કૌશલ બારડ લેખકની કલમે

એક સુવરને કારણે અર્જુન અને ભગવાન શિવ વચ્ચે ફાટી નીકળેલું ભયાનક યુધ્ધ! પછી જીત્યું કોણ? વાંચો લેખ

મહાભારતમાં એક સુંદર અને રોચક પ્રસંગ આવે છે કે જ્યારે પાંડવપુત્ર અર્જુન સાક્ષાત્ પશુપતિનાથ ભગવાન શિવ સામે યુધ્ધે ચડે છે અને તે પણ એક સુવરના શિકારને લઈને! આવા પ્રસંગો પુરાણોમાં બહુ ઓછા જોવા મળે છે કે જ્યારે ‘જીવ અને શિવ’ સામસામે બગાવત કરે છે. શું છે મહાભારતના ‘વનપર્વ’માં આવતો આ પ્રસંગ? શાથી ભગવાન શિવ સામે યુધ્ધે ચડ્યો હતો કુંતીપુત્ર અર્જુન? વાંચો અહીં:

ઇન્દ્રકીલ પર્વત પર અર્જુનની પ્રખર તપસ્યા —

દુર્યોધને સોગઠાબાજીમાં પાંડવોને હરાવીને ૧૨ વર્ષનો વનવાસ આપ્યો અને પાંડવો વનમાં ગયા. એ લગભગ નક્કી હતું, કે વનવાસ પૂરો થયા બાદ યુધ્ધ થવાનું જ છે. દુર્યોધન સીધી રીતે રાજમાં ભાગ આપવાને કદી રાજી થવાનો નહોતો. પરિણામે ‘યુધ્ધ એ જ કલ્યાણ’ના ધ્રુવસુત્રનું પાલન કરવાનું હતું.

યુધ્ધમાં વિજય મળે એ હેતુસર ભગવાન કૃષ્ણએ અર્જુનને શિવજી પાસેથી ‘દિવ્યાસ્ત્ર’ લઈ આવવા કહ્યું. દિવ્યાસ્ત્ર મેળવવું સહેલ નહોતું. પૂર્ણ રીતે યોગ્ય પુરુષ જ તેનો ધારક બની શકે. અર્જુને ઇન્દ્રકીલ પર્વત પર જઈને ભગવાન શિવની ઘોર તપસ્યા આદરી. હાડ ગાળી નાખે તેવી ઠંડી, સડેડાટ વહી જતો વંટોળ, વર્ષાની સતત ચાલુ રહેતી ઝડી અને ખોફનાક ગરમી વચ્ચે પણ અર્જુને તપસ્યા ચાલુ રાખી.

Image Source

શિવજીએ લીધી અનોખી પરીક્ષા —

આખરે કૈલાસનાથ શિવજીએ નક્કી કર્યું કે અર્જુન દિવ્યાસ્ત્રનો સાચી રીતે ઉપયોગ કરવાને સંપૂર્ણ લાયક છે એટલે તેમને આ હથિયાર દેવું જ રહ્યું. પણ એ પહેલા તેમને અર્જુનની આખરી પરીક્ષા લેવાનું મન થયું. શિવજીએ કિરાત(પારધી)નો વેશ ધર્યો. દેવી ભવાની પણ તેમની સાથે વેશપલટો કરીને આવવા તૈયાર થયા.

આ બાજુ અર્જુન તો અખંડ તપશ્વર્યામાં લીન હતો. એ જ વખતે એક કદાવર, રાક્ષસી આકૃતિએ અર્જુન ભણી હુમલો કરવાની તૈયારી કરી. એ સુવર હતું, સુવરના રૂપમાં એક દાનવ હતો. ભયાવહ દાંતિયાં કરતું સુવર અર્જુન સામે ઘૂરકિયાં કરવા માંડ્યું એટલે અર્જુનનો ધ્યાનભંગ થયો.

શિકારીઓ ભીખ નથી માંગતા! —

પિશાચી વૃત્તિનો સતત વર્તારો કરતા સુવરને જોઈને અર્જુનને લાગ્યું કે આનો ઇરાદો સારો નથી! એમણે ગાંડીવનો ટંકાર કરીને ભાથામાંથી તીર લઇ પણછ પર ચડાવ્યું. કમાનમાંથી છટકીને બાણ સુવરની પાંસળીઓ વીંધી નાખવાને તૈયાર જ હતું એવામાં હાકલ પડી કે, ‘છોડી દે યુવાન! એ મારો શિકાર છે.’

Image Source

અર્જુને જોયું તો એક પારધી થોડે દૂર ઊભો સુવર ભણી પોતાનું ધનુષ તાકી રહ્યો હતો. અર્જુનને લગીર ક્રોધ ચડ્યો. તેણે વળતો જવાબ આપ્યો કે, ‘મેં તેને પ્રથમ જોયું છે એટલે એ મારા બાણે વીંધાય એ જ યોગ્ય છે. અને આમેય શિકારીઓ ભીખ નથી માંગતા! જેના બાવડાંમાં જોર હોય એ લઈ જાય શિકાર…!’

બંનેએ એક સાથે તીર છોડ્યું અને એક જ સમયે બંનેનાં તીર સુવરની પાંસળીઓ સોંસરવા નીકળી ગયાં! હવે શિકાર ખરેખર કોનો એ બાબતે ચડભડ શરૂ થઈ. ઉગ્ર જીભાજોડી પણ થવા લાગી અને છેવટે એ જીભની વાત યુધ્ધ પર ઉતરી આવી. આમ, પારધીના વેશમાં રહેલા ભગવાન શિવ અને તપસ્વી અર્જુન વચ્ચે યુધ્ધ ફાટી નીકળ્યું. બાણોની વર્ષા થવા લાગી. અર્જુનને શી ખબર કે પોતે જેની સામે લડી રહ્યો છે એના જ માટે થઈને તો ઇન્દ્રકીલ પર આજે મહિનાઓ થયે ધૂણી ધખાવી છે!

ઘડીભર તો બંને બળીયા વચ્ચે કોઈ ગાજ્યું જાય એમ ન લાગ્યું. પણ આખરે કિરાતવેશી શિવના એક બાણે અર્જુન ઢળી પડ્યો, મૂર્છા પામ્યો. અને જ્યારે આંખ ઉઘડી ત્યારે જોયું તો ભગવાન શિવ અને માતા ભવાની સાક્ષાત્ હસતાં મુખડે સામે ઉભાં છે! શિવજીના એક હાથમાં ‘દિવ્યાસ્ત્ર’ છે. બંનેના નેત્રમાંથી દિવ્યદ્રષ્ટિ પણ વરસી રહી છે. અર્જુન આખરે બધું પામી ગયો. એમણે ભગવાન શિવ અને માતા પાર્વતીના ચરણ સ્પર્શ કરીને માફી માગી. એમની વીરતા પર ઓવારી જઈને આખરે શિવજીએ ‘દિવ્યાસ્ત્ર’ આપી જ દીધું!

Image Source

સુંદર સ્વાસ્થય, દ્રઢ મનોબળ, સતત પરિશ્રમથી કસાયેલું શરીર અને સત્યને ખાતર ગમે તેની સાથે લડી લેવાની ભાવના હોય તો સાક્ષાત્ શિવને પણ ગર્વ થાય કે આ વ્યક્તિ મારો ‘ગણ’ છે!

Author: કૌશલ બારડ – GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks