સામાન્ય રીતે એવું જોવામાં આવતું હોય છે, કે પત્ની પોતાના પતિના લાંબા આયુષ્ય માટે અને ઉત્તમ સ્વાસ્થય માટે કામના કરે છે. પતિ પ્રત્યે પોતાનું સર્વસ્વ સમર્પણ કરીને અગાધ પ્રેમ કરે છે. એના પર અપાર ભરોસો કરે છે. પણ બિહારના પૂર્ણિયા જિલ્લાના એક ગામમાં આનાથી તદ્દન વિપરીત પરિસ્થિતી જોવા મળી છે.
જિંદગીના છેવટના પ્લેટફોર્મ પર ઈશ્વરની ગાડી આવવાની રાહ જોઈ રહેલ ભોળાનાથ આલોકની આ વાત છે. લગભગ ત્રણેક દાયકા થયા છે એમની પત્નીનાં અવસાનને! આજે ૮૭ વર્ષના ભોળાનાથ પોતાની મૃત પત્નીના વિરહમાં જે કરે છે એ જાણીને કોઈ પથ્થર દિલ માણસ પણ પીગળી જાય:
ફળિયાના આંબાની ડાળે લટકાવેલું સંભારણું —

ભોળાનાથ આલોકની જિંદગી બહુ સરસ રીતે વીતી રહી હતી. ઝીલમીલ સિતારાઓનું આંગણું હતું અને રીમઝીમ વરસતો શ્રાવણ હતો! તે અને તેમની પત્ની પદ્માદેવી બાળકોનાં સહચર્ય સાથે બહુ આનંદનું જીવન જીવી રહ્યાં હતાં. પણ વિધાતાને આ ક્યાં મંજૂર હતું?
એક દિવસ પદ્માદેવી બિમાર પડ્યાં. ભોળાનાથે દવામાં તો કોઈ કસર ન રહેવા દીધી. ઠેકઠેકાણેથી દવા-દારૂ કર્યાં પણ કંઈ ના વળ્યું અને એક દિવસ આ હંસલાનો માળો વિખેરાઈ જ ગયો! પદ્માદેવી અનંતલોકની સફરે ચાલી નીકળ્યાં. અંતરનાં આંસુને અંતરમાં જ ધરબી દઈને ભોળાનાથે કઠણ કાળજા સાથે બાળકોનો ઉછેર શરૂ કર્યો.
એ વાતને હાલ તો ૨૭ વર્ષ જેટલો સમય વીતી ચૂક્યો છે. હવે તો સંતાન પણ મોટા થઈ ગયાં છે. આજે પણ ભોળાનાથ આલોક પત્ની પદ્માની વાત આવતા રડી પડે છે. જિંદગીની કઠોર પરિસ્થિતીઓમાં ‘આ એક ચીજે મને ધરપત આપી છે’ એમ કહીને તેઓ ફળિયામાં રહેલ આંબાની એક ડાળ તરફ ઇશારો કરે છે, જ્યાં એક કપડાંમાં કંઈક લટકાવેલું છે!

જ્યારે વાતનો ખુલાસો થાય ત્યારે આશ્વર્યનો પાર રહેતો નથી. વયોવૃધ્ધ ભોળાનાથે એ પોટલામાં પોતાની પત્ની પદ્માદેવી આ અસ્થિ રાખેલાં છે! ૨૭ વર્ષની કળશમાં રાખેલાં પદ્માદેવીના અસ્થિ પર ટાઢ-તડકો કે વરસાદ ન લાગે એ માટે ઉપર પ્લાસ્ટિકનું આવરણ લગાવેલું છે અને તેની ઉપર કપડું ઢાંકેલું છે!
મારી ચિતા પર એના હાડકાં રાખજો! —
ભોળાનાથ કહે છે: અમે બંને જણે સાથે જીવવાનું અને સાથે મરવાનું વ્રત લીધું હતું. એ ભલે મને મૂકીને જતી રહી પણ તેના અસ્થિ હજી મારી સાથે છે અને એ રૂપમાં પદ્મા જ મારી સાથે છે.
ભોળાનાથ આલોકની ઇચ્છા છે કે, તેઓનું મૃત્યુ થાય ત્યારે તેમની ચિતા પર જ પદ્માદેવીનાં અસ્થિ રાખવામાં આવે! ભોળાનાથને વિશ્વાસ છે કે તેઓ અહીં નહી તો ઉપર જઈને પોતાની પદ્માદેવીને જરૂરથી મળી શકશે. પોતાની અંતિમ ઇચ્છા તેમણે સંતાનોને પણ જણાવી દીધી છે.

કેવો અદ્ભુત પ્રેમ પાંગર્યો હશે ભોળાનાથ આલોક અને પદ્માદેવી વચ્ચે? આજે એકાદ વર્ષના અંતરાલમાં તો લોકો ગમે તેવા સ્વજનને વિસરી જાય છે જ્યારે અહીં તો ત્રણ દાયકા જેટલો સમય થવા આવ્યો છે છતાં ભોળાનાથ પદ્માદેવીને ભૂલ્યા નથી!
મહેંદી હસનની એક સદાબહાર ગઝલની આરંભિક પંક્તિ કદાચ આવા વ્યક્તિઓ માટે જ લખાયેલી હશે :
જિંદગી મેં તો સભી પ્યાર કિયા કરતે હૈ;
મે તો મરકર ભી મેરી જાન તુજે ચાહુંગા!
[આજના યુગમાં આવી ઘટનાઓ જવલ્લે જ જોવા મળે છે. આપને આ વાત પસંદ પડી હોય તો આપના મિત્રો સાથે પણ અવશ્ય શેર કરજો, ધન્યવાદ!]
Author: કૌશલ બારડ – GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks