતો. પોતાને કઈ ખબર ના પડતી હોવા છતાં પણ તે દર્દીને લોહીના રિપોર્ટ અને એક્સ-રે કરાવવા માટે પણ મોકલતો હતો. જો કેસ વધુ ગંભીર લાગે તો તેને બીજી હોસ્પિટલમાં રીફર પણ કરતો હતો.

પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. ધનજી ઉપર આઇપીસી ૪૧૯, મેડિકલ પ્રેકટીશનર એકટ હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે. અલગ-અલગ પ્રકારની દવાઓ, બાટલાઓ, ઇન્જેકશન સહિત રૂ. ૧૫૮૩૦ની ૨૭ ચીજવસ્તુઓ કબ્જે કરવામાં આવી હતી.