દિલધડક સ્ટોરી નારી વિશે પ્રસિદ્ધ પ્રેરણાત્મક મુકેશ સોજીત્રા રસપ્રદ વાતો લેખકની કલમે વૈવાહિક-જીવન

“એક સમજદાર અને ભાગ્યશાળી પતિદેવ” – પોતાની કોઠાસૂઝથી તેની પત્નીને સમજાવ્યું સાસરીવાળાનું મહત્વ.. દરેક પતિ જો આવો જ સમજદાર હોય તો ક્યારેય છૂટાછેડાની નોબત નહી આવે !!

નામ એનું ચંદન દવે!!
ખુબ જ સોહામણો અને આકર્ષક બાંધાનો વ્યક્તિ ચંદન દવે જીલ્લા પંચાયતમાં ક્લાર્કના હોદા પર!! ચંદન દવેનું બધું ટાઇમ ટુ ટાઈમ!! જીલ્લા પંચાયતમાં મોટાભાગના ક્લાર્કો વાત કરતા હતા કે સેવા અને શિસ્તના તમામ નિયમો જો બખૂબી પાર પાડતા હોય તો એ ચંદન દવે છે!! આખો પંચાયત ધારો એને મોઢે હતો એમ કહી શકાય!! જીલ્લા પંચાયતમાં કોઈ પણ શાખા હોય શિક્ષણ શાખા કે મહેસૂલ શાખા,આરોગ્ય હોય કે સંકલિત બાળવિકાસ શાખા કોઈ પણ શાખાના તમામ નિયમો લગભગ ચંદન દવે જાણતો.
નોકરી મળ્યે લગભગ નવ વરસ થયા હતા. બહુ લાંબો અનુભવ ના કહી શકાય પણ આટલા વરસોમાં પણ ચંદન દવે સર્વે ઓફિસરમાં પ્રિય થઇ ગયો હતો. પછી તો એ ફોન પર જ પ્રશ્નોનું સોલ્યુશન આપી દે એવી આવડત કેળવી લીધી હતી. ગમે તે વિભાગની ટેકનિકલ મેટર હોય કોઈ નિયમ કાયદો કે પેટા નિયમ કે સુધારો હોય કોઈ એને પૂછે કે ચંદન દવે ફોન પર જ કહી દે
“ આ બાબતમાં આવો નિયમ હતો પણ છેલ્લે ૨૦૧૭ માં સ્ટેટનો એવો પરિપત્ર થયો કે કોલમ ચારની પેટાકોલમ ૮ બીમાં સુધારો કરવો અને એ સુધારા માટેનો લેટેસ્ટ પરિપત્ર ઓગસ્ટ ૨૦૧૭માં થયો અને પરિપત્રનો નંબર એસ્ટા/ વશી/ શિક્ષણ/ ૫૪૧૨ તારીખ ૨૧ ઓગસ્ટ ૨૦૧૭ છે અને આ પરિપત્ર તમારી ઓફિસમાં ખૂણામાં જ્યાં ભટ્ટ બેસે છે એ ટેબલ ની ઉપર આવેલ માળીયામાં જ્યાં કરોળિયાએ જાળા બાંધ્યા છે એમાં લીલા કાપડમાં ફાઈલમાં થપ્પો છે એ થપ્પાની આઠમી ફાઈલમાં મારા ખ્યાલ થી પરિપત્ર છે તમે ત્યાં જરા જોઈ લેજોને તમને એ પરિપત્ર મળી જશે”

એ લગભગ રોજ દસ વાગ્યે ઓફિસે આવી જ જાય અને રાતે લગભગ છ કે સાત વાગ્યે જ ઓફીસ છોડે.. કામ હોય તો એ ઓફિસમાં કામ કરે ના હોય તો ભાઈ બંધો પાસે જાય અલગ અલગ વિભાગમાં એનું કામ પણ કરી દે!! આવું એ નવ વરસથી કરતો નહોતો. શરૂઆતમાં તો ચંદન દવે સમયે આવે અને સમય પૂરો થાય એટલે તરત જ રફુચકર!! પણ આવું શરૂઆતના છ વરસ જ ચાલ્યું. પછી એના લગ્ન થયા. લગ્ન ના છ માસ પછી એ વહેલા ઓફિસે આવવા લાગ્યો અને મોડો મોડો જવા લાગ્યો.. કારણ જે હોય તે રામ જાણે પણ ચંદન દવે લગ્ન પછી જીલ્લા પંચાયતમાં વધારે સમય કાઢવા લાગ્યો એ હકીકત છે!!
હવે તો મોબાઈલ ફોન પણ આવી ગયા એટલે કર્મચારીની હાજરી જીલ્લા પંચાયતમાં તો પુરાય પણ એક મસ્ટર ઘરે પણ હોય.. ઘરેથી પણ કોલ આવે અને ખરાઈ કરવામાં આવે કે મજકૂર કર્મચારી ઓફિસે જાવ છું કહીને ખરેખર ઓફિસે જ છે ને ક્યાય બહાર વિઝીટે તો નથી ઉપડી ગયાને!!

આવા ફોન ચંદન દવે ને પણ આવતા. એની પત્ની લગભગ દરરોજ બે વાર તો અચૂક ફોન કરતી. એક સાડા દસની આજુબાજુ આવે અને બીજો ફોન સાડા પાંચે આવે!! જો વચ્ચે ફોન આવે તો ચંદન દવે સમજી જાય કે આજ ખીસ્સ્માંથી ચારસો પાંચ સો જરૂર ઓછા થવાના છે!! બે વાગ્યે કોલ આવે એટલે કા ઘરે કશુક લઇ જવાનું હોય..કા તબિયત સારી ન હોય શ્વેતાની એટલે સાંજે ક્યાંક ને ક્યાંક પંજાબી જમવાનું હોય!! શ્વેતા એટલે ચંદન દવેની પત્ની!!

જયારે જયારે આવા ખર્ચાળ ફોન આવે એટલે ચંદન દવે ખિસ્સામાં ૧૦૦૦ રૂપિયા અલગ કરીને જ રાખે.. પોતાની પાસે ના હોય તો સાથી ક્લાર્ક પાસેથી ઉછીના પણ લઇ લે.કલાર્કની નોકરી એટલે લાંબો પગાર ન હોય અને ઉપરથી કોઈ બીજી આવકને ચંદન દવે ક્યારેય સ્વીકારે નહિ.કોઈની પાસે વધારાના પૈસા એ લે જ નહીં..હા વાર તહેવાર કે દિવાળી જેવો પ્રસંગ હોય ત્યારે બોનસના સ્વરૂપમ કોઈ ભેટ સોગાદ કે મીઠાઈ આવે તો એ ના પણ ના પાડે અને આમેય દિવાળી પર તો ગમે તેટલો પગાર હોય સરકારી કર્મચારીને દિવાળી પર પૈસા હમેશા ખૂટતા જ હોય છે!!
આમ તો ચંદન દવેનો સ્વભાવ ખુબ જ સારો કહી શકાય એવો હતો. હસમુખો અને રમૂજી પણ ખરો.ક્યારેય ગુસ્સે થવાનું એમને આવ્યું જ નહોતું અને આમેય જીલ્લા પંચાયતના કલાર્કમાં ગુસ્સે થવાનું આવે જ નહિ પણ ઉપરી અધિકારીનો ગુસ્સો સહન કરવાનો આવે!! પણ ચંદન દવે લગ્ન પછી થોડા થોડા ગુસ્સે થવા લાગ્યા હતા..હવે તો એ ક્યારેક ક્યારેક પટાવાળા કે જુનિયર કલાર્કને વડકુ પણ કરી લે!! જેમ જેમ સિનીયોરીટી વધતી જાય એમ એમ આવી આવી બાબતો સરકારી નોકરીમાં સ્વાભાવિક હોય છે!!
આજે ચંદન દવે ઓફિસમાં આવ્યાં. સહી કરીને પોતાની ચેર પર બેઠા. આજુ બાજુ વાળા હજુ કોઈ આવ્યા નહોતા. એ બધા લગભગ એક કલાકમાં આવી જશે.પોતે પોતાની કાલની અધુરી વિગતો વાળી ફાઈલો કાઢીને બેઠા અને અને કમ્પ્યુટર પર કામ કરવા લાગ્યા.કલાક પછી શ્વેતાનો ફોન આવ્યો!!

