લેખકની કલમે

ફેક્ટરીમાં મૂળ તો મજૂરી જ કરવાની અને સોનલ દેખાવડી એટલે સૌ પુરુષ કામદારની નજર એના પર હોય ! સોનલ સાંજે ઘરે આવે અને વાંચો સ્ટોરી

“બેટા, લે આ દસ રૂપિયા અને કિંજલ માટે બિસ્કિટ લઈ આવ !”
સોનલે તેના દીકરા શિશિરને કહ્યું. સોનલના પતિનું અવસાન છ મહિના પહેલા થયું હતું અને પહેલેથી જ સોનલે ગરીબી સહન કરી હતી. સોનલ દિવસે એક ફેક્ટરીમાં નોકરી કરતી અને સાંજે ઘરે બાળકોને રાખતી. સોનલને બે સંતાન, શિશિર દસ વર્ષનો અને કિંજલ છ મહિનાની હતી. જ્યારે સોનલ કામ પર જાય ત્યારે શિશિર સ્કૂલે હોય અને કિંજલને પડોશમાં સાચવવા આપી જાય ! પડોશી રીમાબેને સોનલને કહ્યું,

“સોનલબેન, તમે તમારા પિયર કેમ નથી જતાં ?”
સોનલે કહ્યું, “શું કરું રીમાબેન, મારા પિયરમાં પણ આટલી જ ગરીબી છે અને ત્યાં જાઉં એટલે બધાને હેરાન થવું પડે !”
“તો બીજા લગ્ન કરી લે ને !” “ના..ના… રીમાબેન એ તો શક્ય જ નથી !”

આમ કિંજલને આપી અને સોનલ તો કામ પર ચાલી, ફેક્ટરીમાં મૂળ તો મજૂરી જ કરવાની અને સોનલ દેખાવડી એટલે સૌ પુરુષ કામદારની નજર એના પર હોય !
સોનલ સાંજે ઘરે આવે અને તરત જ આવીને કિંજલને ધવડાવતી !
એક વિધવા સ્ત્રીની વ્યથા જોઈને આજુબાજુના સૌ લોકો સોનલને થોડાક પૈસા આપી જતાં, પરંતુ સોનલ એકપણ રૂપિયો ન લેતી !
સોનલનો દીકરો શિશિર બોલ્યો,
“મમ્મી….મમ્મી…. મને બહુ ભૂખ લાગી છે” “બેટા, તને હમણાં મમ બનાવી આપું !” “મમ્મી દરરોજ હું ખીચડી જ ખાઉં છું !” “બેટા, આજે તારી માટે મેગી બનાવું !”

એક ભૂખ્યો દીકરો અને વિધવા મા વચ્ચેની વાતચીત ખૂબ જ સંવેદનશીલ હતી.
નાની દીકરી કિંજલ રડતી હતી અને જમવાનું બનાવતાં બનાવતાં વચ્ચે સોનલ તેને શાંત કરે…. શિશિર એની બહેનનું બરાબર ધ્યાન રાખે ! એક દિવસ પડોશમાં જમણવાર હતો અને શિશિરે એની મમ્મીને કહ્યું,

“મમ્મી….મારે પણ ત્યાં જમવા જાઉં છે !” “બેટા, આજે ઘરે જમી લે, આપણે કાલે જઈશું !” સોનલને તો આમંત્રણ હતું, પણ તેની પાસે કોઈ નવા કપડાં નહોતા, તેથી તે જમવા પણ ન ગઈ. પડોશમાં રહેતો મુકેશ આવ્યો,
“આવોને….મુકેશભાઈ !” “કેમ છો સોનલબેન ?”

“હું એકદમ મજામાં, તું બોલ !” “સોનલબેન તમારી માટે ટિફિન લાવ્યો છું !” “મુકેશભાઈ, હું ઘરે જમવાનું બનાવું જ છું ને !” “હા, મને ખ્યાલ છે અને તમે આ ટિફિન ના લીધુ તો આ ભાઈ ના સમ !” મુકેશ સોનલની પાડોશમાં જ રહેતો અને સોનલને પોતાની બહેન સમાન જ ગણતો. મુકેશ સોનલ માટે ઘણીવાર કપડાં લાવતો, પણ સોનલનું સ્વાભિમાન ખૂબ જ ઊંચું હતું !

એક દિવસ સોનલ બીમાર પડી, શિશિર એની મમ્મીના માથા પર પાણીના પોતા મુક્યા, આમ સોનલ ત્રણ દિવસ સુધી બીમાર હતી. એક દિવસે શિશિરને સ્કૂલે જવાનું હતું અને શિશિર બોલ્યો, “મમ્મી, હું નાસ્તામાં શું લઈ જાઉં ?”“ઉભો રે બેટા, હું તને કંઈક બનાવી આપું !”
સોનલે ઉભા થવાનો પ્રયાસ કર્યો, પણ ઉભી ન થઈ શકી ! સોનલે ગાદલા નીચેથી પાંચ રૂપિયા કાઢીને શિશિરને આપ્યા અને કહ્યું, “બેટા, દુકાનથી કંઈક લઈ લેજે !” કિંજલ રડતી હતી અને સોનલ તેને સાંજની પડેલી ખીચડી ખવડાવવા લાગી ! સાંજે શિશિર ઘરે આવ્યો અને જોયું તો એની મમ્મીનું શરીર ખૂબ જ ગરમ હતું અને શિશિર કાંઈ પણ વિચાર્યા વગર બાજુમાંથી મુકેશને બોલાવી લાવ્યો અને મુકેશ સોનલને હોસ્પિટલ લઈ ગયો.

સોનલે કહ્યું,
“ભાઈ, તું કેમ આટલી તકલીફ લે છે ?” મુકેશે કહ્યું, “અરે…સોનલબેન આતો મારે તમને કહેવું જોઈએ”
“ભગવાને જે પરિસ્થિતિ આપી છે એનો સામનો તો કરવો ને !” “ભગવાને તમને આ ભાઈ પણ આપ્યો છે ! ચાલો તમારી નહીં તો તમારા બાળકોનું તો કંઈક વિચારો”
સોનલ કંઈ ન બોલી, સોનલને ટાઇફોઇડ હતો અને મુકેશ સોનલને સારી હોસ્પિટલમાં લઈ ગયો હતો અને મુકેશ અને એની પત્ની સોનલની સંભાળ રાખતાં !મુકેશે કહ્યું,
“સોનલબેન, હું તમને એક સારી નોકરી શોધી આપીશ એટલે તમારી બધી જ તકલીફો દૂર થઈ જશે !”
મુકેશ સોનલ માટે એક શિક્ષિકાની નોકરી શોધે છે અને એક ભાઈનું કર્તવ્ય નિભાવે છે.

એક મા તરીકે સ્વાવલંબી અને સ્વાભિમાની સોનલ પોતાના જીવનની નવી શરૂઆત કરે છે.

– પ્રદિપ પ્રજાપતિ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર