પોર્નોગ્રાફી નેટવર્ક કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ બોલિવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રા અને અન્ય લોકોના રહેઠાણો અને ઓફિસો પર દરોડા પાડ્યા છે. મની લોન્ડરિંગ કેસમાં EDએ દરોડા પાડ્યા છે. શિલ્પાના પતિના ઘર સહિત અનેક સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ એજન્સી દ્વારા મહારાષ્ટ્ર સહિત ઉત્તરપ્રદેશના અનેક શહેરોમાં 15 સ્થળોએ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. અહેવાલ અનુસાર, આ રેડ મોબાઈલ એપ દ્વારા અશ્લીલ કન્ટેન્ટ ક્રિએટ અને વિતરણ પર પ્રતિબંધ સાથે પણ સંબંધિત છે.
જણાવી દઇએ કે, મુંબઈ પોલીસે આ કેસમાં અગાઉ રાજ કુન્દ્રાની ધરપકડ કરી હતી.મુંબઈ પોલીસ અધિકારીઓએ દાવો કર્યો હતો કે કુંદ્રા આ કેસમાં મુખ્ય સાજિશકર્તા હતો. બે મહિના જેલમાં વિતાવ્યા બાદ તે હાલમાં સપ્ટેમ્બર 2021થી જામીન પર છે. પોલીસનો દાવો છે કે રાજ કુંદ્રા અને તેની કંપની પોર્ન ફિલ્મો દ્વારા માત્ર મોટી કમાણી જ નથી કરતી પરંતુ તેમણે દેશના કાયદાને તોડી પાડવા માટે પણ સંપૂર્ણ વ્યવસ્થા કરી હતી. મુંબઈ પોલીસે 4 ફેબ્રુઆરી 2021ના રોજ એક કેસ નોંધ્યો હતો. જ્યારે એક યુવતીએ મુંબઈના માલવાણી પોલીસ સ્ટેશનમાં આ રેકેટ અંગે ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદમાં જણાવાયું હતું કે કેવી રીતે કેટલાક લોકો છોકરીઓને ફિલ્મો અને ઓટીટીમાં કામ અપાવવાના નામે અશ્લીલ ફિલ્મોમાં કામ કરવા દબાણ કરે છે. આ સાથે મુંબઈમાં ઘણા બિઝનેસમેન અશ્લીલ ફિલ્મોનું શૂટિંગ કરીને મોટી કમાણી કરી રહ્યા છે. આ પછી પોલીસે મલાડ વેસ્ટ વિસ્તારમાં એક બંગલામાં દરોડો પાડ્યો જ્યાં એક પોર્ન ફિલ્મનું શૂટિંગ થઈ રહ્યું હતું, ત્યારબાદ આ દરોડામાં એક બોલિવૂડ અભિનેત્રી સહિત 11 લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને તેના વિશે સુરાગ મળ્યા હતા. જો કે પોલીસ નક્કર પુરાવા એકત્ર કરવા માંગતી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર રાજ કુંદ્રા સાથે જોડાયેલી ઘણી વધુ માહિતી ઉપલબ્ધ હતી. તેમાં પીડિત યુવતીઓના નિવેદનો, વોટ્સએપ ચેટ્સ, એપ પર ઉપલબ્ધ ફિલ્મો અને રાજ કુંદ્રાના પોર્નોગ્રાફિક ફિલ્મોના બિઝનેસનો સંપૂર્ણ હિસાબ હતો. આ પછી જ રાજની ધરપકડ કરવામાં આવી હતી. જો કે રાજ કુંદ્રાએ આ કેસમાં તેની સામેના તમામ આરોપોને નકારી કાઢ્યા હતા.