આમ તો આપણા ગુજરાતમાં ઘણા બધા મંદિરો અને ઘણા બધા ધાર્મિક સ્થળો આવેલ છે. આપણી સૌરાષ્ટ્રની ભૂમિને તો સંતો અને મહંતોની ભૂમિ કહેવામાં આવે છે. રાજકોટ પાસે આવેલ વીરપુર ગામમાં જલારામ બાપાનું ધામ આવેલ છે. વીરપુર લોહાણા વ્યક્તિઓ માટે તો ખાસ છે જ પણ ત્યાં કોઈપણ પ્રકારના ભેદભાવ વગર દરેક જ્ઞાતિના લોકોને પ્રવેશ અપાય છે. વીરપુર ગામ આજે પૂજનીય સંત શ્રી જલારામ બાપાને કારણે ગુજરાતનું યાત્રાધામ બન્યું છે. જલારામ બાપાનું આ મંદિર ત્યાની આસ્થા અને માનતા માટે આખા વિશ્વમાં બહુ પ્રખ્યાત છે. અહીં ગુરુવારના દિવસે તો અઢળક ભીડ હોય જ છે પણ સામાન્ય દિવસો દરમિયાન પણ અહીં હજારો લોકોની ભીડ જોવા મળે છે.

જલારામબાપાનો જન્મ વિક્રમ સંવત ૧૮૫૬ની કારતક સુદ સાતમે લોહાણા સમાજના ઠક્કર કુળમાં થયો હતો. તેમની માતાનું નામ રાજબાઈ હતું, તેમના પિતા ધાર્મિક વ્યક્તિ હતા. જલારામ બાપાને બાળપણથી પ્રભુભક્તિમાં અને સંતો મહંતોની સેવા કરવી બહુ પસંદ હતી, જલારામ બાપના અનોખા પરચાને કારણે તેઓ વિશ્વભરમાં જાણીતા થયા છે. જલારામ બાપાએ પોતાની પત્નીના ઘરેણા વેચીને પણ ભૂખ્યાને ભોજન કરાવ્યું હતું. જલારામ બાપાએ સંતશ્રી ભોજલરામને પોતાના ગુરુ બનાવ્યા હતા અને વીરપુરમાં સદાવ્રત શરુ કર્યું હતું જે આજે પણ ચાલી જ રહ્યું છે. વીરપુરમાં ચાલી રહેલ અન્નક્ષેત્રમાં દરેકને આવકાર મળે છે. જો તમે પણ ક્યારેક રાજકોટ જાવ તો તેની આગળ આવેલ વીરપુરની મુલાકાત જરૂર લેજો અને ત્યાની પ્રસાદી પણ જરૂર લેજો.

દરરોજ હજારો ભક્તો લે છે આ મંદિરની મુલાકાત અને કોઈપણ પ્રકારના દાન કે કિમત લીધા વગર ભરપેટ ભોજન કરાવવામાં આવે છે. તમે જો ક્યારેક દાન આપવા જશો તો પણ તમને ત્યાંથી ના કહેવામાં આવશે કારણ કે અહીં કોઈપણ પ્રકારનું દાન લેવામાં આવતું નથી. અહીં આવનાર કોઈપણ ભક્ત પાસેથી એક પણ રૂપિયાનું દાન લેવામાં આવતું નથી. લગભગ આખા વિશ્વનું આ ફક્ત એક મંદિર છે જ્યાં એક પણ રૂપિયાનું દાન લીધા વગર લોકોને ભોજન કરાવવામાં આવે છે. આમ જોવા જઈએ તો આપણા દેશમાં બીજા એવા ઘણા મંદિર છે જ્યાં દર વર્ષે કરોડો તો શું અરબો રૂપિયાનું દાન લેવામાં આવે છે. એ બધા મંદિરની સરખામણીમાં આપણું જલારામ મંદિરએ બહુ અલગ અને અદ્ભુત મંદિર છે.
અહીં દાન લીધા વગર કેવી રીતે ચાલે છે અન્નક્ષેત્ર-

આપણા દેશમાં લગભગ દરેક મંદિરમાં અનેક આંકડામાં મળેલ દાનની રકમ જાહેર કરવામાં આવે છે. અને એ રકમ કરોડોની સંખ્યામાં હોય છે. આ કરોડોની રકમના લીધે ત્યાના જે વહીવટ કરતા લોકો હોય છે તેમના પર અનેક પ્રકારની શંકા કરવામાં આવે છે. જયારે કોઈ વ્યક્તિ પહેલીવાર એ મંદિરની મુલાકાત લેતા હશે અને તેઓ જયારે બાપાના ચરણમાં કોઈ પૈસા મુકો છો તો ત્યાં ઉભેલ સ્વયંસેવકો પૈસા તમને પરત આપશે અને બહુ નમ્રતાથી તમને રકમ પરત લઇ લેવા માટે જણાવશે. તમે ઘણા મંદિરોમાં મોટી મોટી પેટીઓ બનાવેલ જોઈ હશે અને તેની પર મોટા અક્ષરે દાનપેટી એવું લખેલું હોય છે અને અમુક મંદિરોમાં તો દાન સ્વીકારવા માટેનું સ્પેશિયલ કેબીન અથવા તો ઓફીસ બનાવેલ હોય છે. જયારે વીરપુર જલારામ મંદિરમાં સ્વયંસેવકોને એટલા માટે ઉભા રાખવામાં આવે છે કે કદાચ કોઈ ભૂલથી પણ રૂપિયા જલારામ બાપાના મંદિરમાં ક્યાય મુકે નહિ.
વીરપુરનું જલારામ મંદિર ફક્ત આપણા ગુજરાતમાં જ નહિ પણ દેશ અને વિદેશમાં પણ એટલું જ પ્રખ્યાત છે. અહીં આવવાની બાધા માત્ર રાખવાથી પણ તમારી મનોકામના પૂર્ણ થઇ જાય છે. મનોકામના પૂર્ણ થયા પર તમારે અહીં કોઈપણ દાન આપવાનું નથી હોતું. હવે જયારે આમ કોઈપણ પ્રકારના દાન વગર આટલું મોટું અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે તો કેવી રીતે આ સવાલ એ કોઈપણ સામાન્ય વ્યક્તિને થાય. અહીં ભક્તોએ ભૂતકાળમાં એટલું બધું દાન આપ્યું છે કે ૯ ફેબ્રુઆરી ૨૦૦૦ પછી અહીં ભક્તો પાસેથી દાન લેવામાં આવતું નથી. આ ભારતનું એકમાત્ર એવું દેવસ્થાન છે કે જે કોઈપણ જાતનું દાન લેતુ નથી.

વર્ષ 2000થી જલારામ બાપની પાંચમી પેઢીના વ્યક્તિઓએ કોઈપણ દાન સ્વીકાર કરવાનું બંધ કરી દીધું હતું. પહેલા મંદિરમાં રોકડ, અનાજ અને બીજું ઘણું બધું દાન આવતું હતું. પણ જયારે દાન સ્વીકાર કરવાની ના કહેવામાં આવી ત્યારે સ્વાભાવિક રીતે જ લોકોએ સવાલ કર્યા ત્યારે તેઓને જણાવવામાં આવ્યું કે મંદિરમાં પુરતું દાન આવી ગયું છે અને એ દાનથી આવનારા 100 વર્ષો સુધી આમજ અન્નક્ષેત્ર ચાલુ જ રહેશે.
કોઈપણ વ્યક્તિના સન્માનને ઠેસ પહોચાડ્યા વગર ખુબ જ નમ્રતાથી દાન સ્વીકાર કરવાની મનાઈ કરવામાં આવે છે. તમે આજે પણ જયારે વીરપુર દર્શન કરવા જશો ત્યારે તમને ત્યાં કોઈપણ દાનપેટી જોવા મળશે નહિ. અત્યારના સમયમાં પણ વીરપુર ધામમાં અનેક દેશ અને વિદેશના લોકો અહીં દર્શન કરવા માટે આવતા હોય છે. દિવસેને દિવસે અહીં ભક્તોની સંખ્યામાં વધારો થતો જોવા મળી રહ્યો છે. આ જગ્યાએ સતત અન્નક્ષેત્ર ચાલતું જ રહે છે.

આજે પણ જલારામ બાપાના ભક્તો માને છે કે જો સાચા મનથી જલારામ બાપાને પ્રાર્થના કરશે તો તેઓની મનોકામનાઓ પુરી થશે. વીરપુરમાં જલારામ બાપાના મૃત્યુના એક વર્ષ પહેલાં બ્રિટીશ ફોટોગ્રાફર દ્વારા લેવાયેલો જલારામ બાપનો ફોટો પણ તેમના સ્મારકમાં મુકવામાં આવ્યો છે. તમે પણ ત્યાં ગયા હોવ તો તમારા અનુભવ શેર કરો અને કોમેન્ટમાં ફોટો પણ અપલોડ કરી શકો છો.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks