જન્મ અને મૃત્ય, મૃત્ય અને જન્મ, જીવન ચક્રની બે મહત્વની ઘટનાઓ છે. જેનો જન્મ થાય એનું મૃત્યુ નિશ્ચિત જ હોય છે. જન્મવાની સાથે જ વ્યક્તિ પોતાની મરણતીથિ નક્કી કરીને આવ્યો હોય છે. દરેક વ્યક્તિને પણ આ એક પરમ સત્યનું જ્ઞાન હોય જ છે. પરંતુ આપણા દેશમાં કોઈના જન્મ પર પણ ઉત્સવ મનાવીને લોકોને જમાડવાની પ્રથા છે અને કોઈના મૃત્યુ પામવા પર પણ તેમના પાછળ લોકોને જમાડવાની પ્રથા છે. મૃત્યુ પછી બારમા-તેરમા દિવસે ગામના લોકોને જમાડવાની પ્રથા છે. આ પ્રથા વિશે મહાભારતમાં ઉલ્લેખ છે.
જન્મ હોય કે મરણ, બંને જ મનુષ્યના જીવન ચક્ર છે અને તેના માટે વ્યક્તિ કંઈ કરી પણ નથી શકતા, પરંતુ જન્મથી લઈને મૃત્યુ સુધી કેટલીક એવી પરંપરાઓ છે, કે જેમાં મનુષ્યને બાંધી દેવામાં આવ્યા છે, જકડી લેવામાં આવ્યા છે અને એટલે જ તેઓ બસ આ પરંપરાઓને ફક્ત ચલાવતા આવે છે. આવી જ એક પરંપરા છે મૃત્યુભોજની પરંપરા, જેના વિશે તમે જાણતા પણ હશો તો એટલું જ કે ઘણા લાંબા સમયથી ચાલી આવતી પ્રથા છે અને કહેવાય છે કે લોકોને અને આખા ગામને તેરમા વખતે પોતાના તરફથી જમાડવા જોઈએ.

કોઈને ભોજન કરાવવું સૌથી મોટું પુણ્યનું કામ હોય છે. હિંદુ ધર્મમાં એવા ઘણા અવસર આવે છે, જેમાં આપણે બીજા લોકોને ઘરે બોલાવીને ભોજન કરાવીએ છીએ. અને હિંદુ ધર્મના દરેક નિયમોની ચુસ્ત રીતે પાલન કરવું પડે છે. અને તે પરંપરાઓમાંથી એક એવી પણ પરંપરા છે, જે સમાજમાં ઘણા વર્ષોથી ચાલતી આવે છે. કુટુંબના કોઈ પણ એક સભ્યના મૃત્યુના શોકમાં બનાવવામાં આવતા ભોજને મૃત્યુ ભોજન કહે છે. એટલે કે જે ભોજન શોકમાં અથવા તો રડતાં રડતાં બનાવવામાં આવે છે અથવા તો રડતા રડતાં ખાવામાં આવે છે એ ભોજને મૃત્યુ ભોજન કહેવાય છે. આ એક પ્રકારનો સામાજિક કુરિવાજ છે.
આ સંબંધિત મહાભારતમાં એક ઉલ્લેખ મળે છે કે જયારે ભગવાન કૃષ્ણ દુર્યોધન પાસે યુદ્ધ પહેલા સંધિ કરવા માટે જાય છે, અને તેનો આ પ્રસ્તાવ નકારી દેવામાં આવે છે. ત્યાર પછી તેઓ નક્કી કરે છે કે યુદ્ધ થશે અને કૃષ્ણ ત્યાંથી જવા લાગે છે ત્યારે દુર્યોધન તેમને જતા વખતે ભોજન કરવાનું કહે છે.

જેના પર ભગવાન કૃષ્ણ કહે છે, “सम्प्रीति भोज्यानि आपदा भोज्यानि वा पुनै:” એટલે કે જ્યાં પ્રેમ હોય ત્યાં જ ભોજન કરવું જોઈએ, જ્યાંના વાતાવરણમાં શોક કે તકલીફ હોય ત્યાં કરવામાં આવેલું ભોજન અશુભ હોય છે. જો આ વાતને તેરમાના ભોજન સાથે જોડવામાં આવે તો અહીં પણ આ વાત એકદમ સચોટ રીતે બંધ બેસે છે. કારણકે આવા દુઃખભર્યા માહોલમાં ભોજન કરાવવામાં આવે છે એ ક્યારેય પણ ઉચિત નથી લાગતું, પણ કરાવવામાં આવે છે.
આ બધી પ્રથાઓ છે જે કશેને કશે ખોટી તો છે જ અને જાણવા છતાં પણ તેને ચલાવતા આવે છે. લોકોને ખબર છે કે આગળ પણ જો આ પ્રથાઓ નહિ રોકવામાં આવે તો આ બધું ચાલતું જ રહશે. એટલા માટે જરૂરી છે કે આ પ્રથાઓ પર થોડું વિચારીને અમલ કરવામાં આવે, અને આવું થઇ પણ રહ્યું છે. ઘણી જગ્યાઓ પર લોકોએ મૃત્યુભોજ જેવી પ્રથા બંધ કરી દીધી છે.

એક રીતે જો જોવામાં આવે તો માણસથી વધુ સમજુ તો જાનવર હોય છે. કેમ કે તે તેના સાથીદારના મોત પછી દિવસે કંઈ આરોગતુ નથી. અને આપણે આ વાત જાનવરો પાસેથી શીખવી જોઈએ. જયારે 84 લાખ યોનીઓમાં શ્રેષ્ઠ માનવ, યુવાન માણસના મૃત્યુ ઉપર હલવા પૂરી ખાઈને શોક મનાવવાનો ઢોંગ રચે છે. આ વાત શરમજનક છે. તો કોઈના મૃત્યુ પાછળ અને કોઈના દુઃખ પર આવું ભોજન ગ્રહણ કરતા પહેલા વિચારવું જોઈએ. તો આજ પછી ક્યારેય મૃત્યુભોજન ગ્રહણ નહીં કરીએ બસ તેમના દુઃખ વહેંચવામાં ભાગીદાર બનવું જોઈએ.

આપણા હિંદુ ધર્મમાં કુલ સોળ સંસ્કારોનો સમાવેશ કરવામાં આવેલ છે. આ કુલ સોળ સંસ્કારોમાંથી પ્રથમ છે ગર્ભાધાન અને અંતિમ અંત્યેષ્ટિ છે. પણ આ ઉપરાંત સતરમો સંસ્કાર તેરમાને ગણાયો છે. પણ તેમાં મૃત્યુભોજનનો કોઈ ઉલ્લેખ નથી. આ ઉપરાંત મહાભારતમાં પણ કહેવામાં આવ્યું છે કે મૃત્યુભોજનમાં એ પરિવારનું દુઃખ અને આંસુઓનો સમાવેશ થયેલ હોય છે જેથી તેનું ગ્રહણ ન કરવું જોઈએ.
તમારું શું માનવું છે? કમેન્ટમાં જણાવો.