કૌશલ બારડ લેખકની કલમે

એક માતાની વેદના વાંચીને સૌરાષ્ટ્રની મેરાણી ઇઝરાયેલી ભગતને પરણી! વાંચો એક અજાણી હક્કીકત

ઘેડ અને બરડાના પ્રદેશમાં મહેરોની ખમીરવંતી કોમ વસે છે. એક વખત હતો જ્યારે કાઠિયાવાડના રાજકાજમાં મહેરોની હાજરી અબાધિત લેખાતી. તેની તલવારો અને કડિયાણી ડાંગોનાં પાણી ભલભલાની ટેક મૂકાવતાં, તો સ્વપ્નસુંદરીઓ જેવી મેરાણીઓ વિશે એવું કહેવાતું કે પરમાત્માએ તેમને નવરાશની પળોમાં જ ઘડી હશે! આજે તો આ કોમ ઘણી આગળ વધી છે. યુરોપ-અમેરિકામાં ધંધાર્થે મહેરો પથરાયા છે ને પ્રગતિ કરી રહ્યા છે. જો કે, આજે પણ તેમણે ભાતીગળ સંસ્કારો, માન, મોભો ને મરાજાદા મૂક્યા નથી.

અહીં વાત કરવી છે એક મેરાણીની. ઘેડમાં ઉછરીને મોટી થયેલી એક છોકરીની, જેનો વસવાટ વિધાતાએ ભૂમધ્ય સમંદરને કાંઠે આવેલા ઇઝરાયેલમાં કરાવ્યો! માત્ર વસવાટ નહી, અહીં જ ઘરસંસાર પણ માંડ્યો; અને તે પણ એક ઇઝરાયેલી પરિવારમાં! આવું શા માટે થયું? કોઈ અતિશ્યોક્તિનો પ્રયોગ કર્યા વગર અહીં એ જ લખીને આપ્યું છે, જે વાંચીને તમને ઇઝરાયલમાં રહેતી આ નખશિખ સોરઠિયાણી પણ માન થયા વગર રહેશે નહી!

નાથીબેન મોઢવાડિયા:
આજે તો આ બેનનું નામ ‘શાંતિ’ છે. પણ એ વખતે નામ નાથી હતું. મહેરોની વખણાતી અને પંકાતી જ્ઞાતિ ‘મોઢવાડિયા’ પોરબંદરનાં કુતિયાણા તાલુકામાં આવેલ કોટડા ગામે નાથીબેન જન્મયાં. ગિરનારના વાયવ્ય ખૂણે ધોરાજી નજીક આવેલ મોટી મારડ ગામમાં એમણે પ્રાથમિક શિક્ષણ લીધું.

મેરાણી ભણી અને પરણી. પણ કમનસીબે સંસારી રથનું એક પૈડું ખોટકાયું. લગ્નજીવનમાં વિક્ષેપ પડ્યો. બે ફૂલ જેવી દીકરોએ નાથીબેનને પેટ પડી હતી. એ વખતનું એનું દુ:ખ તો જાણે કહ્યું જાય તેવું હતું નહી. અહીં રહીને તેણે દર્દના ડુંગરા જ વેઠ્યા એમ કહો તો પણ ના નહી. પણ આ સ્ત્રીને હજુ આગળ વધવું હતું. સાંસારિક દુ:ખોનો પહાડ તેને લાંઘવો પડે એમ હતો, પણ એ લાંઘીને પણ તેને આગળ વધવું હતું. તમન્ના હતી તેનામાં પુષ્કળ. અને એક વખત એવો આવ્યો જ્યારે તેને દિશા પણ મળી ગઈ.

ભૂમધ્ય સમુદ્ર ભણી:
૨૦૦૭ની સાલમાં નાથીબેન ઇઝરાયેલ ગયાં. અહીં ડોક્ટર સોમેશ્વર શર્મા નામના એક મૂળે ભારતીય એવા આયુર્વેદિક નિષ્ણાતને ત્યાં અભ્યાસમાં જોડાયાં. ડોક્ટર ભલા હતા. તેમને નાથીબેનને ધર્મની બહેન માનીને ભણાવી.

 

માતાની વેદના વહુ બનીને ટાળી!:
અહીં એક ઇઝરાયેલી સ્ત્રી દરરોજ આવતી. તગીત એનું નામ. નાથીબેનને જોઈને આ બાઈનાં હ્રદયમાં કોણ જાણે ક્યાંથી વાત્સલ્યભાવનું અમીઝરણ ફૂટતું! દેશ-ધર્મનો કશોય સમાન કહી શકાય તેવો યોગ નહી પણ બંને વચ્ચે મનનો મેળ જામી ગયો! તગીતને ઘણીવાર થાય કે, “નાથી મારી દીકરી હોત તો કેવું સારું થાત?!”

એ સાથે જ આ બાઈના મુખ પર એક વિષાદની છાયા પણ છવાયેલી રહેતી. તગીતને દીકરો હતો. અડાબીડ જુવાન કંધોતર હતો. પણ કોણ જાણે શુંયે થયું તે એ અલખનો આરાધક બની ગયેલો! સંગીત અને સાધના પાછળ તે વૈરાગી જેવો થઈ ગયો હતો. ભગત બની ગયો હતો, ભગત; ઇદો ભગત! પરણવાની તો ઇદા ભગતે ઘસીને ના પાડી દીધી હતી.

પણ એક સમય આવ્યો જ્યારે દુ:ખી તગીતને જાણે બધું મળી ગયું. એ બાઈને નાથી દીકરી સ્વરૂપે જોઈતી હતી. પણ દીકરીનો પારકાં ઘરનો માળો કહેવાય. નાથી તો એને વહુના રૂપમાં મળી! સંસાર ત્યાગવા બેઠેલો ઇદો ભગત પણ પાછો મળ્યો. તગીતના હરખનો પાર ન રહ્યો. ઇદો દ્રોરી અને નાથીબેન લગ્નગ્રંથિથી જોડાયાં. વિધાતાએ કેવો અજબ સંયોગ રચ્યો!

મલકમાં અકારણ માછલાં ધોવાયાં:
નાથીબેને ઇઝરાયેલમાં લગ્ન કર્યાં એટલે અહીં લોકો તેમના વિશે અવનવું બોલવા લાગ્યા. ખરી વાત કોઈ જાણતું નહોતું અને અમુકને જાણવાની જાણે પરવા પણ નહોતી. બંને દીકરીઓને માવતર પાસે મૂકીને બાઈ વિદેશમાં જઈને વરી ગઈ…ને એ મતલબનું ઘણું બધું! ગામને મોઢે ગળણું તો લાખ વાતેય નથી બંધાતું. આપણો જન્મગત સ્વભાવ છે કે કોઈકને ઉતારી પાડવા માટે નાની શી વાત પણ મળી જાય તો સમય પસાર કરવાનું બહાનું મળી જાય!

પણ નાથીબેન કંઈ પેટનાં જણ્યાને ભૂલે?:
લોકો ભલે ગમે તે કહે પણ આખરે વાત્સલ્યની વાતું તો વેદના વેઠનારને જ ખબર હોય! ૨૦૧૦માં ઇદો ભગત અને નાથીબેન ભારત આવ્યાં. પોતાની બંને દીકરીઓને લઈને ૨૦૧૧માં ઇઝરાયેલ જતાં રહ્યાં. બાઈ તગીતને પેટનાં જણ્યાં મળ્યાં હોય તેવો હરખ દીકરીઓને જોઈને થયો. હવે બંને ફૂલડાંઓ આખા પરિવારની સાગમટી વાડીનાં હતાં, જેની માવજત કરવામાં ત્રણેય જણાને સમાન રસ હતો.

અને આજે:
આજે નાથીબેનનો પરિવાર સુખ, શાંતિ અને સમૃધ્ધિ ભોગવે છે. સાસુ તગીત અને પતિ ઇદો દ્રોરી નાથીબેનના પૂર્વ લગ્નજીવનની બંને દીકરીઓને પોતાની જ માનીને રાખે છે. નાથીબેન યહુદી રાષ્ટ્રમાં પણ સૌરાષ્ટ્રની ભાતીગળ સંસ્કૃતિને મૂકે તેવાં નથી! સ્નેહનો તાંતણો સમંદર પાર બંધાયો છે, પણ જબરો બંધાયો છે. ઘણા લોકો એ નાથીબેનનો નિર્ભેળ સ્નેહ અનુભવ્યો છે. આખા પરિવાર માટે માન ઉપજે તેવું છે.

મોઢવાડામાં અલખનો આરાધ જગાવનાર સતી લીરબાઈ માતાએ એક ભજનમાં ગાયું છે, કે :
નદી ને નાળાં જો તાગી ન શકો તો,
તમે સમંદરને શાને હિલોળો?

આઈ લીરબાઈના જ કુળમાં જન્મેલ નાથીબેન મોઢવાડિયાએ ખરાં અર્થમાં નદી-નાળાં માપ્યાં છે અને એ પછી જ સમુદ્રમાં સફર કરવાની હોંશ ભીડી છે!

પોસ્ટ સંદર્ભ : ખીમાણંદભાઈ રામ (ઉના).

આશા છે, કે આ આર્ટિકલ તમને પસંદ પડ્યો હશે. અમારી સાથે જોડાયેલા રહો, અમે આવી વાતો આપતા રહીશું. ગમ્યું હોય તો લીંક શેર કરીને આપના મિત્રોને પણ વંચાવજો, ધન્યવાદ!


Author: કૌશલ બારડ GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.