જીવનશૈલી દિલધડક સ્ટોરી પ્રસિદ્ધ પ્રેરણાત્મક મુકેશ સોજીત્રા રસપ્રદ વાતો લેખકની કલમે

“એક સારો એરિયા” – ખરા અર્થમાં “ઘર” નું મૂલ્ય સમજાવતી ખૂબ જ સુંદર ને સમજવા જેવી વાત જેમાં બંગલા ને ઘર ની પરિભાષા સમજાઈ જશે !!

અને રોહનનું બાઈક પંચરત્ન પાન સેન્ટર પાસે ઉભું રહ્યું. સાંજના સાડા પાંચ થવા આવ્યાં હતા. બે મહિનાથી એ સુરત આવ્યો હતો. એ જ્યાં રહેતો હતો ત્યાંથી એની શાળા લગભગ આઠેક કિલોમીટર દૂર હતી. સુરત આવવાનું એનું સપનું એચ ટેટની પરિક્ષાને કારણે પૂરું થયું હતું. નહિ તો એની પ્રથમ નિમણુક મેંદરડાની પડખે એક નાનકડા ગામમાં થઇ હતી. પોતાનું મૂળ વતન તો ધોરાજીની બાજુમાં આવેલું એક ગામ હતું. શિક્ષક તરીકે છ વરસ ત્યાં ગામડામાં નોકરી કરી હતી. પ્રથમ પાંચ વરસ ફિક્ષ પગારી અને એક વરસ ફૂલ પગારમાં. અને એચ ટેટ ની પહેલી જ જાહેરાત બહાર પડી. અને રોહને પરીક્ષા માટેનું ફોર્મ ભરી દીધું હતું અને તૈયારી શરુ કરી દીધી હતી. બે માસ પૂરેપૂરી મહેનત કરીને એ પરીક્ષા આપવા ગયો હતો. પેપર હાથમાં આવ્યું. અને રોહન એકી શ્વાસે વાંચી ગયો. પેપર થોડું અઘરું લાગ્યું હતું. લખવાનું શરુ કર્યું. જે પ્રશ્નો એને સરળ લાગ્યા એને પહેલા એના વર્તુળ દોરી નાંખ્યા ઓએમઆરમાં. છેલ્લી ત્રીસ મિનીટ સમય બાકી હતો એણે જોયું તો નેવું પ્રશ્નોના જવાબ એને પુરા ભરોસાથી લખ્યા હતા.

હજુ સાઈંઠ પ્રશ્નો બાકી હતા. એમાં જ ખરી સમસ્યા હતી. કોઈકમાં એને બે વિકલ્પો સાચા લાગતા હતા.તો કોઈકમાં એક પણ વિકલ્પ ફીટ બેસતો નહોતો. જોકે નેગેટીવ માર્કિંગ નહોતું એટલે છેલ્લી ઘડીએ એણે અંદાજ લગાવ્યો. અને બાકીના સાઈંઠ વર્તુળ એણે પોતાના મનની શ્રદ્ધાને અને અનુમાન ના આધારે કરી નાંખ્યા. અને જયારે પરિણામ આવ્યું ત્યારે એ અનુમાન જબરદસ્ત સાચું પડ્યું હતું. કૂલ ૧૫૦ માંથી ૧૨૬ ગુણ સાથે એ એચ ટેટ પાસ થઇ ગયો હતો. આમ તો જનરલમાં ૧૦૦ ની આજુબાજુ આવે તો પણ એને એચ ટેટ આચાર્ય બનવાનું સપનું પૂરું થઇ જવાનું હતું. પણ આ તો એના કરતાય ક્યાય વધારે સારા ગુણ આવી ગયા હતા. અને એને પ્રથમ રાઉન્ડમાં જ સુરત મ્યુનીસીપાલીટીની શાળા મળી ગઈ. શાળા પસંદગીમાં પણ એણે બરાબર ધ્યાન આપ્યું હતું. ઓછો સ્ટાફ હોય એવી જ શાળા પસંદ કરી હતી. ગણતરી એવી હતી કે સ્ટાફ જેટલો ઓછો એટલા ડખા ઓછા!!
સુરત આવ્યા પછી મકાન શોધવામાં દસ દિવસ નીકળી ગયા. મકાન માટે એને થોડું વધારે દૂર જવું પડ્યુ. પોતાના કુટુંબ સાથે એ બે મહિનાથી સુરતમાં સેટ હતો. એચ ટેટ ના કારણે પગાર પણ સારો હતો. કુટુંબમાં તો એની પત્ની અને એક પુત્ર હતો. હમણા ત્રણ દિવસ પહેલા જ આ પાનના ગલ્લે એણે મકાનની પૂછપરછ કરી હતી. સોસાયટી ઘણી મોટી હતી. અને શાળાથી ફક્ત એક કિલોમીટર જેટલી જ દૂર હતી. આમ તો એના સ્ટાફના તમામ પણ દુરથી આવતા પણ સારી અને નામના વાળી સોસાયટીમાંથી આવતા હતા. હજુ ચાર જ દિવસ પહેલા એણે સ્ટાફમાં પોતાના કરતા ઉમરમાં મોટા એવા એક શિક્ષક રસિકલાલને વાત કરી હતી.
“ હું આવું છે તે રસ્તાની ડાબી બાજુમાં “પંચ રત્ન પાન સેન્ટર” છે. ત્યાં એક મોટી સોસાયટી મારા ધ્યાનમાં આવી ગઈ છે. ત્યાં જો ભાડે મકાન મળી જાય તો મારે આ રોજનું દૂર આવવું મટી જાય.ત્યાં તમારા કોઈ સંબંધી અથવા ઓળખીતા રહેતા હોય તો વાત કરી જોજોને” જવાબમાં રસિકલાલ બોલ્યા.

“આમ તો એ જૂની સોસાયટી છે. પણ ત્યાં હવે પંચરંગી પ્રજા રહે છે. તમને ત્યાં ન ફાવે. એના કરતા અત્યારે રહો છો એ શું ખોટું છે. આઘું પડે પણ સલામત ખરુંને!! તમે કહો છો એ સોસાયટીનું નામ “રામ ભરોસા” છે પણ ત્યાં સલીને દલી સહુ રહે છે. એક શિક્ષક તરીકે ત્યાં રહેવામાં જરા પણ આબરૂ નહિ. પછી છોકરા મોટા થાયને ત્યારે તકલીફ પડે.અમુક સોસાયટી માં તમે રહેતા હોને તો સગપણ ના થાય. એના કરતા અત્યારે જ્યાં છો ત્યાં ઠીક જ છો. બે ત્રણ વરસ કાઢી નાંખો ત્યાં સુધીમાં કોઈ સારા એવા એરિયામાં લોનથી ફ્લેટ લઇ લેવાય અથવા જો વધારે સગવડ હોય તો ઘરનો એક ગાળો લઇ લેવાય. અર્બનમાંથી લોન પણ લેવાય” રસિકલાલની વાત સાંભળીને રોહન વિચારમાં પડી ગયો કે શિક્ષક શું એવું કોઈ વિશિષ્ટ પ્રાણી છે કે એને કોઈ એક ચોક્કસ સારા એરિયામાં જ રહેવાય!!?? હકીકતમાં શિક્ષક તો ગમે તેવા એરિયામાં રહી શકે એવું એ માનતો હતો!!

પણ તોય એણે પંચ રત્ન પાન સેન્ટર વાળા સવજીભાઈને પૂછી જોયેલું. સવજીભાઈએ કીધું.

“રામ ભરોસે”સોસાયટીમાં મકાન તો ખાલી હશે જ. એકાદ મકાન તો મળી જાય પણ એના માટે તમારે ઘનાબાપા ને મળવું પડે. એ હા પાડી દે તો પછી વાંધો નહિ આવે. નહીતર ભાડુઆત પાસેથી પણ સોસાયટીના પ્રમુખ ૫૦૦૦ ડીપોઝીટ લે છે. પણ ઘના બાપા મકાન અપાવે પછી પ્રમુખ કાઈ બોલે નહિ.ઘના બાપા પ્રમુખ કરતા પણ મોટા ગણાય છે.આમ તો ઘણાં વરસો સુધી એ જ પ્રમુખ હતા.પણ એને મૂકી દીધી છે એ રામાયણ હવે.તમારે ઘના બાપાને મળવું હોય તો સાંજે સોસાયટીની બાજુમાં જ મ્યુનીસીપાલીટી એ નાનકડા બગીચા જેવું કર્યું છે ત્યાં તમને મળી જશે સાજે સાડા પાંચ પછી ઘના બાપા ત્યાં જ હોય છે ચારેક ભાભલા સાથે”

અને એટલે જ રોહન આજે પાન ના ગલ્લે આવ્યો હતો. સવજીભાઈ સાથે થોડી વાતચીત કરી અને પછી એ ઉપડ્યો ઘના બાપા પાસે.

સોસાયટીની બાજુમાં જ એક ખાડી જેવડું હતું ત્યાં આજથી પાંચ વરસ પહેલા પુરાણ કરીને નાનકડો બગીચો તૈયાર કરવામાં આવ્યો હતો. દરવાજા પાસે બાઈક મુકીને રોહન આગળ ચાલ્યો. બગીચાની બરાબર વચ્ચે વીસેક છોકરાઓ સાથે ચારેક ભાભલા બેઠા હતા. બાળકો ને તેઓ કશુક કહી રહ્યા હતા.એમાં સહુથી મોટા એવા એક ભાભા પાસે જઈને રોહન ઉભો રહ્યો. આંખ પર ચશ્માં અને ધોળા બાસ્તા જેવા કાઠીયાવાડી ચોરણી અને ઝભ્ભો પહેરેલ પહેરેલ હતો એ ભાભાએ.

“ઘનાબાપા ને મળવું છે” રોહને કહ્યું.

“બોલો શું કામ હતું” એક વૃદ્ધ બોલ્યો અને રોહનનું અનુમાન સાચું પડ્યું. એજ ઘના બાપા હતા. રોહને મકાનની વાત કરી. અને ઘના બાપા બોલ્યા.
“સરકારી શાળામાં આચાર્ય છો એમ ને..મકાન તો મળી જ જશે ચાલો મારી સાથે” કહીને ઘના બાપા ઉભા થયા. રોહન એની સાથે ચાલ્યો. સોસાયટીના બે નંબરના દરવાજામાં તેઓ દાખલ થયા. બેય બાજુ ગાળાઓ આવેલ હતા.કોઈ ત્રણ માળના પણ મોટે ભાગે બે માળના ગાળા હતા. ૧૨૪ નંબરના ગાળા પાસે જઈને ઘના બાપા બોલ્યા.
“કંકુ દરવાજો ખોલ્ય” અને અંદરથી દરવાજો ખુલ્યો. રોહન અંદર ગયો. મકાન બે ગાળાનું બનેલું હતું. બે માળનું હતું.
ચા પાણી પીધા પછી ઘના બાપા બોલ્યા.

“મારે ઉપર એક માળ ખાલી છે ત્યાં ફાવે તો ત્યાં નહિતર આ બાજુનું મકાન પણ મારું જ છે.એ સાવ સ્વતંત્ર છે. અહી ભાડું ચાર હજાર ચાલે છે પણ તમે રહ્યા માસ્તર એટલે ત્રણ હજાર લઈશ. વળી તમારે આ સોસાયટીમાં કોઈ પીંઝણ નહિ. તમને ફાવી જશે. આ સોસાયટીમાં આ મકાન સિવાય બીજા ત્રણ મકાન છે મારા. એક ખાલી છે અને બે ભાડે આપેલ છે. એ ખાલી છે એક મહિનાથી છે, એમાં પેલા એક રસોઈયા રહેતા હતા પણ એને ડુંભાલ બાજુ ઘરના મકાન લીધા એટલે એ જતા રહ્યા છે” રોહને મકાન જોયું. ઉપરના માળમાં પગથાણ ઘણી હતી. વળી નીચે ઘના બાપા અને કંકુમાં સિવાય બીજું કોઈ રહેતું ન હોય એમ લાગ્યું એટલે કહ્યું.
“મને તો આ ઉપર ફાવી જશે. બાજુનું મકાન પણ સારું જ છે અને સ્વતંત્ર છે પણ એના કરતા ઉપલા માળમાં હવા ઉજાસ સારો રહેશે આનું પાકું કરી નાંખીએ અને કાલે રહેવા આવી જઈએ”

“એમ અત્યારે નક્કી ના કરો..ઘરે જઈને તમારા ઘરવાળાને કાલે બોલાવી લાવજો. એ બેય મકાન જોઈ લે પછી એ જ નક્કી કરશે.. અમારે આ સુરતમાં દરેક સોસાયટીમાં ક્યાં મકાનમાં રહેવું એ બાયું જ નક્કી કરે ભાયુંને એમાં કાઈ ખ્યાલ ના આવે. ભાયુંને તો બસ ભાડું ભરવાનું બાકી ભાડે મકાનની પસંદગી તો બાયું જ કરે છે. કારણ કે આખો દિવસ એને જ ઘરે રહેવાનું હોય..” કંકુમાં બોલ્યા. અને ઘના બાપા પણ હસી પડ્યા.

બીજે દિવસે રોહનની પત્ની આશા આવીને બે ય મકાન જોઈ ગઈ. એને પણ રોહનની પસંદગી પર મહોર મારી દીધી હતી અને બે જ દિવસમાં સામાન ફરી ગયો. ઘના બાપાના જ મકાનમાં ઉપલા માળે જ એ સેટ થઇ ગયા.
બે ત્રણ દિવસ પછી ઘના બાપા બોલ્યા.

“ માસ્તર ઉપર પગથાણ ઘણી છે. સોસાયટી ના છોકરાના ટ્યુશન કરવા હોય તો તમતમારે શરુ કરી દેજો.. બીજા મકાન માલિક ને કદાચ છોકરા ના ગમે ઘરમાં આવે તો પણ અમને બેય જણાને કોઈ વાંધો નથી”

“હું આમેય નવરો નથી રહેતો પાંચ વાગ્યા પછી પણ અને ટ્યુશન કરવા પ્રતિબંધ છે એટલે એ હું ના કરી શકુ.. અને હા છોકરાઓ તમને પસંદ છે એ તો હું જયારે બગીચામાં પેલી જ વાર તમને મળ્યો ત્યારે જ ખ્યાલ આવી ગયો હતો.”

અને રોહન અને તેની પત્ની આશાને ઘના બાપાના મકાનનો ઉપલો માળ ફાવી ગયો. સવારે દસેક વાગ્યે રોહન શાળાએ જમીને જાય અને સાંજે પાંચને ત્રીસે આવી જાય. શાળાનું ઘણું કામ એ ઘરે પણ લઇ આવે. સોસાયટીમાં સહુ જાણે એક જ પરિવારની ભાવનાથી જીવતા હતા. એક મહિના ના નિરિક્ષણ બાદ રોહનને ઘના બાપાની ઘણી ખાસિયતો ધ્યાનમાં આવી ગઈ. સોસાયટીમાં દરેક ઘરમાં ઘના બાપાનું એક વિશિષ્ટ માન હતું. રાતે ઘણાં ઘના બાપા પાસે સોસાયટીના ઘણાં માણસો કૌટુંબિક અને ધંધાકીય સલાહ લેવા આવતા. ઘણીવાર કોઈ આવ્યું હોય ત્યારે ઘના બાપા રાતે તેમને ચા પીવા પણ બોલાવતા. આમેય રોહનનો સ્વભાવ અંતર્મુખી હતો એટલે એને બોલવા કરતા સાંભળવાનું વધારે ગમતું. ઘણીવાર રાતે આશા કહેતી.

“તમને ખબર છે ઘના બાપાના ત્રણ દીકરાઓ સુરતમાં જ છે અને શહેરના પોશ એરિયા વેસુ, અડાજણ અને મોટા વરાછામાં સારા એવા મકાન છે. આજે તો એનો વછેટ દીકરો આવ્યો હતો. એ ઈનોવા લઈને આવ્યો હતો. કલાક રોકાઈને એ જતો રહ્યો. ઘના બાપા અને કંકુ માનો સ્વભાવ ઘણો જ સારો છે. તો પછી એ પોતાના દીકરાઓ સાથે કેમ રહેતા નહિ હોય!! કોઈ વાતે વાંધો પડ્યો હશે કે બાપાને ત્યાં નહિ ફાવતું હોય?? આમેય દીકરાના ઘરે બાપાને ન ફાવે એવું બનેજ નહિ પણ કદાચ દીકરાની વહુને બાપા ની સાથે રહેવું નહિ ગમતું હોય” આશા કહેતી અને રોહન સાંભળતો.

“ આપણે એ બધી માથાકુટમાં ના પડવું..અને આ બધું જાણીને શું કામ છે?? ભલી થઈને તું આ સોસાયટી ના કોઈ બાયુંને આ બાબતમાં વધારે કાઈ પૂછપરચ ના કરતી. આપણે જેના મકાનમાં રહીએ છીએ ભલે ને ભાડે રહેતા હોઈએ પણ જેના આશરામાં આપણે રહેતા હોઈએ એની ખોદણી આપણે ના કરાય” રોહન સમજાવતો પણ આશા વળી કહેતી.

“ આમાં ક્યાં એની ખોદણી આવી?? આ તો જસ્ટ એક વાત કરું છું.. આપણે ક્યાં એને ખરા ખોટા કહ્યા છે..પણ આ થોડું વિચિત્ર લાગે છે એટલે કહ્યું. બાકી બાપા અને બા નો સ્વભાવ તો સારો છે. એટલે જ સોસાયટીમાં રોજને રોજ કોઈકની ઘરે એમને કોઈ પણ પ્રસંગ સબબ જમવા જવાનું બને છે. કંકુ માં ને કારણે જ સોસાયટીમાં મને બધીજ બાયું ઓળખતી થઇ ગઈ છે એક જ મહિનાની અંદર!! તમે નિશાળે જાવ પછી હું અને કંકુમાં સોસાયટીમાં અલગ અલગ જગ્યાએ ચા પીવા જઈએ છીએ” આશાની આંખમાં કંકુબા પ્રત્યે એક અનોખો અહોભાવ તરવરતો હતો.

સમય વીતતો ચાલ્યો.એક રવિવારે રોહનને ઘના બાપાએ કીધું.

“માસ્તર ચાલોને આજે મારા દીકરાને ત્યાં આંટો મારી આવીએ. આશાને કહી દો કે અમે સાંજે આવીશું. અને કંકુ એનું જમવાનું બનાવી નાંખશે.” અને રોહન પોતાના બાઈક પર ઘના બાપાને બેસારીને વેસુ બાજુ પોતાનું બાઈક ચલાવ્યું. ઘના બાપા રસ્તો બતાવતા ગયા અને કલાકમાં તેઓ એક ભવ્ય મકાન આગળ આવીને ઉભા રહ્યા.રોહન અને ઘના બાપા અંદર ગયા. બંગલો ખરેખર ભવ્ય હતો. બાપાનો મોટો દીકરો કિશોર ત્યાં રહેતો હતો.કિશોરના સંતાનો આવીને ઘના બાપાને વળગી ગયા. સહુ બાપાને મળ્યા.સહુના આંખમાં ખુશી તરવરતી હતી. પછી તો રોહન બેસી રહ્યો અને ઘના બાપા અને એનો દીકરો કિશોર ધંધાની વાતો કરતા રહ્યા. બપોરે જમીને ઘના બાપાએ થોડોક આરામ કર્યો. ત્યાંથી વિદાય લઈને રોહને બાઈક ચલાવી.

“માસ્તર બાઈક સીધી વરાછા ના પુલે લઇ લેજો. ઘણા દિવસ થયા એ પુલ પર ગયો નથી.” રોહને એની આજ્ઞાનું પાલન કર્યું.બાઈક પુલ પર પહોંચી. પુલની મધ્યભાગમાં બાઈક ઉભી રહી ત્યાં ફૂટપાથ પર ઘના બાપા બેઠા. થોડી વાર બધું જ નિરિક્ષણ કરીને ઘના બાપા બોલ્યા.

“માસ્તર તમને નવાઈ લાગતી હશે ને કે મારે ત્રણ દીકરા..ત્રણેયને બરાબરની સરખાઈ અને જાહોજલાલી છે તો ય હું સામાન્ય સોસાયટીમાં કેમ રહું છું?? ભલે તમે મને પૂછ્યું નથી પણ તમે રહ્યા માસ્તર!! અને માસ્તરનું મન ક્યારેય પ્રશ્નો વગરનું ના હોય એટલું તો હું સમજુ છું” ના એવું કશું નથી રોહન બોલ્યો.

“ભલે તમે ના પાડો પણ આ પશ્નો થવા સંભવ છે.. ચાલો આજે તમને એ વાત પણ કરી દઉં છું. સોસાયટીમાં મારી ઉમરના લોકો જાણે છે પણ નવી પેઢી લગભગ આવી બાબતો થી અજાણી હોય!! હું એક એવી પેઢીમાં કે સમયગાળામાં જન્મ્યો છું કે જેના અમુક મુલ્યો હોય છે જે જીવનભર જતા નથી!! હવે આવું નથી રહ્યું એટલે કેટલાક લોકો અમને જુનવાણી, વેદિયા કે વાહિયાત ગણે છે. તમે એક કામ કરો પેલો છોકરો બેઠો છે ને તેની પાસેથી પચાસ રૂપિયાની ખારી શીંગ લઇ આવો. આપણે ખારી શીંગ ખાતા ખાતા વાતો કરીશું!!” ઘના બાપા એ કહ્યું અને રોહન ખારી શીંગ લઇ આવ્યો. પડીકું ખોલીને થોડી શીંગ ઘના બાપાએ હાથમાં લીધી શીંગને બે હાથ વડે ચોળી અને પછી ફૂંક મારીને શીંગની ઉપરની ફોતરી એવી રીતે ઉડાડી જાણે કે પોતાના ભૂતકાળના પડળ ના ખોલતા હોય!! ઘના બાપાએ એના ભૂતકાળની વાત શરુ કરી.
“અઢાર વરસની ઉમરે હું રેલગાડીમાં બેસીને સુરત આવ્યો હતો. કોલસાથી ચાલતી ગાડીમાં બેસવું એ વખતે એક લહાવો હતો. ત્રણ ઠેકાણે ગાડી બદલાવીને હું સુરત આવ્યો હતો. અમારા ગામના પાંચેક જણા તે વખતે અહી રહેતા. ઈ વખતે આ જે ગરનાળું કહેવાય છે ને એની આ બાજુ કાઈ નહોતું. ખેતરો હતા ખેતરો!! અમને સુરતમાં બધા ઘસીયા કહેતા!! ઓરીજનલ સુરતી અમને ભાળીને કહેતા “સાલા કાઠીયાવાડી ઘસીયા નીકળ્યા છે”. એ વખતે ગોળ ઘંટીઓ હતી.એક રૂમમાં ચાર પાંચ શીખાઉ કારીગર રહે. સાંજે કોઈના ઓટે બેસવા પણ ના દે.. પાણી ઢોળે અથવા તો અમુક ક્રુડથી બેસવાના ઓટલા બગાડી મારે!! આવી રીતે પાંચ વરસ પછી મારી ગાડી પાટે ચડી. ઠીક ઠીક કમાતો થયો. મારા લગ્ન થયા. લગ્ન પછી ત્રણ વરસ કંકુ દેશમાં રહી અને પછી એને હું સુરત લાવ્યો. ઘનશ્યામનગરમાં એક ભાડાના ગાળામાં હું રહ્યો. અત્યારે સુરતમાં જેમની નામના છે એવા તમામ મારી ઉમરના લોકોમાંથી એંશી ટકા લોકોની શરૂઆત ઘનશ્યામ નગરની એ ઓરડીઓમાંથી થયેલી છે” કહીને ઘના બાપા થોડુક અટકયા અને વળી આગળ વાત ચલાવી.

“ ચારેક વરસ પછી અત્યારે જે સોસાયટી છે એનું બાંધકામ થયું. ત્યાં મેં મહીને ૫૦૦ ના હપ્તે તૈયાર ગાળો રાખેલો. હું અને કંકુ ત્યાં બીજા ત્રણ વરસ રહ્યા.અને પછી મારા બા બાપુજીને સુરત તેડાવી લીધા.અને પછી બાજુમાં જ બીજો એક ગાળો હપ્તેથી લીધો. મારે ત્યાં મોટા દીકરાનો જન્મ થયો. દીકરો પાંચ વરસનો થયો પછી અમે પતિ પત્ની દીકરાને લઈને હરિદ્વાર જવાનું હતું. સાથે મારા બા અને બાપુજી પણ આવવાના હતા.પણ બાપુજીની તબિયત થોડીક બગડી. હું તો જવાનું માંડી વાળવાનો હતો.પણ મારા બા બાપુજી એ આગ્રહ કર્યો એટલે ગયો.
અહીંથી ગાડીમાં બેસીને અમે હરિદ્વાર ગયા. વીસ દિવસે હું પાછો આવ્યો. આવીને વિગતો જાણી કે હું ગયા પછી મારા પિતાજીને ભયંકર તાવ આવ્યો. એને સરકારી હોસ્પિટલ માં દાખલ કરેલા. સોસાયટીના તમામ મકાનમાલિકોએ વારાફરતી મારા બાપુજી પાસે એક દિવસ અને એક રાત રહ્યા. એમ તો વચ્ચે ત્રણ થી ચાર વાર કોલ લગાડીને વાત કરી પણ મને કોઈએ ખબર પણ પડવા દીધી નહિ. એ વખતે ફોન લગાવવો એટલે ત્રણથી ચાર કલાક લાગી જાય ત્યારે માંડ માંડ લાઈન મળે એવો જમાનો!! પોતાના સગા બાપ કરતા વિશેષ સેવાઓ એ વખતે એ સોસાયટીના માણસોએ કરેલી. રાત દિવસ સોસાયટીના માણસો મારા પિતાજીની પથારી પાસે ઉભા પગે રહ્યા હતા!! હું આવ્યો ત્યારે મારા પિતાજીની તબિયત સાવ સાજી થઇ ગયેલી. બસ પછી તો હું કમાતો ચાલ્યો. ખુબ કમાયો છોકરાઓ મોટા થતા ગયા. હવે તો સુરતમાં સારી સારી સોસાયટી બનતી હતી મારી પાસે સગવડ પણ હતી. પણ આ સોસાયટીનો સદભાવ મારા મગજમાં ઘર કરી ગયો હતો. ઘણાએ કીધું કે હવે સારા એરીયામાં રહેવા જાવ!! મારી ગેરહાજરીમાં મારા પિતાજીની સેવા કરવા વાળા એરિયા કરતા જગતમાં બીજો કયો એરિયા સારો હોય???!! બસ પછી તો ઘણા અનુભવ થયા છે આ સોસાયટીના અને નક્કી કર્યું કે આ જગ્યા ફેરવવી નથી.. એક જાતની માયા લાગી ગઈ સમજોને!!! બધા છોકરાઓ ત્યાં પરણ્યા .પછી પોતાના ધંધામાં લાગ્યા. એ બધા પોતાની શક્તિ થી પોતાના મકાન કર્યા!! મને મારા દીકરાઓએ દિલથી કહ્યું કે બા બાપુજી ચાલો અમારી સાથે રહો પણ મને એ જગ્યા છોડવી ગમતી નથી એટલે બધાને મેં સમજાવીને કહ્યું કે તમે ફાવે ત્યાં રહો!! મને મારી રીતે રહેવા દો!! એ બધા ને ખુશીથી એને યોગ્ય લાગે તેમ કરવા કહ્યું. એ પણ આજે સુખી છે. હું તો પહેલેથી સુખી જ છું!! બધા દીકરા મારે ત્યાં અઠવાડિયામાં આંટો મારી જાય અને હું પણ ત્યાં જઈ આવું છું!! બાકી માસ્તર એક વાત મને સમજાઈ ગઈ કે હાઈ ફાઈ વિસ્તારમાં તમે મકાન લઇ શકો બંગલો લઇ શકો કે ટેનામેન્ટ લઇ શકો પણ “ઘર” તો તમને આવી સોસાયટીમાં જ મળે!! જ્યાં તમારા સુખ અને દુઃખમાં આખી સોસાયટી ખડે પગે ઉભી હોય!!” સાંજ પડવા આવી હતી. ઘના બાપા ઉભા થયા. રોહને બાઈક શરુ કર્યું.
કોઈ પણ એરિયો એની જમીનની કીમત કરતા એ એરીયામાં રહેતા માણસોના સરાસરી મુલ્યો, સદભાવ અને ભાઈચારા ઉપરથી નક્કી થવો જોઈએ.. બાકી સોનાની લગડી જેવા વિસ્તારમાં તમને ભવ્ય બંગલા, વિલા મળી આવે પણ ખરા અર્થમાં “ઘર” બહુ ઓછા પ્રમાણમાં હોય છે!!!

લેખક:- મુકેશ સોજીત્રા 
૪૨ , “હાશ” શિવમ પાર્ક સોસાયટી, સ્ટેશન રોડ,મુ.પો ઢસા ગામ તા.ગઢડા જી. બોટાદ પીન ૩૬૪૭૩૦
Author:
GujjuRocks Team

દરરોજ આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર. “ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.