દિલધડક સ્ટોરી પ્રસિદ્ધ પ્રેરણાત્મક મુકેશ સોજીત્રા રસપ્રદ વાતો લેખકની કલમે

“એક અંગુઠાછાપ માસ્તર” – સન્માનની, ગૌરવની કે ખ્યાતી,પ્રસિદ્ધિની ભૂખ રાખ્યા વગર નિસ્વાર્થ પણે પોતાની ફરજ નિભાવતા એક શિક્ષકની વાત.. !!

સંજય પોતાના ઘરેથી નીકળીને ગામને પાદર આવેલ બજરંગદાસ બાપાના ઓટલે બેસવા નીકળ્યો. રવિવારની રજા હતી એટલે નિશાળે જવાનું તો હતું નહિ. પોતે હતો એકલ પંડે!! આમ તો એના લગ્ન નક્કી થઇ ગયા હતા. પણ આ શિયાળો ખાલી ગયો હતો. હવે એનો વારો ઉનાળામાં આવે એમ હતો. પોતાની પત્ની સંધ્યા બસો કીલોમીટર દૂર આવેલ એક ગામમાં શિક્ષિકા હતી. વરસ દિવસ પહેલા જ એમનો સંબંધ થયો હતો. દિવાળીએ નક્કી થયું હતું કે આ શિયાળામાં લગ્ન પાકા જ છે.પણ સંધ્યાના કુટુંબમાં એક અઠવાડિયામાં બે ભાભલાએ લાંબુ ગામતરું કર્યું હતું એટલે કુટુંબમાં જે બે લગ્નો હતા એ બધા ઉનાળા સુધી ઠેબે ચડી ગયા હતા.ગામડા ગામમાં હજુ આ પ્રથા જળવાઈ રહી હતી કે કુટુંબમાં કોઈને ત્યાં દુઃખનો પ્રસંગ હોય ત્યારે બીજા સુખનો પ્રસંગ ના ઉજવે!! મોડી રાત સુધી સંધ્યા પોતાની સાથે વોટસએપમાં વ્યસ્ત હતી!! અને શિક્ષકોનો વોટ્સએપ ચેટ પણ શૈક્ષણિક જ હોય!!

“મારે એકમ કસોટી તપાસવાની હજુ બાકી છે.. ત્યાં બાજુના ગામની પંચાયતની ખાલી પડેલી સીટની ચૂંટણીમાં મારે કામગીરીનો ઓર્ડર છે.. કાલે જ તાલીમ છે” સંધ્યાએ કહ્યું હતું.

“મારે પણ સોમવારે પ્રજ્ઞાની તાલીમ છે બે દિવસ એવો સીઆરસીએ મેસેજ કર્યો છે મને!! આમ તો હું પ્રજ્ઞા લેતો નથી પણ શિક્ષકોની ઘટ છે એટલે ન છુટકે તાલીમમાં તો જવું પડશે!!

“જમાનો આવ્યો છે જાલિમ!!

મહીને મહીને આવે તાલીમ!!” સંજય હવે સંધ્યા સાથે વાત કરતો હોય ત્યારે કવિ બનવાના ખતરનાક એંધાણ એનામાં દેખાઈ રહ્યા હતા!! સામે સંધ્યા પણ કાવ્યમય જવાબ જ આપતી!!

“જીવનના ઘણા બધા અરમાન બાકી છે
જમીન જીતી લીધી આસમાન બાકી છે
મળવા આવવા દિલ તડપે છે સનમ
પણ એકમ કસોટીનું ઓનલાઈન બાકી છે!!”

બસ આ રીતે રોજ રાતે બને જણા પોતાના રુદિયાનો રાજીપો અને કાવ્યસભર કકળાટ વ્યકત કરતા!!

“ એ આવો આવો માસ્તર આ બાજુ આવતા રહ્યો” બજરંગદાસ બાપાના ઓટલા ના પ્રમુખ એવા જેઠાબાપાએ સંજયને આવકાર્યો!! સંજય ત્યાં બેઠો અને જેઠાઆતાએ પાદરના ગલ્લા પરથી માંગીને લાવેલ છાપું બાજુમાં મુક્યું અને બોલ્યા.
“છાપામાં સમાચાર છે કે ધીમે ધીમે બધે બાયોમેટ્રિક આવી જશે.. બધા ગુરુજનો નિશાળમાં જઈને પોતાનો અંગુઠો મુકીને હાજરી પુરાવશે.. સારું છે આવું બધું આવે છે..જો કે આપણા ગામમાં તો બધાય નિયમિત આવે છે પણ અમુક અમુક જગ્યાએ રેઢિયાળ લાલીયાવાડી હાલે છે એ બંધ થઇ જશે!!” જેઠાબાપા બોલ્યા.

“હવે ક્યાય લગભગ એવું તો નથી જ બધા જ સમય સર આવે છે જેઠાબાપા.” સંજય બોલ્યો.

“ માસ્તર આ અંગુઠાનું તમને નવું લાગતું હશે. પણ પહેલા ગામે ગામ એકાદ અંગુઠાવાળા શિક્ષકો હતા.. એ અંગુઠો વળી જરા જુદી જાતનો જ હતો.. તમારે વળી આજ રજા છે ને સમય પણ છે જ તો આજે તમને એક આવા જ અંગુઠા છાપ શિક્ષક્ની વાત કહેવી છે!! વાત બરાબર સાંભળજો તમને મજા આવશે!!” એમ કહીને જેઠાબાપા એ પોતાની પાસે રહેલ ફાળિયું લાંબુ કરીને બે પગની ફરતે વીંટી ને વાત શરુ કરી!!!
ઘણા સમય પહેલા આ ગામમાં એક માસ્તર રહેતા હતા.!!
નામ એનું વનમાળી ભાઈ!! ધંધુકા બાજુના હતા!!
ગામમાં એણે ૩૬ વરસ સુધી નોકરી કરી હતી. બાવીસ વરસે આ ગામમાં જ નોકરીએ લાગેલા અને અને આ જ ગામમાં નિવૃત થયા!! આ ગામની ત્રણ પેઢી એમની પાસે ભણી ગઈ બોલો. એ વખતે આજુબાજુના ગામમાં ધોરણ ૧થી૪ સુધીની જ શાળા આ જ ગામમાં ૧ થી ૭ ની શાળા અને ખાનગી શાળા તો ઠામુકી જ નમળે એટલે ઠીક ઠીક સંખ્યા!! લગભગ સાત શિક્ષકોનો સ્ટાફ હતો.. સાત ધોરણમાં પાંચ જ ઓરડા બે ધોરણ લોબીમાં બેસે.. ઉનાળો કે શિયાળો હોય ત્યારે વળી ઝાડવાને છાયે બે ધોરણ બેસે. એમાં એક આચાર્ય એટલે એ તો ભણાવે નહિ એટલે નોકરી કરી ત્યાં સુધી વનમાળીભાઈએ સ્વેચ્છાએ બે ધોરણ લીધેલા!!

બસ બીજી ખાસિયત વનમાળી ભાઈની એકે એ નિવૃત થયા સુધી અહિયાં એકલા જ રહ્યા. શનિવારે બપોર પછી ધંધુકા જતા રહે અને સોમવારે અગિયાર વાગ્યે આવી જાય!! કાશી ડોશીના જુના મકાનમાં વનમાળી માસ્તરે આખો જન્મારો કાઢી નાંખ્યો!! ચાના બંધાણી સવારમાં એક શેર દુધની ઘાટી રગડા જેવી ચા બનાવે. આજુબાજુ બજારમાં જો કોઈ નીકળે એના ઘર પાસે તો એને પીવા બોલાવે નહીતર એક શેર દુધની ચા એ એકલા પી જાય!! બપોરે ૫૦૦ ગ્રામ બટેટાનું શાક બનાવે!! અને ચાર ભાખરી!! ખવાય એટલું શાક ખાય બાકીનું વધેલું શાક ઢાંકી દે!! સાંજે ખીચડી બનાવી નાંખે અને એમાં બપોરનું શાક મિક્સ કરે!! અને સાંજે બે શેર દૂધ લાવતા. એક શેર પી જાય અને બાકીના દુધની રાતે દસ વાગ્યે ચા બનાવે. ગામના ઘણા માણસો એમની ઘરે રાતે બાર વાગ્યા સુધી બેઠક હોય એમાં અલકમલકની વાતો થાય, છેલ્લે સહુ ચા પીને છુટા પડે!! આવી રીતે આખી જિંદગી એણે કાઢી નાંખેલી!! એના ઘરના બાયું માણસ ને ક્યારેય એ અહી લાવેલા નહિ એના ત્રણ દીકરા હતા એ બધા ધંધુકામાં જ રહ્યા ત્યાં ભણ્યા ગણયા અને પરણ્યા પણ ખરા. એ ત્રણેય સારી નોકરી પર ચડ્યા પણ એ વાતનું વનમાળીભાઈને જરા પણ અભિમાન નહિ!!
ગામમાં લગભગ એ વખતે બધા જ માસ્તરો રહેતા. આ અપડાઉન વાળી સીસ્ટમ બાઈક આવ્યા પછી શરુ થઇ છે. પેલા તો સાયકલો પણ માંડ માંડ સારા નસીબવાળાને ત્યાં હતી. આ નિશાળમાં જે અત્યારે ઝાડવા છે એ બધા વનમાળીભાઈ એ જ વાવેલા. ઘણા ઝાડવા તો વાવાઝોડામાં પડી પણ ગયા. ગામ આખું વનમાળીભાઈમાં ભળી ગયેલું અને વનમાળીભાઈ આખા ગામમાં ભળી ગયેલા.. શરૂઆતમાં નોકરીએ લાગ્યા ત્યારે જે રીતે રહેતા એ રીતે નિવૃત થયા ત્યાં સુધી એમ જ રહેલા. રહેણીકરણીમાં કોઈ જ ફરક નહિ.!! નિશાળમાં સહુથી પેલા હાજર થાય અને સહુથી છેલ્લે જાય!! પછી તો એને આચાર્યનો ચાર્જ મળતો હતો પણ ના લીધો!!

ભણાવ્યે પણ હોંશિયાર જરા પણ દિલ દગડાઈ નહિ!! શાળાના દરેક કામમાં પાવરધા.. વળી રમતગમતમાં પણ પાવરધા!! બાળક સાથે બાળક બની જાય!! શાળામાં ૧૫ મી ઓગસ્ટે અને ૨૬મી જાન્યુઆરીએ પ્રભાત ફેરીઓ નીકળતી!! આગલી સાંજે ધોરણ છઠ્ઠા અને સાતમાં વાળા મોટા છોકરાઓ ગોદડા લઈને નિશાળે જતા રહે. વનમાળી ભાઈ એમની સાથે સુવે. આઝાદીની વાતો કરે. વહેલા પાંચ વાગ્યે બધા જાગી જાય અને પ્રભાત ફેરી નીકળે!! ગાંધીજીના ગીતો ગાય!! છોકરા અને આખા ગામને પ્રભાત ફેરીથી જગાડે!! સાત વાગ્યે તો બધા નિશાળિયા અને બાકીનો સ્ટાફ આવી જાય નિશાળમાં!! પછી બધા જ બાળકોની બીજી પ્રભાત ફેરી કાઢે!! એ વખતે બે પ્રભાત ફેરી નીકળતી!! અને વળી આખા ગામની દરેક શેરીમાં સુત્રો બોલાવે.. અત્યારની જેમ નહિ કે ગામની એક શેરીમાં પ્રભાતફેરી નીકળે અને મોબાઈલમાં ફોટા પડી જાય એટલે પ્રભાત ફેરી પણ પતી જાય!! ઘણી જગ્યાએ તો સીધું જ ધ્વજ વંદન થઇ જાય! પ્રભાતફેરી જાય તેલ લેવા!! કોઈની પાસે એવો સમય જ ક્યાં છે!! પછી નાટકો ભજવાય ગીતો ગવાય!! બધા જ નાટક વનમાળી ભાઈ જાતેજ લખતા અને તૈયાર કરાવતા!! રમતગમતમાં પણ એવું જ!! વિજ્ઞાનમેળામાં પણ એનો જ સિંહ ફાળો!! પણ આ કામ મેં કર્યું છે. હું છું એટલે આ કામ થાય છે. મારા કારણે જ શાળાનું નામ થયું છે.. આવી એનામાં સહેજ પણ ભાવના નહિ. બસ જે આવડે એ એ કરેજ.. શાળાના કામ કરવામાં થાકી જાય એ શિક્ષકે સ્વૈચ્છિક નિવૃત્તિ લઇ લેવી જોઈએ એવું એ માનતા!!
વનમાળીભાઈ સન્માનથી દૂર જ ભાગતા!! જેમ જેમ એ નોકરી કરતા ગયા એમ એમ એની ખ્યાતી વધતી ગઈ પણ સન્માન ની વાત આવે એટલે દૂર ભાગે!! એ એવું માનતા કે એક વખત શિક્ષક સન્માનની શાલ ઓઢેને પછી એ શાલનો એને એટલો ભાર લાગે કે એની કાર્યક્ષમતા સાવ તળિયે જતી રહે અને પછી એ અંદરથી એવો મુંજાય કે આખી જિંદગી એને જયાને ત્યાં શાલ જ દેખાય અને એ ઓઢવા માટે એ એટલો તત્પર અને તન્મય બની જાય કે બાકીની નોકરી સાવ ધૂળમાં મળી જાય!! બીજા શિક્ષકોનુ ઘણી વાર સન્માન થયું.. શાળાનું પણ અનેક બાબતોમાં સન્માન થયું!! વનમાળી ભાઈએ છેક સુધી પ્રસિદ્ધિથી દૂર જ રહ્યા!!

એવામાં એને નિવૃત્તિ આવી. તારીખ નક્કી થઇ. ગામે નક્કી કર્યું કે હવે તો આ સાહેબનું બહુમાન કરવું જ છે. શાળાનો સ્ટાફ પણ અહોભાવથી જોતો હતો. એ પણ તૈયાર હતો. વનમાળીભાઈએ ઘસીને ના પાડી દીધી કે આપ સહુની લાગણી અને સ્નેહથી ધન્યતા અનુભવું છું.પણ મને મારા સિદ્ધાંતથી દૂર શું કામ કરો છો!! આખી જિંદગી જે મોજ મેં માણી છે એ મોજ તમે છેલ્લી અવસ્થાએ શા માટે મારી પાસેથી લઇ લો છો!! મહેરબાની કરીને મારી એક વાત સાંભળો પછી તમને યોગ્ય લાગે એ કરો!! ગામના બધા જ આગેવાનો અને શાળાના સ્ટાફ વચ્ચે એણે પોતાની અંગત વાત કરી. વનમાળીભાઈ બોલ્યા.
“ હું જયારે શાળાંત પાસ કરીને શિક્ષક્મા પસંદ થયો અને આ ગામમાં પેલી વાર હાજર થવા આવ્યો ત્યારે મારા બાપુજી મારી સાથે આવ્યા હતા. મારા બાપુજી પણ એક શિક્ષક હતા એણે મને એક વાત કહી હતી. અને મેં એને વચન આપ્યું હતું કે બાપુજી આ વાત હું જીવનભર પાળીશ. મારા બાપુજી એ મને એમનો હાથ બતાવીને અને કહ્યું. બેટા વનમાળી જો આ ચાર આંગળીઓ અને એક આ અંગુઠો છે. અંગુઠાની મદદ મળે તો જ આ આંગળીઓ કામની છે. આ દરેક આંગળીઓ પર વીંટી પહેરી શકાય!! માણેક પેરી શકાય નીલમ પેરી શકાય!! પણ કોઈ દિવસ તે કોઈના અંગુઠા પર વીંટી પહેરતા જોઈ છે?? નહીને?? કારણકે અંગુઠો ખુબ જ કામનો હોવા છતાં એ ક્યારેય વીંટી નથી પહેરતો એમ તું એક અંગુઠાછાપ શિક્ષક બનીશ તો મને ગમશે!! શિક્ષકોમાં આંગળીઓ થવા તો બહુ બધા તૈયાર હશે પણ અંગુઠો થવા લગભગ કોઈ જ તૈયાર નહિ હોય!! બધા જ કામ કરવાના અને મન ન મળે એવું કોણ સ્વીકારે!! પણ તારે અંગુઠો બનવાનું છે!! વીંટી એ સન્માન છે!! આંગળીઓ પર શોભે અંગુઠા પર નહિ!! અત્યારે જરૂર છે આવા અંગુઠાની કે જે સન્માનની, ગૌરવની કે ખ્યાતી,પ્રસિદ્ધિની ભૂખ રાખ્યા વગર બસ સમાજ માટે એનું નિર્ધારિત કામ કર્યા કરે.. તો મારી આપ બધાને વિનંતી છે કે જીવનભર હું અંગુઠો જ રહ્યો છું હવે વિદાયના છેલ્લા દિવસે મને આંગળી શું કામ બનાવો છો!!?? મારે કશું જ જોઈતું નથી. બસ તમારી આ લાગણી મારા માટે પુરતી છે!!
સહુ શાંત થઇ ગયા. બધા જ સહમત થયા અને વગર શાલે વગર સમારંભે સાહેબનો વિદાય થઇ. સાહેબે જયારે ગામ છોડ્યું ત્યારે આખું ગામ એને વળાવવા આવ્યું હતું. બસ ત્યારથી વનમાળીભાઈને બધા પ્રેમથી અંગુઠા છાપ માસ્તર તરીકે હજુ સંભારે છે!! બોલો સંજયભાઈ આવા માસ્તર આવા ગામમાં હતા!! અત્યારે આ અંગુઠા સીસ્ટમ આવી એ સારી બાબત છે એના કરતા પણ સારી બાબત એ છે કે દરેક શાળામાં ઓછામાં ઓછો એક શિક્ષક જો આ અંગુઠા જેવો બની જાય ને તો શિક્ષણ સુધરી જાય!! બાકીના શિક્ષકો ભલે ને નાની મોટી આંગળીઓ થઇ જાય.. મનફાવે એવી વીંટીઓ પહેરે પણ એક અંગુઠો જો શાળામાં હોય તો પછી કાઈ ઘટે માસ્તર??? કાઈ નો ઘટે!!
કહીને જેઠા બાપા એ વાત પૂરી કરી. બપોર થઇ ગયા હતા. સંજય અને જેઠા બાપા ઉભા થયા અને પોત પોતાના ઘરની બાજુ જવા નીકળ્યા!!

સંજય ચાલતો ચાલતો વિચારતો હતો કે ખરેખર દરેક શાળામાં એક અંગુઠો તો હોવો જ જોઈએ કે જે કોઈ પણ સ્વાર્થ કે સન્માનની અપેક્ષા વગર શાળાના દરેક કાર્યમાં દિલ રેડીને કામ કરતો હોવો જોઈએ!! અને વાત પણ સાચી જ છે.. આંગળીઓ તો ઘણી બધી મળી રહે છે પણ અંગુઠા બહુ જ ઓછા હોય છે અને એમાય વનમાળીભાઈ જેવા અનુઠા અંગુઠા તો બહુ જ ઓછી સંખ્યામાં છે!!

લેખક:- મુકેશ સોજીત્રા
૪૨ , “હાશ” શિવમ પાર્ક સોસાયટી, સ્ટેશન રોડ,મુ.પો ઢસાગામ તા. ગઢડા જી. બોટાદ પીન ૩૬૪૭૩૦
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે આપનો ખુબ ખુબ આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks