દિલધડક સ્ટોરી રસપ્રદ વાતો લવ-સ્ટોરી

એક નાની વાર્તા….દરેક સ્ત્રીએ વાંચવા જેવી અને દરેક પુરુષે વાંચી અને સમજવા જેવી વાર્તા ..

વિશાલ સડસડાટ પોતાના ઘરે બપોરના સમયે અચાનક પાછો આવ્યો. કદાચ કોઈ વસ્તુ ભૂલી ગયો હશે..
અનામિકા : કેમ અચાનક આમ બપોરે ???
વિશાલ : કેમ બપોરે ના અવાય મારાથી ઘરે, તું તારું કામ કરને.

અનામિકા કઈ બોલી ના શકી. અને જ્યાં ઉભી હતી ત્યાં જ સ્તબ્ધ બનીને ઉભી રહી ગઈ.

વિશાલ હોલમાં બધો સમાન આમ તેમ કરી અને કાંઇક શોધી રહ્યો હતો. પણ મળતું નહોતું.

હોલના બધા જ કબાટ અને ડ્રોવર એને અસ્ત વ્યસ્ત કરી નાખ્યા.

અનામિકા : (પોતાનું મૌન તોડી અને વિશાલની મૂંઝવણ જોઈ) શું શોધો છો એમ તો જરા કહો ?

વિશાલ : (ગુસ્સામાં) તારા માં ઠેકાણા હોત તો મારે જોવતું જ શું હતું, મારે જે જોઈએ છીએ એ હું શોધી લઈશ, તું તારું કામ કર.

અનામિકા ફરી પાછી મૌન થઇ ગઈ. અને વિશાલ પોતાની વસ્તુ શોધવાની મહેનત માં લાગી ગયો. હોલને વેરવિખેર કરી એ બેડરૂમ તરફ ગયો. ત્યાં આનામિકા એ તાજી ગોઠવેલી તિજોરીના કપડા પણ એને જાણે ધોબીને ધોવા આપવાના હોય એમ ખુલ્લા કરી અને બહાર નાખી દીધા, આખી તિજોરી જાણે કે કોઈ કબાડી ખાના ની જેમ અસ્ત વ્યસ્ત કરી નાખી. અનામિકા પણ બેડરૂમ તરફ નીચી આંખે જોઈ રહી હતી. પણ વિશાલના ગુસ્સાવાળા સ્વભાવ સામે એની બોલવાની હિંમત ના થઇ.

વિશાલ ગુસ્સામાં બબડી રહ્યો હતો .. “ આ ઘરમાં કોઈ વસ્તુ ઠેકાણે ના હોય, જયારે જોઈએ ત્યારે કઈ ના મળે.”

અનામિકા સમજી ગઈ કે વિશાલ પોતાની ચેકબુક શોધી રહ્યો છે, બેડરૂમ માં જઈ અને તિજોરીમાંથી એક પાકીટ કાઢી, એમાંથી ચેકબુક વિશાલના હાથમાં આપતા કહ્યું : “તમે આજ શોધતા હતાને..???”

વિશાલ :  હા, મારી વસ્તુ તું શું કામ અડે છે, મારો અડધો કલાક તે બગડી નાખ્યો, મારે મોડું થાય છે અને તમને મને હેરાન થતો જોવાની મઝા આવે છે.

અનામિકા : તમે એકવાર મને પૂછ્યું હોત તો હું શોધી આપતીને, તમે પૂછતા નથી અને મારી ઉપર જ ગુસ્સો કરો છો.

વિશાલ : પોતાના ઠેકાણા નહિ અને મને કે છે ગુસ્સો કરે છે, તે એવી જગ્યા એ મૂકી તો મને ક્યાંથી મળે ?

અનામિકા : કાલે તમે ટીવી જોતા હતા ત્યારે તમારા હાથમાં હતી અને આયુષ (વિશાલ અને અનામિકાનું ૪ વર્ષનું બાળક) ના હાથમાં મેં જોઈ તો મેં એને તિજોરીની અંદર પાકીટમાં સાચવીને મૂકી દીધી એ ફાડી ના નાખે એટલે.

વિશાલ ગુસ્સામાં લાલપીળો થતો અને ઘરેથી નીકળી પોતાના કામ માટે ચાલ્યો ગયો….
ક્યારેક ક્યારેક આપણે એવું સમજીએ કે આપણને બધી જ ખબર પડે છે, આપડે જે કરીએ તે જ સાચું છે, ક્યારેક આપણે આપડા  માં – બાપ ને પણ પૂછવા નથી રહેતા અને નાની નાની વાતે એમ કહી દિયે છીએ કે “તમને ખબર ના પડે….” હા. બધી ખબર આપણને જ પડે છે, આવું કહેવા માં એક મોટો ઈગો રહેલો છે અને પોતાના આ ઈગો ના કારણે આપડે પોતે તો દુખી થઈએ છીએ સાથે સાથે આપણી આજુબાજુ રહેલા લોકોને પણ આપડે દુઃખી કરી રહ્યા હોઈએ છીએ. પણ ઈગો એવો હોય કે એમાં આપણને એ બધાનું ભાન જ ના રહે.. આ ઈગો જ સંબંધો તુટવા પાછળનું મોટું કારણ છે.

મારી આ વાર્તા ઘણા પરિવારોમાં જીવંત બનેલી હશે, અનુભવેલી હશે. કેટલીય સ્ત્રીઓ રોજ આવી બાબતોનો ભોગ બનતી હશે.

લે…. નીરવ પટેલ “શ્યામ”
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.