મુકેશ સોજીત્રા

“એક કાશી ડોશીના આશીર્વાદ” – કોઇની આતરડી ઠારી હશે ને એમાથી નીકળેલી દુઆ પણ વિધાતાના લખેલા લેખ બદલી શકે છે….વાંચો આજે એવી જ અદભૂત વાર્તા મુકેશ સોજીત્રાની કલમે !!

“શિવાની તું સમજી વિચારીને બોલે છે ને બેટા!! ઘર મોટું છે એની ના નહિ પણ ત્યાં જઈને તારે કાયમી માટે ગામડામાં જ રહેવું પડશે.કોઈ લાગણીમાં આવીને તું નિર્ણય ન લેતી બેટા. અમદાવાદ, સુરત અને છેક મુંબઈ સુધીના માંગા છે તારા માટે પણ આ તો વૈભવદાસને હું ના ન પાડી શક્યો. કારણ કે તારા બને ભાઈઓના સગપણ ગોઠવવામાં વૈભવદાસે ફક્ત રસ જ નહોતો લીધો પણ બધી જ જવાબદારી લીધી હતી એટલે જ તારા બને ભાઈઓ મુંબઈ પરણી ગયા છે. ભલે ને અત્યારે બન્ને પાસે ફલેટ છે તોય મુંબઈમાં આશરો છે એજ મોટી વાત છે. અને વૈભવદાસની ઈચ્છા હતી કે એક વખત શિવાની ખુશાલને જોઈ લે. અને હું દામોદરદાસ શેઠનું ઘર જોઈ લઉં અને દીકરો અને દીકરી એક બીજાને પસંદ કરી લે તો સગપણનું ગોઠવી નાંખીએ” ભગવાનદાસે એની દીકરી શિવાનીને કહ્યું.
“ પાપા એમાં શું વિચારવાનું ખુશાલ ભલે ને ગામડામાં રહેવાનો હોય અને જીવવા માટે શું જોઈએ પાપા. બે ટંકનો રોટલો અને પ્રેમભર્યો પરિવાર જ ને?? અને આમેય હું તો ગામડામાં જ ઉછરી છુ ને સાચું કહું પાપા આમેય મને મુંબઈ નથી ગમતું સ્હેજેય!! એની ભીડમાં હું અકળાઈ જાઉં છું.લોકો કેવી ભાગદોડ કરતાં હોય છે. ભાઈના ઘરે જાવ છું તોય હું અઠવાડિયામાં કંટાળી જાવ છું.. ઘણા બધા માણસો રસ્તાઓ પર ચાલતા હોય છે. પણ કોઈ કોઈને ના ઓળખે એ કેવું.. અને ભાઈ જે ફલેટમાં રહે છે એ બિલ્ડીંગમાં પણ કેવું નહિ.. વરસોથી રહેતા હોય એક જ બિલ્ડીંગમાં રોજ તમને બધા સામા પણ મળે પણ કોઈ જાતનો બોલવાનો વ્યવહાર જ નહિ!! મને તો ના ફાવે.. માણસ થઈને માણસને કોઈ ના બોલાવે તો માણસ ગૂંગળાઈ ના જાય પાપા” શિવાની એ એના પાપા ભગવાનદાસજી ને જવાબ આપ્યો.
“મુંબઈ જ પરણવું એમ હું નથી કહેતો. સુરત અમદાવાદમાં ઘણા બધા છોકરાઓ છે. આપણો ઘણો સમાજ હવે શહેરોમાં છે. ગામડામાં રહી ગયા એ ભૂખે તો નથી મરતા એમ જાહોજલાલી પણ નથી ભોગવતા!! અને જે તે પસંદ કર્યો છે એ છોકરો સારો જ છે પણ એની માતા ચાર વરસથી ખાટલાવશ છે. પહેલા તો ખુશાલ મુંબઈ જ રહેતો પણ પછી એની માતાને ચીકનગુનિયા થયા પછી એ અહી આવ્યો અને વળી એની સારવાર કરવા માટે લોકો મુંબઈ ગયા.મુંબઈમાં બે વરસમાં ઘણા દવાખાના ફેરવ્યા પણ ના મટ્યું એ ના જ મટ્યું અને એ લોકો પાછા આવી ગયા ગામડામાં અને હવે એ એવી છોકરી શોધે છે કે જે એની માતાની સેવા કરી શકે. ચોવીસ કલાક સેવા કરવા માટે જ આ લોકો ઝડપથી સગપણ શોધે છે. એટલે સેવા કરવા માટે જ લગ્ન કરવા હોય તો મને વાંધો નહિ!! આ તો તને એટલા માટે કહું છું કે પાછળથી તું આંસુડા પાડે એ મને ના ગમે એટલે જે વિચાર કર્યને શિવાની બેટા એ સમજી વિચારીને કરજે!! માનું છું કે નાનપણથી તું ખુબ જ દયાભાવના રાખવા વાળી છો. તારું વાંચન પણ એવું જ છે પણ તોય લાગણીના પૂરમાં તણાઈને કોઈ એવો ફેંસલો ના લેવો કે એ લીધા પછી પસ્તાવાનો પાર ના રહે!!” ભગવાનદાસ એની દીકરી શિવાનીને પોઈન્ટ ટુ પોઈન્ટ સમજાવતા હતા. પણ શિવાની એના ફેસલામાં અડગ જ રહી તેની ભગવાનદાસજીને નવાઈ લાગતી હતી.
અને કોઈ પણને નવાઈ ન લાગે તો જ નવાઈ!!
દામોદરદાસ પહેલેથી ધનાઢ્ય હતા. જ્ઞાતિમાં થોડા અહમી અને થોડા સનકી તરીકેની ગણતરી પણ થતી. એના ત્રણ દીકરા હતા. મોટા બે ય મુંબઈમાં કારોબાર કરતા હતા.મુંબઈનો કારોબાર છોડીને બેય મોટા દીકરા કેનેડા જતા રહ્યા હતા પોતાના સસરાની પાસે. બનેના સસરા કેનેડામાં ઘણી બધી જાયદાદ ધરાવતા હતા!! પાછળ વધ્યા ત્રણ જણા.. એક દામોદરદાસ એની પત્ની રમાગૌરી અને ત્રીજા નંબરનો દીકરી ખુશાલ.

ખુશાલ પણ મુંબઈ હતો જ કાપડ બજારમાં એક મોટી દુકાન હતી. ઘાટકોપરમાં સર્વોદય હોસ્પિટલ પાસે જ એક બંગલો હતો. આ ઉપરાંત વસાઈમાં પણ ત્રણ ઘરની દુકાનો હતી. એનું ભાડું પણ સારું આવતું હતું. પણ ચારેક વરસ પહેલા ભાગ્યચક્ર અવળું ફર્યું. રમાગૌરીને ચીકન ગુનિયા થયો. દામોદરદાસ અહી ગામડામાં જ રહેતા હતા. ગામમાં સહુથી મોટી કરીયાણાની એની જ દુકાન હતી. ગામના લોકો એને શેઠ જ કહેતા હતા. રમાગૌરીએ શરૂઆતમાં ચીકન ગુનિયા પ્રત્યે ધ્યાન ના આપ્યું.
અમુક રોગ એવા હોય કે શરૂઆતમાં તમે એના પ્રત્યે ધ્યાન ન આપોને તો એ રોગ તમારા તરફ ખુબ ધ્યાન રાખે!! શરૂઆતમાં ખાલી પગ જ ઝકડાઈ ગયા પણ પછી રમાગૌરીનું આંખુ શરીર ઝકડાવા લાગ્યું.પાણીનો ગ્લાસ પણ પોતાની જાતે ના પકડી શકે એ હદે એના સ્નાયુઓ શિથિલ થઇ ગયા હતા.પછી તો દવા પણ ખુબ જ કરાવી. આંગળીઓ પર કેલ્શિયમના ઇન્જેક્શન પણ લગાવ્યા. મોટા મોટા ટીકડા પણ ખુબ જ ગળ્યા. ખુશાલ મુંબઈ થી આવ્યો. સ્પેશ્યલ એમ્બ્યુલન્સમાં રમા ગૌરીને મુંબઈ લઇ ગયા. જસલોકથી માંડીને મુંબઈની સારામાં સારી અને મોંઘામાં મોંઘી હોસ્પિટલમાં સારવાર શરુ થઇ પણ બે વરસે હતા ત્યાને ત્યાં. રમાગૌરી આખા જકડાઈ ગયેલા જ રહ્યા. હવે તો એ એકલા નાહી પણ ના શકે. એકલા ખાઈ પણ ના શકે!! અને પછી કંટાળીને એ લોકો આવતા રહ્યા દેશમાં.. મુંબઈનો બધો જ કારોબાર અને બંગલા ભાડા પર આપી દીધા હતા. અહી આવીને દામોદરદાસે આવીને ખુશાલનો સંબંધ શોધવા લાગ્યા. એને હવે દીકરો પરણાવવાની ઉતાવળ હતી.!!
પણ કહેવત છે ને કે વારા પછી વારો અને વરસાદ પછી ગારો એમ જ્ઞાતિજનો હવે વાટ જોઇને જ બેઠા હતા કે કોની દીકરી ખુશાલની વેરે જાય છે. દામોદરદાસે અગાઉ પોતાના બે દીકરા પરણાવ્યા ત્યારે ખુબ શેખી મારી હતી. જ્ઞાતિની સારી સારી કન્યાઓમાં પણ એને ખામી દેખાતી હતી. પોતાના બે ય દીકરા માટેની કન્યાઓ એને મુંબઈમાંથી ના મળી તે છેક કોચીન થી લાવ્યા અને બે ય દીકરાઓ સસરાના પુંછડામાં જઈને બેઠાં અને ચાલ્યા ગયા કેનેડા!! અને હવે ઘરે રમા ગૌરીનો ખાટલો તે કોણ દીકરી જવા તૈયાર થાવ આવા ઘરમાં!! વળી અધૂરામાં પૂરું તે સગપણ વખતે જ ખુશાલ ચોખવટ કરી જ નાંખે.

“ અમે કદી હવે મુંબઈ જવાના નથી. મારી બાની તબિયત બગડતી જાય છે. પોતાની જાતે એ કશું જ નથી કરી શકતા. એટલે એની સારસંભાળ થી અને સેવાથી ના થાકો એમ હો તો જ હા પાડજો. પછી પાછળથી ડખા થાય કે અમને અંધારામાં રાખ્યાં. તમને એમ થાય કે બા ની સેવા માટે કોઈ નર્સ પણ રાખી શકાય ને પણ અમે એમ માનીએ છીએ પારકું એ પારકું અને ઘરનું એ ઘરનું!! હા એક વાર મારી બા સાજા થઇ જાય પછી તો કશું જ નથી કરવાનું. ઘરમાં રાંધવા વાળા અને સફાઈ વાળા રાખેલા જ છે.પછી તો બાર બાદશાહી જ છે ને” ખુશાલ આ ખુલાસો કરે એટલે સામા વાળા તરત જ ચાલતી પકડે. બધા જ સમજતા હતા કે મુંબઈમાં બે વરસ દવા કરાવી અને ચીકન ગુનિયા ના મટ્યો એ હવે અહી ગામડામાં થોડો મટશે. પછી તો આર્થિક રીતે નબળા કુટુંબમાં પણ દામોદરદાસે વાત ચલાવી જોઈ. પણ કોઈ હા જ ના પાડે!!
પણ શિવાનીએ હા પાડી દીધેલી. શિવાનીના પાપા આર્થિક રીતે સામાન્ય હતા. આવા મોટા ઘરમાં દીકરી જાય એ એના માટે ગૌરવની વાત તો હતી પણ સાથોસાથ જ્ઞાતિજનોમાં પણ વિરોધ થયો. ઘણાએ મોઢે ચડીને કીધું.

“છોકરીને સાવ તમે નાંખી જ દ્યો છે.. ઘર સારું.. પૈસા પણ ક્યારેય ના ખૂટે..ખુશાલમાં પણ કોઈ ખામી નથી..પણ જઈને સીધી સાસુની સેવા જ કરવાની ને ચોવીસ કલાક..અને એ રમા ગૌરીને તમે હજુ ઓળખતા નથી.. રાતના બાર વાગ્યે કે બે વાગ્યે પણ જગાડીને સેવા કરાવે એવા છે. તમે આ ભૂલ કરો છો ભગવાનદાસ મોટી ભૂલ કરો છો”

“દીકરીએ પોતાની જાતે નિર્ણય લીધો છે. મેં અને એની માતાએ એને ખુબ સમજાવી જોઈ પણ એણે ખુશાલ સાથે પહેલી મુલાકાતમાં જ હા પાડી દીધી. સારા બંગલા જોઇને એ હા પાડે એમ નથી. અમને અમારી કાર પર ભરોસો નથી પણ અમારા સંસ્કારો પર અમને ભરોસો છે. નક્કી શિવાનીના મનમાં કશુક તો છે જ.. સેવાથી એ થાકે એવી નથી.. એને જે ગમ્યું તે ખરું.” ભગવાનદાસ પોતાની દીકરીને ક્યારેય કોઈ વાતમાં દોષ ના દેતા!!
જેમ જેમ વાત ફેલાતી ગઈ એમ સમજાવવા વાળા વધી ગયા. ઘણા તો બાયોડેટા લઈને પણ આવી ગયા શિવાની પાસે ભવિષ્યના સોનેરી સપનાઓ પણ બતાવ્યા. અને કહ્યું કે હાથે કરીને કુવામાં પડવું સારું નહિ. તને કદાચ માનવતા, સેવાભાવના ,ના સપના આવતા હોય પણ વાસ્તવિકતા વરવી હોય છે. એકાદ મહિનામાં તું એવી કંટાળી જઈશ કે પછી તું ક્યાયની નહિ રહે!! પણ શિવાની હસતા મુખે બધું સાંભળી લે. બધાને છેલ્લે એક વાત કરે.

“ આમ તો બધું આપણે ભગવાન ભરોસે છીએ એમ કહીએ અને તોય આપણે આપણું ધાર્યું કરવા કેટલી મથામણ કરતાં હોઈએ છીએ નહિ. સેવા લખાયેલી હોય તો એ કોઈ પણ સ્વરૂપે આવીને ઉભી રહે. હું પરણીને જાવ અને પછી સાસુ બીમાર પડે તો શું કરવાનું?? કાલ્ય સવારે મારી સાથે આવું થાય તો?? ભલે ને એ વખતે કોઈ મારી સેવા ન કરે પણ મારા મનમાં એ વખતે સહેજ પણ અફસોસ ના રહેવો જોઈએ કે મેં સેવા નહોતી કરી એટલે મારે આ ભોગવવું પડ્યું. આજ જીવન છે. એકદમ સરળ અને સીધા રસ્તા કરતા મને આવા અડચણ વાળા રસ્તા પર ચાલવાનું વધારે પસંદ આવે છે. કોલેજમાં ભણતી ત્યારે અમારા પ્રોફેસર એક વાક્ય હમેશા કહેતા. દરિયા કિનારે લાંગરેલા જહાજો કેવા ખુબ સુરત લાગે છે નહિ પણ આ એ જહાજોની કાયમી જગ્યા નથી.. એની કાયમી જગ્યા તો મધ દરિયે ઉછળતા મોજાઓ સાથે રહેલી છે,, જહાજોનું નિર્માણ એટલા માટે થયું હોય છે કે ગમે તેવો ઊંડો અને મોજાઓથી ઘૂઘવતો સમુદ્ર પણ એ પાર કરી શકે!! “ કશા પણ આડંબર કે અહંકાર વગર કહેવાયેલી આ વાતોથી શિવાની ભલભલાને વિચારમાં મૂકી દેતી.
અને સગપણ ગોઠવાયું. મહિના પછી ધામધૂમપૂર્વક લગ્ન ગોઠવાયા. વરરાજાનો ઉતારો ગામની શાળામાં રાખવામાં આવ્યો હતો. બપોરે દસ વાગ્યે વરઘોડો ચડ્યો. શિવાનીનું ઘર લગભગ નજીક આવી ગયું અને ગામ લોકોને કૌતુક થયું. વરઘોડાની બાજુમાં જ રમાગૌરીની કાર ચાલતી હતી. એમાં રમાં ગૌરી સુતા હતા. એ ચાલી તો શકે એમ નહોતા પણ પોતાનો દીકરો પરણતો હોય તો કઈ માતા ઘરે બેસી રહે??? પણ અચાનક જ શિવાની વરરાજાનું સ્વાગત કરવા હાર લઈને આવી. જાનમાં આવેલી છોકરીઓ ગરબા સાથે ડિસ્કો કરી રહી હતી. ખુશાલનું સ્વાગત કરીને શિવાની માંડવા બાજુ જતા હતી ને ત્યાં જ અચાનક કારનો લોક ખુલ્યો.. બારણું ઉઘડ્યું.. રમાગૌરી ચાલતા ચાલતા શિવાનીની બાજુમાં આવ્યાં અને ઉભા રહી ગયા.પોતાના હાથમાં ફૂલની એક માળા હતી એ શિવાનીને પહેરાવી દીધી અને કોઈ સમજે એ પહેલા તો એણે શિવાનીને ઊંચકી લીધી અને છોકરીઓ જે ગરબા લેતી હતી એની વચ્ચે એ ગોળ ગોળ ઘુમવા લાગ્યા!!! સહુ ફાટી આંખે જોઈ રહ્યા કે રમા ગૌરી તો બીમાર હતા ને એકાએક સાજા કેવી રીતે થઇ ગયા?? અને એટલાં સાજા કે પોતાના ઘરની લક્ષ્મીને ઊંચકીને એ ગરબામાં ગોળ ગોળ ફરી શકે!!! સહુ નવાઈ પામી ગયા કે આવો ચમત્કાર કેવી રીતે બની શકે!!!

એક બાજુ ખુશાલના પરણેતર ચાલુ હતા ને બીજી બાજુ દામોદરદાસે માંડવા વચ્ચે જ વાત શરુ કરી.
“શેઠાણીને મુંબઈમાં જ સારું થઇ ગયું હતું. છ માસ પહેલા જ પણ અમે ત્યાં પણ છુપાવી રાખ્યું અને અહી આવીને બીમારી હજુ ચાલુ જ છે.. શેઠાણીથી ઉભા નહોતું થવાતું એ બધી વાતો અને કોઈ મહેમાન કે ગામના આવે ત્યારે પથારીવશ થઇ જાવાનું નાટક ચાલુ રાખ્યું. અમારે ખુશાલને પરણાવવો હતો એટલે આ નાટક કરવું પડે એમ હતું. બે મોટાને પરણાવ્યા અને થાપ ખાઈ ગયા એવી થાપ આમાં નહોતી ખાવી. તમે જાણો છો કે બેય મોટા એની પત્ની સાથે કેનેડા ભેગા થઇ ગયા સસરાની સેવા કરવા. અને એટલા બીઝી થઇ ગયા છે કે બેમાંથી એકાય આજે અહી ડોકાયો નથી નહિતર એના સગા ભાઈના લગ્ન છે બેમાંથી એકે તો આવવું જોઇને?? પણ નથી આવ્યા!! તો ખુશાલ માટે મારે એવી દીકરીને લાવવી હતી કે જે અહી ગામડામાં જ રહેવા માંગતી હોય!! વળી શેઠાણીની સેવા કરવાની શરત એટલે ફટકિયા મોતીનું આમાં કામ જ નહોતું!! કોઈ સાચું રત્ન હોય એ જ હા પાડે.. વળી કોઈ પણ સંજોગોમાં એ દીકરી પરિસ્થિતિ સામે લડી શક્તિ હોવી જોઈએ.. મને શાલીની વહુબેટામાં આ ગુણો દેખાઈ ગયા. નહિતર આ સંબંધમાં રોડા નાંખવા વાળા પણ અનેક હતા. ખુદ આ એમના પિતાજીને પણ પૂરો વિશ્વાસ નહોતો.પણ એને એની દીકરી પર વિશ્વાસ હતો. અને વેવાઈ તમે જરાય મુંજાતા નહિ!! તમારી દીકરી આટલું જાણવા છતાં અમારી પર વિશ્વાસ મૂકી શકતી હોય તો આ ફેરા પુરા થાય પછી એનું રાજ જ અમારા ઘરમાં ચાલશે.. બે ય મોટા તો કેનેડા ભેગીના થઇ ગયા છે.. અહી મારી સંપતિ અને મુંબઈનો કારોબાર ખુશાલ અને શિવાની કરશે.. અમને આશા છે કે શિવાની થકી અમને એવો વારસ મળશે કે આની આ ખાનદાની પેઢી અને વૈભવશાળી વારસો જાળવી રાખશે” કહીને ભગવાનદાસ ભાવવિભોર બનીને દામોદરદાસને ભેટી પડ્યા!! સહુ એ વાત જાણી ને નવાઈ પામી ગયા. શેઠાણી માંડવાની વચ્ચે જ બેસી રહ્યા!! આજ એમના ચહેરા ઉપર એક અલૌકિક તેજ પથરાઈ ગયું હતું !! પોતે કરેલી પરિક્ષામા શિવાની પાસ થઇ હતી એનો આનંદ એના મુખ પર હતો!!!
અને તે રાતે દામોદરદાસના બંગલામાં બીજે માળે શિવાની અને ખુશાલીનો શયનકક્ષ ગુલાબ અને પારિજાતના ફૂલો વડે શણગાર્યો હતો.શેઠના બંગલાની પાછળ રાતરાણીના ફૂલોમાં આજ અદ્વિતીય અને અલૌકિક સુગંધ આવતી હતી. શાલીનીને પોતાના બાહુમાં ઊંચકીને ખુશાલ બોલ્યો.
“તને તારી ઉપર એટલો પૂરો ભરોસો હતો કે બાની બીમારી મટી જશે!! ડાર્લિંગ આઈ લવ યુ!! છોકરીઓ પોતાના ભરથારનું સિલેકશન કરને ત્યારે કોઈ રૂપ જુએ!! કોઈ હોદ્દો જુએ!! કોઈ નાનું કુટુંબ જુએ!! કોઈ નજીકના સંબંધો જુએ!! કોઈ ધંધો વ્યવસાય જુએ, પણ આ કદાચ પહેલો કિસ્સો હશે કે સાસુની સેવા કરવાની છે જોઇને જ સિલેકશન થયું છે.. બાકી તારી કરતા હું રૂપાળો પણ નથી અને તારી જેવા મારામાં સદગુણ નથી.. પણ તને આટલો બધો અને આત્મવિશ્વાસ કેમ હતો” જવાબમાં શાલીની બોલી!!
“મને મારા કરતા એ કાશી ડોશીના આશીર્વાદ પર વધારે ભરોસો હતો. ઠરતી આંતરડીના આશીર્વાદ થી મોટું આ દુનિયામાં કોઈ નથી” ખુશાલ તો આ સાંભળીને આભો જ બની ગયો. એને તો કઈ સમજાયું નહિ. શાલિનીએ ફોડ પાડીને વાત કરી!!

“ મારા ઘરની બાજુમાં જ એક કાશી ડોશી રહેતા. મારા બાપુજી ક્યારેક બહારગામ ગયા હોય અને મારી દુકાને હું ક્યારેક બેઠી હોવ ત્યારે કાશી ડોશીમાં મને સથવારો કરાવવા આવતા. ડોશીના બે ય દીકરા મજુરીનું કામ કરતા હતા. એના દીકરાની વહુઓ પણ મજુરીકામ કરતી હતી. ગરીબ પરીસ્થિતિ અને એમાં કાશી ડોશી એક વખત પડી ગયા અને ગોળો ફાટી ગયો. મારા પિતાજીએ પૈસાની મદદ કરી અને ઓપરેશન કરાવ્યુ.પણ ખરી વાત તો પછી બની. એના સગા દીકરાની વહુઓ એનાથી દૂર થઇ ગઈ. ઘરમાં ડોશી એકલા રહી ગયા. દીકરાઓ કમાવાના બહાને બહાર ગામ જતા રહ્યા. છોકરા પુરેપુરા કપાતર નીકળ્યા. આવી માંદગીમાં એને એની સગીમાની પણ દયા ના આવી. કાશી ડોશી થી ઉભું પણ ના થવાય. એ છ મહિના મેં ડોશીમાંની સેવા કરી હતી!! અને કાશીમાં મને આશીર્વાદ આપતા અને કહેતા.. શાલુ દીકરી તને બંગલા અને જાહોજલાલી મળશે!! તારો પહેલો સંબંધ જોવા આવશે એને હા જ પાડી દેજો!! સાસરામાં જઈને તું રાજ કરવાની છો રાજ!! આ ડોશીની આંતરડી ઠરી છે એવું તારું કાળજું પણ ઠરશે જ!! યાદ રાખજે આ ડોશીના શબ્દો!! બસ પછી કાશીમાં એકાદ વરસ જીવ્યા. છેલ્લે છેલ્લે તો હું મારા ઘરે થી ત્રણેય ટાઈમ જમવાનું લઇ જતી. એના છેલ્લા શ્વાસ ચાલતા હતા ને ત્યારે પણ મારી સામું જોઇને બોલેલા કે.. શાલુ તું મહેલોમાં રહીશ મારી દીકરી બહુ જ સુખી થઈશ!! મને વિશ્વાસ હતો જ એના શબ્દો પર અને રહી વાત સેવાની તો એની મને ટેવ પડી ગઈ હતી. મેં વિચાર્યું કે મારા સાસુની સેવા કરવી એ તો મારા ડાબા હાથનો ખેલ છે. અને મને નાનપણથી આવી બાબતો ખુબ ગમે છે અને શહેરમાં જવાનું મને ગમતું નહોતું. બસ આ બધું ભેગું થયું અને મેં નિર્ણય લઇ લીધો!!” શાલીની એક અપ્રતિમ આત્મવિશ્વાસથી બોલતી હતી. ખુશાલને લાગ્યું કે આ ઘરની શાખ હવે શાલિનીના હાથમાં સલામત છે!! રાત વીતતી જતી શાલીની ખુશાલના આગોશમાં સમાઈ ગઈ!! રાતરાણી ,પારીજાત, અને ગુલાબના ફૂલો એકબીજા સામે જોઇને મલકાતા મલકાતા મધરાતે મહેંકી ઉઠયા!!
આશીર્વાદ એ સારી બાબત છે પણ તદન નિસ્વાર્થભાવે વંચિતોના આંસુ લૂછ્યા હોય અને એની આંતરડી ઠારી હોય.. જ્યાં બળબળતા દુઃખનો ભડકો હોય ત્યાં તમે તમારા સ્નેહ અને સેવાની સરવાણી વહાવી હોય અને જે આશીર્વાદ મળે એ જગતમાં શ્રેષ્ઠ આશીર્વાદ છે!! બળબળતી આંતરડીની બદદુઆ અને ઠરતી આંતરડીના આશીર્વાદ ક્યારેય મિથ્યા જતા નથી!!

લેખક :- મુકેશ સોજીત્રા
૪૨ , “હાશ” શિવમ પાર્ક સોસાયટી, સ્ટેશન રોડ. મુ.પો ઢસા ગામ તા.ગઢડા જી.બોટાદ પીન ૩૬૪૭૩૦.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks