હવે ગુજરાતમાં આ જગ્યાએથી ઝડપાયું નકલી સૅનેટાઇઝર બનાવવાનું કારખાનું, લોકોના સ્વાસ્થ્ય સાથે કરી રહ્યા છે ચેડાં, સંચાલકો ફરાર

કોરોના આવવાની સાથે ઘણા લોકો એવા પણ છે જે માનવતા ભૂલી ગયા છે અને પોતાના ખિસ્સા ભરવા માટે લોકોના સ્વાસ્થ્ય સાથે પણ ચેડાં કરી રહ્યા છે. નકલી રેમડેસિવિરના કારખાનાઓ બાદ હવે નકલી સૅનેટાઇઝર બનાવવાનું કારખાનું પણ ગુજરાતમાં ધમધમતું જોવા મળ્યું. જેમાં પોલીસે રેડ પાડી અને પર્દાફાશ કર્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસ દ્વારા ઓલપાડ તાલુકાના બોલાવ જી.આઈ.ડી.સી વિસ્તારમાંથી નકલી સેનેટાઇઝર બનાવતી ફેકટરી ઝડપી પાડવામાં આવી છે. થોડા સમય પહેલા જ ઓલપાડ તાલુકાના જ એક ગામ પાસેથી નકલી રેમડેસિવિર બનાવવાનું કૌભાંડ પણ સામે આવ્યું હતું.

જેના બાદ હવે બોલાવ ગામે આવેલ જી.આઈ.ડી.સીમાંથી નકલી સેનેટાઇઝર બનાવવાનું કૌભાંડનો કીમ પોલીસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર કીમ પોલીસે બાતમીના આધારે મોડી સાંજે બોલાવની એક ફેક્ટરી પર રેડ કરી હતી. જ્યાં નજારો જોતા કીમ પોલીસ પણ આશ્ચર્યચકિત બની ગઈ હતી.

પોલિસે સ્થળ પરથી કે.એલ.૦૫.એ.ટી. ૮૧૧૫ નંબરની એક ટ્રક સાથે મોટા પ્રમાણમાં નકલી સેનેટાઇઝર મળી આવ્યું હતું. પોલીસને જોતા કારીગરો અને સંચલકોમાં નાશભાગ મચી ગઈ હતી આ તકનો લાભ લઇ ફેક્ટરીમાંથી કારીગરો તેમજ સંચાલકો સ્થળ પરથી ભાગી છૂટવામાં સફળ થયા હતા. જોકે કીમ પોલીસ દ્વારા એફ.એસ.એલ તેમજ ડ્રગ વિભાગ ને જાણ કરવામાં આવી હતી અને મોડી રાત સુધી પણ પોલીસની કાર્યવાહી ચાલુ હતી.

પોલીસને આ છાપામારી દરમિયાન બોલાવની આ ફેકટરીમાંથી મોટી સંખ્યામાં સેનેટાઇઝરની નાનીમોટી બોટલો મળી આવી હતી. જેના ઉપર એકજ નામના સ્ટીકરને બદલે સંચાલકો કારીગરો પાસે જુદા જુદા ભળતા નામના જ સ્ટીકર બનાવી નાની મોટી સેનેટાઇઝરની બોટલ પર ચિપકાવી દેતા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે આ કોરોના મહામારી દરમિયાન ઓલપાડ તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં નકલી સામગ્રી બનાવવાના કિસ્સાઓ સામે આવ્યા છે. નકલી સૅનેટાઇઝર અને નકલી રેમડેસિવિરની ફેકટરીઓ પણ ઓલપાડના ગ્રામ્ય વિસ્તારોમાંથી જ ઝડપાઇ છે.
(સાભાર: દિવ્ય ભાસ્કર)

Niraj Patel