“હા બોલો” ચંદન દવેએ લઘુલીપીમાં શરુ કર્યું. ઘરેથી ફોન આવે એટલે કર્મચારીઓ લઘુ લીપી જ વાપરે જેમ કે “હમમમ” , “ઠીક” , “બરાબર” ,”ઓકે”, “અચ્છા”, “સાચું”, “બાય” બોલો વગેરે

“ખબર છે ને આજ મારો ભાઈ આવવાનો છે? શ્વેતા બોલી.

“ હમમમ તો હું શું કરું?? ટીવીમાં આપી દઉં જાહેરાત લોકલ ચેનલ પર કે આજ શ્વેતા ચંદન દવેના ભાઈશ્રી પધારવાના છે તો સોસાયટીવાળા સાંજે છ વાગ્યે સ્વાગત માટે ગેઇટ પાસે હાજર રહેવું” ચંદન દવે એ બળાપો બહાર કાઢ્યો.

“અરે એમ નહિ પણ હું તો આ જસ્ટ તમને યાદ દેવડાવું છું..ઓકે અને હા સાંજે તમને જે વસ્તુ લાવવાનું કહ્યું છે એ પાછા ભૂલતા નહિ” શ્વેતાને ગુસ્સો તો આવ્યો જ હતો પણ આજ એનો ભાઈ આવવાનો હતો એટલે એ વધારે કશું ન બોલી.

“અરે એમાં યાદ શું દેવડાવવાનું હોય?? ભાઈ શ્રી કઈ પહેલી વાર તો આવતા નથી. મહીને બે મહીને આવતા જ હોય છે ને એટલે એ યાદ જ હોય ને.. અને તે જે કઈ વસ્તુ મંગાવી છે એ ચોક્કસ લેતો આવીશ.. ડીયર કદાચ રસ્તામાં હું ઉકલી જાવ ને તો પણ ભૂત થઈને પણ એ વસ્તુ તને ઘરે તો પહોંચાડી જ જઈશ” ચંદનને વધારે બોલવું હતું પણ સામેથી ફોન કપાઈ ગયો હતો!!
આમ તો ચંદન દવે પોતાની પત્ની સાથે આવી રીતે વાત કરવાની હિમ્મત ધરાવતો નહિ પણ જ્યારે જયારે સાસરિયામાંથી કોઈક આવવાનું હોય અથવા આવ્યું હોય ત્યારે ચંદન એકાદ બે દિવસ પોતાની ધાક જમાવવાનો પ્રયત્ન કરે કારણ કે એને બરાબર ખબર હતી કે જ્યાં સુધી શ્વેતાના સંબંધીઓ ઘરમાં છે ત્યાં સુધી શ્વેતા કશું જ નહિ બોલે!!
ચાલો બે ત્રણ દિવસ તો ઘરમાં સારું સારું ખાવાનું મળશે. ચંદન દવે એ મનોમન વિચાર્યું. ખિસ્સાથી કાપલી કાઢી. શાકભાજીની માર્કેટમાં મળતા લગભગ તમામ શાકભાજીઓ એમાં નોંધાયેલા હતા. નક્કી ઘરે ઊંધિયું બનવાનું છે. ચંદન ખુશ થયો. નહીતર આડા દિવસોમાં શ્વેતા રોજ બોલતી.

“ આ રોજ રોજ શું નવું નવું શાક કરવું?? હું કંટાળી ગઈ છું”

“કંટાળી તો હું ય ગયો છું પણ થાય શું”?? મનોમન ચંદન બોલી ઉઠતો!!

આમ તો શ્વેતાના સાસુ સસરા આવે ત્યારે પોતે શાંત રહેતો અને શ્વેતા વાત વાતમાં દાંતિયા કરતી. પણ ચંદન મૂંગા મોએ સાંભળી લેતો હતો. હા પોતાના પિતાજી અને માતાજી જુનવાણી મગજના હતા એ બરાબર પણ તોય એ એના માતા પિતા હતા. અને એ પણ કાયમ નહોતા રોકવાના માંડ ત્રણ કે ચાર દિવસ રોકાય એમાં પણ શ્વેતાનો પારો કાઈ પણ કારણ વગર છટકેલો હતો. એને બરાબર યાદ હતું કે વરસ દિવસ પહેલા એના માતા પિતા આવ્યા હતા અને અઠવાડિયું રોકાવાના હતા. બીજા જ દિવસે શ્વેતા બોલી.

“ બા બાપુજી અઠવાડિયા સુધી રોકાવાના છે??? એવું હોય તો હું મારા બાના ઘરે જઈ આવું તમને બા રાંધી દેશે.. તમને બાના હાથનું રાંધેલું તો બહુ જ ભાવે છે ને” આવું સાંભળીને ચંદન અંદરથી સળગી ગયો હતો પણ મોઢા પર એ જ ઠંડા ભાવો રાખીને એ બોલ્યો.

“ હા એ બરાબર છે અરે અઠવાડિયું શું કામ તું તારે પંદર દિવસ જઈ આવ્ય અને હા મારી ખાવાની ચિંતા ના કરતી હો.. અહી બધું થઇ રહેશે” હરખમાં આવીને ચંદને કહ્યું. પણ શ્વેતા ખાલી બોલે જ એ જાય શાની??

“ ઈ તો મને ખબર જ છે કે હું જાવ એમાં જ તમે બધા રાજી છો?? કોઈ તમે તેડવાય આવો એમ નથી પણ એમ હું નહિ જાવ હો” શ્વેતાએ મોઢું મચકોડ્યું અને પગ પછાડતી ચાલી ગઈ અને જયા સુધી ચંદનના મમ્મી પાપા રહ્યા સુધી ઘરમાં ભારેલો અગ્નિ જ રહ્યો. પણ સળગ્યું નહિ કારણ કે જેવી શ્વેતારુપી ઝગડાની લહેરખી ઘરમાં આવે કે ચંદન પાણીની ડોલ લઈને ઉભો જ હોય!!
પણ પંદર દિવસ પહેલા એક ઘટના બની અને ચંદન અંદરથી હલી ગયો!! આટલી હદ સુધી તો ના જ ચાલે અને એણે નક્કી કર્યું હતું કે આ વખતે સાસરીયામાંથી કોઈ આવે એટલી વાર છે.પોતે સુશિક્ષિત અને કહેવાતા સંસ્કારી સમાજનો હતો એટલે એ શ્વેતાને મારકૂટથી સમજાવી શકે એમ નહોતો. બાકી એણે સમાજમાં ઘણા એવા કિસ્સા જોયા હતા કે પત્ની સહેજ આડીઅવળી થાય કે તરત ગાલ ઉપર બે પડે એટલે એ સીધી દોર થઇ જાય!! પણ ચંદન એવું સપનામાં પણ વિચારી નહોતો શકતો!! એના વાંચનમાં એવું આવ્યું હતું કે સ્ત્રી ઉપર કાયર પુરુષ હોય એ જ હાથ ઉપાડે!! સ્ત્રીએ શક્તિનું સ્વરૂપ છે!! સ્ત્રીએ ચેતના છે!! સ્ત્રી ત્રણ કુળ તારે એવું બધું એ વાંચતો પણ એને આવો અનુભવ નહોતો થતો એટલે અંદરોઅંદર મુંજાતો હતો!! પણ એણે નક્કી જ કર્યું હતું કે હવે આ રીતે નહિ તો બીજી રીતે શ્વેતાને સમજાવવી તો પડશે!! કારણ કે એ ઘટના જ એવી હતી કે અંદરથી હચમચી ગયો હતો!!

સાંજે સાડા છ એ મોડો ઘરે પહોંચ્યો. આમ તો છ વાગ્યે એ ફ્રી જ હતો.. પણ ઘરે સાળો આવ્યો હતો એટલે એ હાથે કરીને મોડો પહોંચ્યો હતો. ચંદનના માતા પિતા આવતા ત્યારે શ્વેતા પણ આવું જ કરતી.આમ તો એ ઘરે જ રહેતી.પણ એ સમયે સોસાયટીમાં ક્યાંક ને ક્યાંક બેસવા જતી રહે.. ચંદન બોલાવા જાય કે હાલ મમ્મી પાપા ને ચા પીવી છે બનાવી દે ને ત્યારે એ ઘરે આવે અને એ પણ ધીમે ધીમે ડગલા માંડે!!

“આવો આવો કુમાર કેમ છે હજુ સુધી ઓફિસે હતા?? બહુ કામ રહેતું લાગે છે” ચંદનનો સાળો નયન અંદર સોફા પર બેઠો હતો એ ઉભો થઈને બોલ્યો.
“હા જુઓને સરકારી નોકરીયાતને પણ ક્યાં કોઈ સખ લેવા દે છે..ઘરેય ઉપાધિ અને ઓફિસે ઉપાધિ..” ચંદન રસોડા તરફ જોઇને બોલ્યો. રસોડામાંથી શ્વેતા એની માતા સાથે પ્રકટ થઇ અને ચંદન બોલ્યો.
“ઓહો તમેય આવ્યા છોને નમસ્કાર!!”

“ હા ઘણાય દિવસ થઇ ગયા દીકરીને મળી નહોતી એટલે મને થયું કે નયન જાય છે તો ચાલને બે ત્રણ દિવસ જઈ આવું ને દીકરીને મળી આવું.. દીકરી થોડી દુબળી પડી ગઈ છે કુમાર તમે ધ્યાન નથી આપતા લાગતા” એના સાસુ નયનાબેન બોલ્યા.

“દુબળી પડી ગઈ એમ??? ચાર દિવસ પહેલા ડોકટર પાસે ગયા હતા ડોકટરે કીધું કે તમારી દીકરીનું વજન ઘટાડવું પડે એમ છે પૂછો એને આઠ કિલો વજન વધારે છે કે નહિ??? અને તમે કહો દુબળી પડી ગઈ છે” ચંદન હસતા હસતા બોલ્યો!!
પછી તો સહુ વાતુએ વળગ્યા. શ્વેતા એની માતા સાથે રસોડામાં રાંધવા લાગી અને ચંદનનો સાળો નયન એક કોલેજમાં પ્રોફેસર હતો એટલે એની પાસે વાતું ખૂટે એમ નહોતી!! ગુજરાતથી લઈને અમેરિકા સુધીની વાતો સાળો બનેવી કરવા લાગ્યા. નવેક વાગ્યે બધા જમવા બેઠા. આજ નવી થાળીઓ માળિયામાંથી ઉતારી હતી.ઊંધિયા સહીત બે શાક, બદામ નાંખેલો દૂધપાક, ત્રણ અથાણા અને પૂરી અને રોટલી સાથે જમવામાં જમાવટ હતી. જ્યારે જ્યારે ચંદનના સાસરિયાથી કોઈ મહેમાન થયું હોય એ દિવસોમાં આ ઘરમાં જમવામાં હંમેશા જમાવટ જ રહેતી!!

જમીને સહુ ફળિયામાં બેઠા. શ્વેતાએ ઈશારો કર્યો એટલે ચંદન ઠંડુ લઇ આવ્યો. બધાએ પીધું. પછી શ્વેતાએ સહુની પથારી તૈયાર કરતી હતી એને ખબર નહોતી કે પંદર દિવસ પહેલા એણે સાસુ સસરા સાથે કરાયેલ વર્તનથી ચંદન ધૂંધવાઈ રહ્યો છે અને હમણા જ એની પથારી એ ફેરવવાનો છે!!
બધા પોતપોતાના રૂમમાં આવ્યાં અને ચંદન મોટેથી બોલ્યો.

“આ કેમ નવા ગાદલા અને નવા ઓશિકા નયન માટે પાથર્યા છે?? અને ચાદર અને અને આ રજાઈ પણ સાવ નવી છે?? ચાલ આ બધું બદલાવી નાંખ તો તને ખબર નથી પડતી કે આ બધું મેલું થઇ જાય તો પછી તારે ધોવામાં કેટલી તકલીફ પડે છે?? ચાલ ફટાફટ જુના ગાદલા અને ગોદડા નાંખી દે.. ભાળ્યું કોઈ દિવસ નવી વસ્તુઓ કાઢી છે ઘરમાંથી તો??”

સહુ ડઘાઈ ગયા. શ્વેતા તો પથ્થર જ બની ગઈ!! નયન પણ આ સંભાળીને દિગ્મૂઢ થઇ ગયો. નયનાબેન પણ કશું જ બોલી ના શક્યા થોડી વાર પછી એ બોલ્યા.
“એક દિવસમાં શું મેલું થઇ જાય..દીકરીને હરખ હોય ને એની માં અને ભાઈ આવે એટલે નવું નવું પાથરવાનો પણ જૂનું પાથરે તો પણ ચાલે..પણ ચંદન કુમાર હું તમને ત્રણ વરસથી ઓળખું છું આ તમારો સ્વભાવ છે જ નહીં.હું મારા ત્રણ જમાઈમાં સહુથી શ્રેષ્ઠ ગણું છું. બધાને કહેતી ફરુ છું કે અમારા ત્રણેય જમાઈમાં ચંદન કુમાર જેટલું ડાહ્યું કોઈ નથી!! નક્કી તમે જે કાઈ બોલો છો એની પાછળ ઊંડું રહસ્ય તો છે જ!! શ્વેતાની કાઈ ભૂલ હોય તો અમે એને પણ કહીશું જે હોય એ કહો” અને છેલ્લે ચંદન દવે બોલ્યો.
“ભૂલ કોઈની નથી હું ભણ્યો અને સમજદાર છું જ એ જ મારી ભૂલ છે!! આ તમારી લાડકડીને મારા માતા પિતા આવે એ સહેજ પણ ગમતું નથી. એ દિવસોમાં આનું તોબરું ચડેલું જ હોય!! તોય હું કાઈ નથી બોલતો.. પણ પંદર દિવસ પહેલા તો હદ જ કરી નાંખી. મારા માતા પિતા આવ્યા ને એ સાંજે અમને ખવરાવીને બહાર એની બેનપણીને ત્યાં સામેની સોસાયટીમાં જતી રહી. મેં ઉપલા માળે મારા માતા પિતાની પથારી તૈયાર કરી. મેં વળી નવા ગાદલા ગોદડા પાથર્યા જેમ તમારે માટે તમારી દીકરીને નવા ગાદલા ગોદડા પાથરવાનો હરખ હોયને એમ મને પણ હોય ને.. રાતે એણે આવીને જોયું અને ખબર પડી તો મારો ઉપાડો લીધો.. નવા ગાદલા ગોદડા ધોશે કોણ?? આ જુના શું કરવાના?? તમને કોણે દોઢ ડાહ્યા કર્યા તા.. મારી રાહ ના જોવાય?? એટલી વારમાં ઊંઘ આવતી હતી.. હું આવત પછી પથારી કરી દેત.. તમારા બા બાપુજીના ગાદલા ગોદડા અલગ રાખ્યા છે!! ત્યારે મને ખબર પડી કે મારા બાપુજી માટે આ ઘરમાં અલગ વ્યવસ્થા છે અને એના બા બાપુજી માટે આ ઘરમાં અલગ વ્યવસ્થા છે બોલો!! હું સમજદાર છું એટલે બાકી બીજો હોયને તો બે મુકે બરડામાં તે થઇ જાય સીધી દોર!! પણ કોઈ અબળા કે સ્ત્રી પર એવો અત્યાચાર થોડો કરી શકું?? હું તો ભણેલો ગણેલો અને સુસંસ્કૃત સમાજનો સભ્ય!! હું આવું ન કરી શકું!! પણ અત્યારે જે કર્યું એ કરી શકું !! આમાં એક શબ્દ ખોટો હોય તો પૂછો તમારી દીકરીને !!બસ હવે તો મારે બધાને આ પ્રસંગ કહેવાનો છે. કોઈના લગ્ન હોય કે જાહેર મેળાવડો કે કોઈ પ્રસંગે આપણે બધા ભેગા થયા હોઈ ત્યારે આ પ્રસંગનું હું શેરીંગ કરવાનો છું. એટલે બધાને ખબર પણ પડે ને કે ખાલી નામ શ્વેતા હોવાથી કોઈ અંદરથી સફેદ ના હોય પણ અંદરથી કાળું ધબ્બ પણ હોઈ શકે” ચંદન દવે એ જે કહેવાનું હતું એ કહી દીધું અને પાછા ફળિયા ખુરશી ઢાળીને બેસી ગયા.

