લેખકની કલમે

“એક જૈન મુનિ : આવા પણ… (સત્ય ઘટના) – આવા પણ સાધુઓ છે જે કોઈ પણ નામનાનો મોહ રાખ્યા વિના પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સમાજ અને રાષ્ટ્ર ઘડતરના પવિત્ર યજ્ઞમાં પોતાની નાનકડી પણ ખૂબ અમૂલ્ય આહુતિ આપતા રહે છે…

  • “નથી મોહ કોઈ નામનો, પ્રભુ કર્મ અભિલાષ.
  • મારા હૃદયમાં રહે સદા, માનવ હિત નો વાસ.
  • જગ કલ્યાણક શુભ્ર યજ્ઞમાં, નિમિત્ત હું બનું,
  • શ્રુષ્ટિમાંથી થાય સદાને માટે, પાપ વૃત્તિનો નાશ…”
    – અલ્કેશ ચાવડા ‘અનુરાગ’

…અને આજે ફરી એક વખત મારી પર એ જૈન મુનિનો ફોન આવે છે…
“સાહેબજી, ઘેર છો ?”
“મુંબઈ થી ઘણી બધી નોટબુકો આવી છે. તો લઈ જાઓ ને. તમારી શાળામાં બાળકોને આપી દેજો. બિચારા એનો ઉપયોગ કરી ભણી ગણી હોશિયાર થશે તો ભગવાનતો રાજી થશે જ પણ આપણા દેશના શિક્ષણમાં આપણું એટલું નાનું સરખું યોગદાન થશે…”

અને હું એ જૈન મુનિના કહેવાથી એ ૧૦૮ જૈન મંદિરમાં જે ઉપાશ્રય માં બિરાજમાન હતા ત્યાં પહોંચી ગયો મારી શાળાના બાળકો માટે એમના તરફથી અપાનાર નોટ બૂકો લેવા માટે…
જેવો ઉપાશ્રયમાં પગ મૂક્યો અને ત્યારે બાળકોને જે નોટબુકો આપવાનું કામ એ મુનિ તરફથી થવાનું હતું એનો ઉત્સાહ માત્ર એમની આંખોમાજ નહિ પરંતુ હૃદયમાં પણ સ્પષ્ટ જણાઈ આવતો હતો. જાણે બાળકોને અપાનાર પ્રત્યેક નોટબુકો પર એમના આશીર્વાદ રૂપી સાઈન હતી અને જાણે લાભ લેનાર પ્રત્યેક બાળકના તેજસ્વી ભાવિ માટેનો આશાવાદ એમની અંતરની લાગણીમાંથી છલકતો હતો…

મને લગભગ અઢીસો જેટલી નોટબુકો મારી શાળાના બાળકો માટે જૈન મુનિએ આપી. હું એમની પાસે થોડી વાર બેઠો તો એમની વાર્તાનો માત્ર એકજ મુદ્દો તરીને આવતો હતો અને એ હતો કે…
“અલ્કેશભાઈ, જ્યારે તમે બાળકોને આ નોટબુકોનું વિતરણ કરો ત્યારે એ રીતે વાત કરી આપજો કે એકેય બાળકના મોં પર લાચારીનો ભાવ ન આવે…

એમને એમ ન લાગવું જોઈએ કે એમની ગરીબ પરિસ્થિતિ ના કારણે આ મદદ એમને મળી રહી છે… એમને મન આ નોટબુકો મારા ગુરુદેવ પૂજ્ય આચાર્ય ભગવંત રત્નશેખર સુરી. મ.સા. ની પ્રસાદી રૂપ લાગવી જોઈએ…”

અને એ મુનિરાજે જે છેલ્લી ટકોર કરી એ સાંભળતાં મનોમન મને થયું કે..આજના આ માર્કેટિંગ ના યુગમાં ચાહે ગમે તે ક્ષેત્રમાં રહેલ વ્યક્તિ પોતાના નામની કિંમત વધારવા માટે વલખા મારી રહ્યો છે ત્યારે આ જૈન મુનિરાજ, સામાન્ય લાગતા નોટબુક વિતરણ કામ પણ ખુદમાં અસામાન્ય કર્મયોગ કરીને પણ એમાંથી નિર્લેપ રહેવા માંગતા હતા. જેમાં ભગવાન મહાવીરની કર્મનીરઝરા ની આખી ફિલોસોફી સમાઈ જતી હતી…
એમને છેલ્લી ટકોર કરી…
“તમે બાળકોને ખુશી ખુશી નોટબુકો આપજો પણ ક્યાંય મારું નામ ન આપતા કે મેં આ નોટબુકો મોકલાવી છે… અને જો કોઈ પૂછે તો પૂજ્ય ગુરુદેવ રત્નશેખર સુરી.મ.સા. નું અને મુંબઈથી જે ભાગ્યશાળી ભાઈએ નોટબુકો મોકલાવી છે એમનું નામ આપજો પણ ભૂલથીયે મારું નામ ન આપતા…”

એ જૈન મુનિરાજ પ્રત્યે મને પહેલેથીજ અનહદ લાગણી હતી પણ એ દિવસના પ્રસંગ બાદ તો એ લાગણી કોટી ઘણી વધી ગઈ… જો કે મારી શાળામાં આમ શિક્ષણની વસ્તુ દાનમાં આપવાનો એટલેકે એમના માટે પ્રસાદમાં આપવાનો આ કોઈ પહેલો પ્રસંગ ન હતો. ભૂતકાળમાં સેંકડો વખત એમને મારી શાળામાં બાળકોને શિક્ષણમાં ઉપયોગી ઘણી વસ્તુઓ વગર માંગ્યે એમને આપી છે અને એ પણ નામના મોહ વિના. માત્ર બાળકો સારું ભણે એ એકજ આશયે…
વાતનો મર્મ એ છે કે એ જૈન મુનિરાજે ઇચ્છયું હોત તો એ નોટબુકો મારા ગામ શંખેશ્વર ની શાળામાં આપી શક્યા હોત અને શંખેશ્વર માં રહેતા ઘણા બધા જૈન તેમજ અજૈન ભાઈઓની વાહવાહી લૂંટી શક્યા હોત. દરેક નોટબુક પર પોતાના નામનું સ્ટીકર મારી શક્યા હોત. પરંતુ ભૂતકાળમાં દર વખતે આપેલ દાનની જેમ આ વખતે પણ એમને ,હું જે સાવ અંતરિયાળ અને પછાત ગણાતા ગામમાં શિક્ષકની નોકરી કરું છું એ ગામની શાળા પસંદ કરી કે જ્યાં ખરેખર બાળકોને આવા આશીર્વાદની જરૂર છે… ટૂંકમાં એમને માટી ત્યાં નાખી જ્યાં ખાડો છે… ટેકરા પર ટેકરો ન કર્યો… જે એમની વિદ્યાપ્રેમ, સમાજપ્રેમ અને રાષ્ટ્રપ્રેમની દીર્ઘદ્રષ્ટિનું સૂચક છે…

અને અંતે એ જૈન મુનિરાજનું નામ જણાવુ તો એ છે…માત્ર અઢાર વર્ષના અને જૈન સાધુ સમાજના તેજસ્વી મુનિરાજ પૂજ્ય નયશેખર વિજયજી મહારાજ સાહેબ… હું અને આપણે સૌ પ્રભુને પ્રાર્થના કરીએ કે નાની ઉંમરે પણ આ સમજદારી રાખનાર પૂજ્ય નયશેખર મ.સા. ને ભગવાન જપ તપ ધ્યાનમાં ખૂબ ઊંચા આયામ પર પહોંચાડે અને એમના હાથે વર્ષો સુધી આવા શિક્ષણ ઉપયોગી, સમાજ ઉપયોગી સદકાર્યો થતા રહે…
મિત્રો, આ આર્ટિકલ હું પૂજ્ય નયશેખર મ.સા. ની પરવાનગી લીધા વિનાજ આપની સમક્ષ મૂકી રહ્યો છું…એકજ આશયથી કે પૂજ્ય નયશેખર મ.સા. ના સડકાર્યોની સુવાસ ચારે તરફ પ્રસરે અને સૌને એમાંથી એક પ્રેરક તત્વ મળે… અંતે સમાજ,રાષ્ટ્ર અને સમગ્ર શ્રુષ્ટિનું કલ્યાણ થાય…
જૈનમ જયતિ શાસનમ…
જય ગુરુદેવ…

POINT :- આજે સમાજમાં બધા ક્ષેત્રો વગોવાયા છે જેમાંથી સાધુઓની જાત પણ બાકાત નથી પણ એનો અર્થ હરગીજ એ નથી કે સમાજ અને દેશમાંથી સારાઈ એ સદા માટે વિદાય લઈ લીધી છે…

આવા પણ સાધુઓ છે જે કોઈ પણ નામનાનો મોહ રાખ્યા વિના પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સમાજ અને રાષ્ટ્ર ઘડતરના પવિત્ર યજ્ઞમાં પોતાની નાનકડી પણ ખૂબ અમૂલ્ય આહુતિ આપતા રહે છે…

લેખક :- અલ્કેશ ચાવડા ‘અનુરાગ’ (શંખેશ્વર)
Author : GujjuRocks Team
દરરોજ આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર. “ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.