Fact Check ખબર જાણવા જેવું

રામાયણમાં ત્રિજટાનું પાત્ર નિભાવ્યું હતું આ ગુજરાતી અભિનેત્રીએ, જન્મ દિવસના દિવસે જ આપવામાં આવ્યો હતો અગ્નિદાહ

લોકડાઉનમાં રામાયણનું પુનઃ પ્રસારણ શરૂ થયું અને રામાયણમાં અભિનય કરનાર અભિનેતાઓના જીવન વિષે પણ ઘણી નવી નવી વાતો જાણવા મળવા લાગી, થોડા દિવસ પહેલા જ સોશિયલ મીડિયામાં એક અફવાએ જોર પકડ્યું હતું કે રામાયણમાં લંકાની એક રાક્ષસી જેને ખાસ રાવણની પત્ની મંદોદરીએ માતા સીતાની સેવા કરવા માટે મોકલી હતી. અને રાક્ષસી હોવા છતાં પણ જેને સીતા માતાની ખુબ કાળજી લીધી હતી એ ત્રિજટાનું પાત્ર આયુષ્માન ખુરાનાની સાસુએ નિભાવ્યું હતું, પરંતુ આયુષ્માનની પત્ની તાહિરા કશ્યપે આ વાતનો ખુલાસો ટ્વીટર ઉપર ટ્વીટ કરીને કર્યો હતો કે તેની માતાએ આ અભિનય નહોતો કર્યો. જેના બાદ રામાયણમાં અભિનય કરનારા અભિનેતાઓ પાસેથી આ વાતની પુષ્ટિ કરવામાં આવી, જેમાંથી કોઈને ખબર નહોતી કે ત્રિજટાનો અભિનય કઈ અભિનેત્રીએ કર્યો છે.

રામાયણમાં લક્ષ્મણનું પાત્ર ભજવનાર સુનિલ લહેરીને પૂછવામાં આવ્યું ત્યારે તેમને પણ જણાવ્યું કે “મારા સીનમાં તેમનો રોલ નહોતો જેના કારણે એ કોણ હતા એ મને ખબર નથી” ત્યારબાદ સીતાનો અભિનય કરનાર અભિનેત્રી દીપિકા ચિખલિયાને જયારે પૂછવામાં આવ્યું ત્યારે તેમને પણ કહ્યું કે: “હું તેમની સાથે વધારે વાત નહોતી કરતી, પરંતુ એટલું જાણું છું કે તે સુરતથી આવતા હતા, તે કોઈ અભિનેત્રી નહોતા, એક સાધારણ મહિલા હતા. તેમને કોઈ બાળક નહોતું, પરંતુ રામાયણમાં કામ કરવા પછી તેમને એક દીકરી જન્મી હતી. તે કહેતા હતા કે રામાયણમાં કામ કર્યું છે જેના કારણે મને દીકરી જન્મી છે. આ વાતની ચર્ચા રામાયણના સેટ ઉપર પણ થતી હતી.”

 

View this post on Instagram

 

A post shared by Gayatri rao (@gayatri_creations_) on

ત્યારે હજુ સુધી એ વાત સામે નથી આવી કે આખરે ત્રિજટાનો અભિનય કોણે કર્યો હતો. બસ એક વાત સામે આવી હતી કે તેમને એક દીકરી હતી, અને અમારી ગુજ્જુરોક્સ ટિમ દ્વારા તપાસ કરતા ત્રિજટાનો અભિનય કરનાર અભિનેત્રીની એ દીકરી પણ અમને મળી આવી જેમની સાથે ટેલિફોન દ્વારા વાત કરવામાં આવી અને ત્યારબાદ સાચી હકીકત પ્રકાશમાં આવી.

ટેલિફોન ઉપર તેમની દીકરી શેફાલી દવે જોશી સાથે જયારે અમે વાત કરી ત્યારે જાણવા મળ્યું કે રામાયણમાં ત્રિજટાનો અભિનય સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા તેમની માતા વિભૂતિ પરેશચંદ્ર દવે દ્વારા કરવામાં આવ્યો હતો. હાલ તે આ દુનિયાને હંમેશને માટે છોડીને ચાલ્યા ગયા છે, પરંતુ તેમની ઘણી બધી યાદો હજુ તેમની પાસે સચવાયેલી પડી છે. અને આ યાદો દ્વારા જ તેમની ઘણી બધી માહિતી અમને મળી.

સૌ પ્રથમ અમે તેમને એજ પ્રશ્ન કર્યો કે સોશિયલ મીડિયામાં ફેલાઈ રહેલી આ અફવાઓ વિશે તમારું શું કહેવું છે? ત્યારે તમેને જવાબ આપ્યો કે : “આ અફવાઓને અમારે રોકવી છે, અને સાચું સત્ય શું છે તે તેઓ દુનિયાની સામે લાવવા માંગે છે. હકીકતમાં આ ત્રિજટાનો અભિનય મારી મમ્મી દ્વારા કરવામાં આવ્યો હતો અને તે આપણા સુરતના ગુજરાતી વ્યક્તિ હતા. અને દીપિકા ચીખલીયા દ્વારા જેમ જણાવવામાં આવ્યું કે રામાયણના શૂટિંગ બાદ તેમને દીકરીનો જન્મ થયો હતો તે દીકરી તે પોતે જ છે.” સોશિયલ મીડિયા ઉપર ફેલાયેલી અફવાઓનું ખંડન કરવા માટે તેમને તાહિર કશ્યપનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.

રામાયણમાં તેમને ત્રિજટાનો અભિનય કેવી રીતે મળ્યો તેના વિશે પૂછ્યું ત્યારે તેમને જણાવ્યું કે: “તેમના મમ્મી ગરબા ગ્રુપમાં ઉમરગામ ગયા હતા, અને ત્યાં જ તેમનું સિલેક્શન થતા તેમને ઓડિશન આપ્યું હતું. અને તેમના ચહેરાના હાવભાવ જોઈને રામાયણમાં તેમની પસંદગી કરવામાં આવી હતી. વળી તેમની યાદ શક્તિ એટલી તેજ હતી કે તેઓ લાંબામાં લાંબા ડાયલોગ અર્પણ સહજતાથી યાદ રાખી શકતા હતા.”

રામાયણ સિવાય તેમને બીજી કોઈ ધારાવાહિક કે ફિલ્મમાં કામ કરવા વિશે જયારે અમે તેમને પૂછ્યું ત્યારે તેમને જણાવ્યું કે કે “ઘણા વર્ષો પહેલા આવતી તારા ચેનલની અંદર પ્રસારિત થતી ધારાવાહિક “અમે બધા”માં તેમને એક બાનો અભિનય કર્યો હતો. તેમજ ગુજરાતના ઈન્ટરનેશલ લેવલ ઉપર થતા નાટકમાં “પાંપણ ભીનું પાનેતર” નાટકમાં કામ કર્યું હતું.”

ફોન ઉપર વાત કરતા એમ પણ જાણવા મળ્યું કે રામાયણમાં તેમની મમ્મીનો અભિનય જોઈને રામાનંદ સાગરે મહાભારતમાં ગાંધારીના રોલ માટે પણ તેમને ઓફર કરવામાં આવી હતી, પરંતુ તેમની પ્રસૃતિના છેલ્લા દિવસો વીતતા હોય તે અભિનય નહોતા કરી શક્યા.

તેમના વ્યક્તિત્વ કેવું હતું તેના વિશેનો પ્રશ્ન જયારે અમે તેમને કર્યો ત્યારે જવાબ સાંભળીને અમને પણ ખરેખર તેમના ઉપર ગર્વ થયો, તેમને જણાવ્યું કે: “તેઓ ખુબ જ બુદ્ધિશાળી હતા સાથે સુંદર પણ હતા. તેમનામાં ભરપૂર ટેલેન્ટ હતો, તેમને નાટકો ઉપરાંત ટીવી સિરિયલોમાં પણ કામ કર્યું. તે ઘરની અંદર કોચિંગ ક્લાસીસ પણ ચલાવતા હતા, સાથે સાથે એલઆઇસીનું પણ કામ કરતા હતા અને આટલા બધા કામ કરવાની સાથે એક ગૃહિણી તરીકેની પોતાની ફરજ નિભાવવામાં પણ ક્યારેય પાછા નહોતા પડ્યા, તે પોતાનો મોટાભાગનો સમય પોતાના પરિવારને આપતા હતા. તેમની ફરજ પણ તેઓ એકદમ નિષ્ઠાથી નિભાવતા હતા. તેમને ત્રિજટાના અભિનય માટે ઇન્દોરમાં પુરસ્કાર પણ મળ્યો હતો.”

જયારે પહેલા ટીવી ઉપર રામાયણ પ્રસારિત થતું હતું અને વિભૂતિ દવે હયાત હતા ત્યારે તેમની દીકરી શેફાલી સાથે તેઓ ક્યાંય પણ જતા ત્યારે જાહેરમાં અને કોઈ પ્રસંગમાં મળતાં લોકો તેમને જોઈને તરત ઓળખી જતા અને કહેતા કે “તમે તો રામાયણમાં ત્રિજટાનો અભિનય કર્યો હતો ને?” ત્યારે આ વાત સાંભળી તેમની દીકરીને પણ ગર્વ થતું. અને આ ગર્વને તેઓ અત્યારે પણ અનુભવવા માંગે છે, પરંતુ વર્ષો બાદ આજે રામાયણનું પુનઃ પ્રસારણ થયું છે અને તેમના મમ્મી વિભૂતિ દવે પણ અત્યારે હયાત નથી જેના કારણે દર્શકોને એ વાતની ખબર જ નથી કે રામાયણમાં ત્રિજટાનો અભિનય કોને કર્યો હતો, અને સોશિયલ મીડિયામાં પણ ખોટી ખોટી અફવાઓ ચાલી રહી છે. અને હવે તેમના દીકરી અને દીકરા દ્વારા તેમની માતાને સાચી ઓળખ મેળવવા માટે તે લોકો અત્યારે ઝંખી રહ્યા છે. જે ગર્વ તેમને વર્ષો પહેલા થયું હતું એ જ ગર્વ તેઓ અત્યારે પણ અનુભવવા માંગે છે.

હાલમાં આપણે જો રામાયણમાં ત્રિજટાનો અભિનય કરનાર અભિનેત્રી વિશે ગૂગલમાં પણ સર્ચ કરીશું તો પણ તેમનું નામ નહીં મળે. રામાયણમાં અભિનય કરનાર કલાકારોને પણ એમના મોઢે ક્યારેય આપણે એમનું નામ બોલતા નથી સાંભળ્યા, પણ ખરેખર તે સન્માનને હકદાર છે. અત્યાર સુધીની સૌથી મોટી ધારાવાહિક રામાયણમાં કામ કર્યું હોવા છતાં પણ તેમને જે સન્માન મળવું જોઈએ તે અત્યાર સુધી નથી મળ્યું.

તેમની સુંદરતા વિશે જણાવતા તેમની દીકરીએ કહ્યું હતું કે: “તે એટલા સુંદર હતા કે રામાયણમાં જયારે અભિનય કરતી વખતે રાક્ષસીનો અભિનય તેમને કરવાનો હતો અને તેના માટે તેમના ચહેરાને મેકઅપ દ્વારા ઢાંકવાનો હતો પરંતુ તેમના ચહેરાની સુંદરતા એવી હતી કે તેના ઉપર મેકઅપ પણ ટકી શકતો નહોતો. મેકઅપ કરવા વાળા મેકઅપના થથેડા કરતા હોવા છતાં પણ તેમના ચહેરા આગળ ઝાંખો પડતો હતો.”

તેમના દીકરાએ પણ તેમના વિષે પણ ઘણી માહિતી આપી હતી. તેમને જણાવ્યું હતું કે તેમની ગ્રહણશક્તિ ખુબ જ ઊંચી હતી. કોઈપણ સ્ક્રીપટને તે એક જ વાર જોઈને યાદ કરી લેતા હતા. ડાયલોગ પણ તેમને યાદ રહેતા હતા. સાથે તે એક એસ્ટ્રોલોજર પણ હતા. આસપાસના લોકો તેમજ સમાજના ઘણા આગેવાનો તેમની પાસે પોતાનો હાથ બતાવવા માટે આવતા હતા અને જેના માટે તે કોઈપણ ફીસ પણ નહોતા લેતા, અને તેમની જણાવેલી મોટાભાગની વાતો સત્ય પડતી હતી. તે કોઈ કમાણી માટે આ કામ નહોતા કરતાં પરંતુ તેમને આ એક શોખ  માત્ર હતો અને જેના કારણે તે વિના મુલ્યે આ કામ કરતા અને દૂર દૂરથી લોકો પોતાનો હાથ બતાવવા માટે તેમની પાસે આવતા. તેમને પોતાનું ભવિષ્ય પણ તેમના પતિને જણાવી રાખ્યું હતું, જયારે તમેને અગ્નિદાહ આપવામાં આવ્યો ત્યાર પહેલા તેમને કેટલીક વાતો તેમના પતિને જણાવી હતી અને તે તમામ વાતો પણ સત્ય પડી હતી. તેમને કોઈપણ જગ્યા અને કોઈપણ રસ્તા વિશેની માહિતી રહેતી, એકવાર તેમને જોયેલી વસ્તુ તેમને યાદ રહી જતી હતી. કોન બનેગા કરોડપતિમાં પણ તે જવા માંગતા હતા પરંતુ પારિવારિક જવાબદારીઓના કારણે તેમેને એ તક ના સ્વીકારી અને પછી પોતાના પરિવાર માટે જ જીવન સમર્પિત કર્યું.

તેમના દીકરાએ જણાવ્યું હતું કે “જયારે તે ગરબા ગ્રુપમાં ઉમરગામ ગયા ત્યારે તેમના પતિના ખાસ મિત્ર બચુભાઈ હરેન્દ્રરાય પંડિત દ્વારા તે ગયા હતા. બચુભાઇ મુંબઈ રહેતા હતા અને તેમને રામાનંદ સાગર અને બીજા ખ્યાતનામ લોકો સાથે સારી ઓળખાણ હતી. જેના કારણે ઉમરગામમાં ગરબા ગ્રુપમાં જવાનો તેમને અવસર મળ્યો અને ત્યાંથી તેમની રામાયણની સફર શરૂ થઇ હતી.

બીજીએક ખાસ વાત તેમની દીકરી તરફથી જાણવા મળી કે તેમનું અવસાન વર્ષ 2006માં થયું હતું, ત્યારે સુરતની અંદર પૂર આવ્યું હતું, આ દરમિયાન જ 12 ઓગસ્ટના રોજ તેમનું હાર્ટએટેકના કારણે અવસાન થયું. તેમનો જન્મ દિવસ 13 ઓગસ્ટના રોજ આવતો હતો. થોડા સમય પહેલા જ તેમને નક્કી કર્યું હતું કે તેમના આવનાર 51માં જન્મ દિવસે તે કેટલાક સ્નેહીજનો અને કલાકારો સાથે મળીને આ દિવસની ઉજવણી કરશે, પરંતુ તે ના થઇ શકી અને તેમને અગ્નિદાહ પણ તેમના જન્મ દિવસે જ આપવામાં આવ્યો હતો. તેમની એ ઈચ્છા અધૂરી રહી ગઈ, પરંતુ તેમની શોકસભામાં ઘણા પરિચિત લોકો જોડાયા હતા અને સુરતમાં આવેલા પૂરના કારણે ઘણા લોકો આવી શક્ય પણ નહોતા.

અમે જયારે તેમની દીકરીને પૂછ્યું કે તેમના અવસાન બાદ રામાયણની ટિમ દ્વારા કોઈ શ્રદ્ધાંજલિ આપવામાં કે કોઈ મદદ કરવામાં આવી હતી ? ત્યારે તેમને જણાવ્યું કે “તેમના અવસાન બાદ કોઈએ તેમની નોંધ લીધી નહોતી, ના સરકાર તરફથી પણ કે ના રામાયણના પ્રોડક્શન હાઉસ તરફથી કોઈએ કઈ મદદ કરી છે, ના મુલાકાત લીધી કે ના કોઈએ શ્રદ્ધાંજલિ આપતો સંદેશ આપ્યો છે.

 

આ વાત જાણીને ત્યારે ખરેખર દુઃખ થયું કે આટલી મોટી ધારાવાહિકમાં જેમને કામ કર્યું હોવા છતાં પણ તેમને નામના મળી નથી, જયારે વર્ષો પહેલા ટીવી ઉપર રામાયણમાં જે ચહેરો જોઈને લોકો કહેતા હતા કે આમને રામાયણમાં અભિનય કર્યો છે, પણ સમય જતા લોકો આ અભિનેત્રીને ભૂલતા ગયા, અને આજે સોશિયલ મીડિયામાં પણ ખોટી અફવાઓ ચાલી રહી છે, સાચું સત્ય મોટાભાગના લોકોને ખબર નથી, પરંતુ આપણા ગુજરાતીઓ માટે આ ગૌરવની બાબત છે કે વિભૂતિ દવેનામની અભિનેત્રીએ રામાયણમાં અભિનય કર્યો, એક ખરા ગુજરાતી તરીકે આપણે એમને નામના અપાવવાની છે. ખરેખર જે માન સન્માન તેમને મળવું જોઈએ એ નથી મળ્યું, પરંતુ સોશિયલ મીડિયામાં એ તાકાત છે કે એમનું ખોવાયેલું માન સન્માન એમને પાછું અપાવી શકે છે.

આજે ભલે વિભૂતિ દવે હયાત નથી પરંતુ તેમનો પરિવાર તેમને સન્માન મળે એ માટે ઝાંખી રહ્યો છે. તો આપણે આ વાતને વહેતી કરીએ, જે લોકો સાચી હકીકત નથી જાણતા તેમને જણાવીએ કે ત્રિજટાનો અભિનય સુરતના અભિનેત્રી વિભૂતિ પરેશચંદ્ર દવે દ્વારા કરવામાં આવ્યો હતો.

Author: નીરવ પટેલ “શ્યામ” GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.