નયનાબેને અને નયને પણ શ્વેતાને બરાબર ખીજાયા અને સાચી શિખામણ આપી. શ્વેતાને પણ પોતાની ભૂલ સમજાણી હોય એવું લાગ્યું .કારણ કે તે કલાક પછી ચંદનને બોલાવવા આવી હતી. નહિતર આની પહેલા પણ ક્યારેક ચકમક જરતી ત્યારે કોઈ કોઈને બોલાવવા નહોતું આવતું. રીસાયેલું પોતાની મેળે ઉભું થઈને સુઈ જતું. પણ આજ શ્વેતા ખરા દિલથી આવી હતી. એની આંખમાં હવે પછી આવું નહિ થાય તેવો સધિયારો દેખાતો હતો!!

બસ પછીના પંદર દિવસ પછી ચંદન દવે હવે સમયસર જ આવે એ જરા પણ વહેલા આવતા નથી અને સાંજે પ સમય પૂરો થાય એટલે તરત ક ઘરે જાય છે.. જીલ્લા પંચાયતમાં રોકાતા નથી. અને રીશેષમાં એ સામેથી શ્વેતા ને ફોન પણ કરે છે!! ચંદન દવે હવે પહેલા જેટલા ખુશ મિજાજમાં રહે છે!

ચંદન દવે પહેલા એક સમજદાર પતિ હતો!!

હવે એ સમજદાર ની સાથે સાથે ભાગ્યશાળી પતિ પણ છે!! કારણ કે પત્ની સુધરી જાય એ પુરુષનું મોટામાં મોટું ભાગ્ય!!
પણ બધા જ પુરુષો ચંદન જેવા ભાગ્યશાળી નથી હોતા કારણ કે બધાને નયન જેવા સાળા કે નયનાબેન જેવા સાસુ નથી હોતા.. કે જે પોતાની બહેન ને અથવા પુત્રીને સાચા શબ્દો કહે અને જીવનરાહ બતાવી શકે!! આવા સાળા અને સાસુ મળે તો પુરુષ ધન્ય થઇ જાય!!!!

લેખક :- મુકેશ સોજીત્રા
૪૨, “હાશ” શિવમ પાર્ક સોસાયટી, સ્ટેશનરોડ , મુ.પો ઢસા ગામ.તા .ગઢડા જી. બોટાદ પીન ૩૬૪૭૩૦

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks